
ભારતીય મહિલા બ્લાઈન્ડ ક્રિકેટ ટીમે ઈતિહાસ રચી દીધો છે. ભારતીય ટીમે શ્રીલંકામાં રમાયેલી પહેલી બ્લાઈન્ડ મહિલા ટી20 વર્લ્ડકપનો ખિતાબ પોતાને નામ કર્યો છે. ભારતીય મહિલા બ્લાઈન્ડ ટીમે ફાઈનલમાં નેપાળને હરાવ્યું હતુ. ભારતે એક પણ મેચ હારી ન હતી. ફાઈનલમાં પણ ભારતીય ટીમનો દબદબો રહ્યો હતો. ભારતીય ટીમે ફાઈનલ મેચમાં નેપાળને 7 વિકેટથી હરાવ્યું છે.
ફાઈનલ મેચમાં ટોસ જીતી ભારતે નેપાળને પહેલા બેટિંગનું આમંત્રણ આપ્યું હતુ અને આ નિર્ણય ખુબ સાચો સાબિત થયો હતો. નેપાળની ટીમ 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર માત્ર 114 રન જ બનાવી શકી હતી. આ દરમિયાન સરિતા ધિમિરે સૌથી વધારે 35 રન બનાવ્યા હતા. તેમજ બિમલા રાયે 26 રનની ઈનિગ્સ રમી હતી. આ સિવાય કોઈ પણ બેટ્સમેન ડબલ ફિંગરનો આંકડો બનાવી શકી ન હતી. જેના કારણે ટીમ એક નાના સ્કોરમાં સમેટાય ગઈ હતી. બીજી બાજુ ભારત માટે જમુના રાની ટુડુ અને અનુ કુમારીએ 1-1 વિકેટ લીધી હતી.
જેના જવાબમાં ભારતીય ટીમે માત્ર 12.1 ઓવરમાં જ ટાર્ગેટ મેળવ્યો હતો અને 47 બોલ બાકી રહેતા જીત નોંધાવી હતી. ટીમની સૌથી મોટી મેચ વિનર ફુલા સરેન રહી હતી. ફુલા સરેને 27 બોલ પર અણનમ 44 રન બનાવ્યા હતા. જેમાં 4 ચોગ્ગા પણ સામેલ છે. તેમજ કરુણાએ પણ 27 બોલમાં 42 રનની ઈનિગ્સ રમી હતી. આ સિવાય બસંતી હાંસદા 13 રન બનાવી અણનમ રહી અને ટીમને જીત અપાવી હતી. ભારતીય મહિલા ટીમે આ રન ચેન્જ દરમિયાન માત્ર 3 વિકેટ ગુમાવી હતી.
ભારતીય મહિલા બ્લાઈન્ડ ક્રિકેટ ટીમ આ ટૂર્નામેન્ટની શરુઆત શ્રીલંકાને 10 વિકેટ ગુમાવી હરાવી હતી. ત્યારબાદ તેમણે ઓસ્ટ્રેલિયાને 209 રનથી હરાવ્યું હતુ. ભારતીય ટીમે નેપાળને 85 રનથી હરાવ્યું હતુ. ત્યારબાદ અમેરિકા વિરુદ્ધ ટીમને 10 રનથી જીત મળી હતી. પાકિસ્તાન વિરુદ્ધ રમાયેલી મેચમાં પણ ભારતે 8 વિકેટથી બાજી મારી હતી. પછી સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને 9 વિકેટથી હરાવી ફાઈનલમાં એન્ટ્રી કરી હતી.
Published On - 2:58 pm, Sun, 23 November 25