
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ભારતીય મહિલા ક્રિકેટ ટીમને લઈ એક મોટો નિર્ણય સંભળાવ્યો છે. ટીમને ટુંક સમયમાં જ નવો સ્ટ્રેંથ એન્ડ કંડીશનિંગ કોચ મળવાનો છે. આ કોચની નિયુક્ત મહિલા પ્રીમિયર લીગ બાદ થશે. આ જવાબદારી ઈંગ્લેન્ડના એક દિગ્ગજ સંભાળશે. WPL 2026 બાદ ભારતીય મહિલા ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જવાની છે. આ પ્રવાસથી ટીમ ઈન્ડિયાને નવો સ્ટ્રેંથ એન્ડ કંડીશનિંગ કોચ મળવાનો છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઈંગ્લેન્ડના નિકોલસ લીને ટીમનો નવો સ્ટ્રેંથ એન્ડ કંડીશનિંગ કોચ નિયુક્ત કરવાનો નિર્ણય લીધો છે. તે મહિલા પ્રીમિયર લીગ 2026ના પૂર્ણ થયા બાદ ટીમ સાથે જોડાશે. આ વર્ષે WPL 9 જાન્યુઆરીથી શરુ થઈ 5 ફેબ્રુઆરી સુધી ચાલશે. ત્યારબાદ ભારતીય મહિલા ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર રવાના થશે. જ્યાં 15 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી અલગ અલગ ફોર્મેટની સીરિઝ રમાશે. એક સુત્રએ પીટીઆઈને જણાવ્યું કે. ડબલ્યુપીએલ બાદ લી ભારતીય મહિલા ક્રિકેટ ટીમના નવા સ્ટ્રેંથ એન્ડ કંડીશનિંગ કોચના રુપમાં કાર્યભાર સંભાળશે.
તમને જણાવી દઈએ કે, નિકોલસ લીની પાસે ક્રિકેટ અને એલીટ સ્પોર્ટસમાં ખુબ સુંદર અનુભવ છે. તે એક પૂર્વ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર રહી ચૂક્યો છે. તેમણે 13 મેચમાં 490 રન બનાવ્યા હતા. હાલમાં તે યુએઈની આઈએલટી20 લીગમાં ગ્લફ જાયન્ટસ ટીમની સાથે કામ કરી રહ્યો હતો. આ પહેલા જાન્યુઆરી 2024થી ડિસેમ્બર સુધી તેમણે અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમનો સ્ટ્રેંથ એન્ડ કંડીશનિંગ કોચની જવાબદારી સંભાળી હતી. માર્ચ 2020 થી જાન્યુઆરી 2024 સુધી બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડમાં ફિઝિકલ પરફોર્મેન્સનો હેડ પણ રહ્યો હતો. તે ઓક્ટોબર 2016થી માર્ચ 2020 સુધી શ્રીલંકા પુરુષ ટીમ સાથે જોડાયેલો હતો.
ઘરેલુ સ્તરે, લીએ માર્ચ 2012 થી સપ્ટેમ્બર 2016 સુધી સસેક્સ કાઉન્ટી ક્રિકેટ ક્લબમાં મુખ્ય ટ્રેનર તરીકે સેવા આપી હતી અને તે પહેલાં જાન્યુઆરી 2010 થી માર્ચ 2012 સુધી સહાયક ટ્રેનર હતા. તે એગ્લિયા રસ્કિન યુનિવર્સિટીથી ગ્રેજ્યુએટ છે. લીની આ નિયુક્તિ ભારતીય મહિલા ટીમ માટે ખાસ એટલા માટે છે કારણ કે, ઓસ્ટ્રેલિયા પ્રવાસ પડકારજનક હશે. તેની વિશેષતાથી ટીમમાં ફિટનેસ અને પ્રદર્શનમાં નવી ઉર્જા આવવાની આશા છે.
Published On - 9:37 am, Fri, 2 January 26