
કતારમાં 20 નવેમ્બરથી ફિફા ફૂટબોલ વર્લ્ડકપની શરુઆત થવા જઈ રહી છે. આખી દુનિયામાં આ વર્લ્ડકપને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દુનિયામાં ફૂટબોલ એક લોકપ્રિય રમત છે. આખી દુનિયામાં ફૂટબોલના અનેક ચાહકો છે. ઘણા લોકોની પ્રિય રમત પણ ફૂટબોલ હોય છે. દુનિયામાં ઘણા બાળકો ફૂટબોલ ખેલાડી બનીને ફિફા વર્લ્ડકપ રમવાનું સ્વપ્ન જોતા હોય છે. 90 મિનિટની આ રમત શક્તિ, ઉત્સાહ, સમજ, ચતુરાઈ અને રોમાંચને કારણે જાણીતી છે.
ફૂટબોલની રમત અને ફૂટબોલ શબ્દની ઉત્પતિ અંગે દુનિયામાં અલગ અલગ મત છે. ફૂટબોલનો સીધો અને સરળ અર્થ છે ફૂટ એટલે કે પગ અને બોલ એટલે રમતનો દડો. પગથી રમાતી આ રમતને ફૂટબોલ નામ આપાયુ છે. આ ફૂટબોલની રમતને લઈને અલગ અલગ મતો છે. ચાલો જાણીએ ફૂટબોલની રમતની ઉત્પતિનો ઈતિહાસ.
ફિફા સંસ્થા અનુસાર ચીનની રમત સુજૂનું વિકસિત રુપ એટલે ફૂટબોલની રમત. આ રમત હ્યાં વંશના સમયમાં વિકસિત થઈ હતી. ફૂટબોલને જાપાનના અસુકા વંશના શાસન કાળમાં પણ રમવામાં આવતી હતી. ફૂટબોલને કેમરીના નામથી પણ ઓળખવામાં આવે છે. વર્ષ 1586માં ગ્રીનલેન્ડમાં પણ ફૂટબોલ મેચ રમવામાં આવી હતી. તે સમયે આ રમત જોન ડેવિસ નામનો એક જહાજનો કેપ્ટન તેના સાથીઓ સાથે રમતો હતો.
વર્ષ 1409 સુધી આ રમત બ્રિટન સુધી પહોંચી ગઈ હતી. 15મી સદીમાં સ્કોટલેન્ડમાં પણ આ રમત રમવામાં આવતી હતી. તે સમયના બ્રિટનના રાજકુમાર હેનરી ચતુર્થ દ્વારા પહેલીવાર ફૂટબોલ શબ્દનો ઉપયોગ થયો હતો. બ્રિટનમાં આ રમત ખુબ લોકપ્રિય થઈ હતી. વર્ષ 1526-36માં બ્રિટનના રાજા હેનરી-8 એ ફૂટબોલને સરળતાથી રમવા માટે ખાસ બૂટ બનાવવાનો આદેશ આપ્યો હતો.
17મી સદીની શરુઆતથી જ દુનિયામાં ફૂટબોલ ટુર્નામેન્ટની શરુઆત થઈ. આ દરમિયાન 2 ટીમો વચ્ચે પહેલીવાર ફૂટબોલ મેચ રમવાની શરુઆત થઈ. તે સમયે પહેલીવાર ગોલ કરવાનો નિયમ બન્યો. તે સમયે એક મેચમાં 8થી 12 ગોલ થતા હતા. 20મી સદીમાં ફૂટબોલ માટે સંગઠન બનવવાની જરુર પડી. તેથી ફિફાની સ્થાપના થઈ અને દુનિયામાં અલગ અલગ દેશો વચ્ચે અનેક ટુર્નામેન્ટ મેચો નિયમો અનુસાર રમાવાની શરુઆત થઈ.