ટોક્યો પેરાલિમ્પિકમાં ભાવિના પટેલે દેશનું નામ રોશન કર્યું હતું. ભાવિના પટેલે ટેબલ ટેનિસના મહિલા સિંગલ્સમાં ભારતને પ્રથમ સિલ્વર મેડલ અપાવ્યો. દેશભરમાંથી ભાવિના પટેલને શુભેચ્છાઓ આપવામાં આવી. ત્યારે રાજ્ય સરકારે ૩ કરોડ આપવાની જાહેરાત કરી. જેમાં આજે ગુજરાતના રમતગમત અને યુવા સાંકૃતિક મંત્રી હર્ષ સંઘવીએ ભાવિના પટેલના ઘરે જઈને તેમને ૩ કરોડનો ચેક આપ્યો છે.
રાજ્યના ગૃહ તથા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવી આજે પેરાઓલિમ્પિકના સિલ્વર મેડાલિસ્ટ ભાવિના પટેલના ઘરે પહોંચ્યા હતા. જ્યાં મેયર કિરીટ પરમાર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ પણ સાથે હતા. હર્ષ સંઘવીએ ભાવિના પટેલના ઘરે જઈને શુભેચ્છાઓ આપી હતી. અને પેરાઓલિમ્પિક અંગે વાતચીત કરી હતી. જે બાદ સરકાર દ્વારા કરાયેલ ૩ કરોડની જાહેરાતનો ચેક પણ આપ્યો હતો.
આ ઉપરાંત હર્ષ સંઘવીએ ભાવિના પટેલ તેમના ઘરે જ્યાં પ્રેક્ટીસ કરતા હતા તે ટેબલ ટેનિસની જગ્યાની પણ મુલાકાત લીધી હતી. અન્ય ખેલાડીઓ સાથે પણ ભાવિના પટેલના ઘરમાં હીંચકા પર બેસીને વાતચીત કરી હતી. મેયર કિરીટ પરમાર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ સાથે પણ રમતગમત અંગે ચર્ચા કરી હતી.
હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આજે ભાવિના પટેલને ઘરે આવ્યો તેનો ખુબ આનંદ છે. રાજ્ય સરકાર વતી ઇનામ નહિ પરંતુ ૩ કરોડનો ચેક ગૌરવના રૂપે આપવામાં આવ્યો છે. આજે ભાવિના પટેલના ઘરેથી કઈક શીખીને જાઇ રહ્યો છું. ભાવિના પાસેથી પણ ઘણા સૂચનો મળ્યા છે. અગામી દિવસમાં તે મુદ્દાઓ ચર્ચામાં મુકવામાં આવશે અને આવા અનેક ખેલાડીઓ દેશનું નામ રોશન કરે તે માટે તૈયારી કરાવવામાં આવશે.
ટોક્યો પેરાલિમ્પિકમાં ભાવિનાબેન પટેલે ટેબલ ટેનિસના મહિલા સિંગલ્સમાં વર્ગ-4 કેટેગરીમાં ભારતને પ્રથમ મેડલ અપાવ્યો હતો. ફાઇનલમાં વિશ્વની નંબર 1 ચીનની ખેલાડી ઝોઉ યિંગ સામે ભાવિનાનો મુકાબલો હતો. યિંગે ભાવનાને 11-7, 11-5 અને 11-6થી હરાવીને ગોલ્ડ જીત્યો. ભાવિનાને સિલ્વર મળ્યો હતો.
આ પણ વાંચો : Video : રાજકોટની દિકરીઓએ જીત્યુ લોકોનુ દિલ, આંખે પાટા બાંધીને આ છોકરીઓએ કરી અદ્દભૂત તલવારબાજી !
આ પણ વાંચો : બોલીવુડ અભિનેત્રી અનન્યા પાંડેના ઘરે NCB ના દરોડા, ડ્રગ્સ ચેટમાં આર્યન ખાનની બહેન સુહાનાનું નામ પણ સામે આવ્યુ !
Published On - 2:32 pm, Thu, 21 October 21