IND vs IRE : જસપ્રીત બુમરાહની કપ્તાનીમાં ભારતીય ક્રિકેટ ટીમે (Indian Cricket Team) આયર્લેન્ડ સામેની T20 શ્રેણી જીતી લીધી છે. 20 ઓગસ્ટને રવિવારના રોજ રમાયેલી શ્રેણીની બીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ આયર્લેન્ડને 33 રને હરાવીને ત્રણ મેચની શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે.
આ પણ વાંચો IND vs IRE: ભારતે પ્રથમ બેટિંગ કરતા આયર્લેન્ડ સામે 186 રનનુ રાખ્યુ લક્ષ્ય, ગાયકવાડની શાનદાર અડધી સદી
પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે ઋતુરાજ ગાયકવાડની અડધી સદીના આધારે 185 રન બનાવ્યા હતા, ત્યારબાદ પ્રસિદ્ધ કિષ્ણા અને રવિ બિશ્નોઈની ધારદાર બોલિંગ સામે આયરલેન્ડ 20 ઓવરમાં 152 રન જ બનાવી શક્યું હતું અને ટીમ ઈન્ડિયાએ જીત મેળવી હતી. આ સાથે ભારતે આયર્લેન્ડ સામે શ્રેણી જીતવાની હેટ્રિક પણ પૂરી કરી છે.
પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાએ વરસાદને કારણે પોતાની બેટિંગના આધારે લક્ષ્ય સુધી પણ પહોંચ્યા વિના જ જીત મેળવી હતી, પરંતુ આ વખતે બુમરાહની કપ્તાનીમાં યુવા ખેલાડીઓએ બંને મોરચે પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું. આ વખતે માત્ર યશસ્વી જયસ્વાલ અને તિલક વર્મા નિષ્ફળ રહ્યા હતા, પરંતુ તેમના સિવાય અન્ય બેટ્સમેનોએ પોતાની રમત દેખાડી હતી. તો બુમરાહે ફરી એકવાર શાર્પ બોલિંગ કરીને ચાહકોને ખુશ કરી દીધા હતા. આ ઉપરાંત જસપ્રીત બુમરાહ T20 સિરીઝ જીતનાર પ્રથમ ભારતીય બોલર કેપ્ટન બન્યો છે.
ભારતીય ટીમના 186 રનના ટાર્ગેટના જવાબમાં આયર્લેન્ડની શરૂઆત ફરી એકવાર ખરાબ રહી હતી. ટીમનો કેપ્ટન પોલ સ્ટર્લિંગ સતત બીજી મેચમાં ફ્લોપ રહ્યો હતો. ત્રીજી ઓવરમાં તેને પ્રસિદ્ધ કિષ્ણાએ પેવેલિયન ભેગો કર્યો હતો. આ જ ઓવરમાં પ્રસિદ્ધે લોર્કન ટકરને પણ આઉટ કર્યો હતો. તે સતત બીજી મેચમાં પણ નિષ્ફળ રહ્યો હતો. અને છઠ્ઠી ઓવરમાં લેગ સ્પિનર રવિ બિશ્નોઈએ હેરી ટેક્ટરને બોલ્ડ કર્યો હતો. આ રીતે પાવરપ્લેમાં જ આયર્લેન્ડની 3 વિકેટ પડી ગઈ હતી. એન્ડી બલબિર્ની બીજા છેડેથી સતત રન બનાવી રહ્યો હતો અને તેને કર્ટિસ કેમ્ફરની પણ થોડી મદદ મળી હતી.
ટોસ હાર્યા બાદ ટીમ ઈન્ડિયા પ્રથમ બેટિંગ કરવા ઉતરી અને યશસ્વી જયસ્વાલે કેટલાક જબરદસ્ત શોટ ફટકારીને ઝડપી શરૂઆત કરી. જો કે, તે ચોથી ઓવરમાં જ આઉટ થઈ ગયો હતો. તો તિલક વર્મા પણ કંઈ ખાસ કરી શક્યો નહોતો. ત્યાર બાદ ઋતુરાજ ગાયકવાડ અને સંજુ સેમસને ઇનિંગ સંભાળી હતી.
સતત ટીકાઓનો સામનો કરી રહેલા સંજુએ 40 રનની ધમાકેદાર ઇનિંગ રમી અને ગાયકવાડ સાથે 71 રનની ભાગીદારી કરી. બીજી તરફ ગાયકવાડે તેની બીજી ટી-20 અડધી સદી ફટકારી હતી પરંતુ થોડા સમય બાદ તે આઉટ થઈ ગયો હતો. અહીં ટીમ ઈન્ડિયાની ગતિ થોડી ધીમી થઈ ગઈ અને 16થી 18 ઓવરમાં માત્ર 14 રન જ બનાવ્યા. ટીમ પર નાના સ્કોરનું જોખમ હતું, પરંતુ રિંકુ સિંહ અને શિવમ દુબેએ છેલ્લી બે ઓવરમાં 42 રન ફટકારીને ટીમને 185 રન સુધી પહોંચાડી દીધી હતી. પોતાની પ્રથમ ઇનિંગ રમી રહેલા રિંકુએ 3 સિક્સ અને 2 ફોર ફટકારી હતી અને 38 રન બનાવીને આઉટ થયો હતો.
Published On - 11:24 pm, Sun, 20 August 23