Smriti Mandhana સહિત પાંચ ખેલાડીઓને ખરીદવા સ્પર્ધા થશે
હવે એ દિવસ આવી ચુક્યો છે, જે દિવસની વિશ્વભરની મહિલા ક્રિકેટરો અને ક્રિકેટ ચાહકો રાહ જોઈ રહ્યા હતા. પાંચ ટીમોનુ ઓક્શન થયા બાદ સ્ક્વોડ રચવા માટે ઓક્શનની રાહ જોવાઈ રહી હતી. IPL વિશ્વની સૌથી વધુ લોકપ્રિય ક્રિકેટ ટૂર્નામેન્ટ છે, હવે મહિલા પ્રીમિયર લીગ જબરદસ્ત લોકપ્રિય બનવાની આશા છે. મહિલા લીગમાં હિસ્સો બનવા માટે દેશ અને વિદેશની ક્રિકેટરો આતુરતા પૂર્વક રાહ જોઈ રહી છે. સોમવારે 409 ખેલાડીઓનુ ઓક્શન થનાર છે. જેમાં એવી કેટલીક ખેલાડીઓ સામેલ છે, જેમની પર ધનવર્ષા થઈ શકે છે.
મહિલા ક્રિકેટરોને માટે મોટુ પરિવર્તન લાવનારો આ સોમવાર બની રહેવાનો છે. હવે મહિલા ક્રિકેટરો પર પણ ધનવર્ષા થશે. યુવા ખેલાડી શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના અને એસિલા હિલી સહિતની કેટલીક મહિલા ક્રિકેટરો પર રીતસરની ધનવર્ષા થઈ શકે છે. આ ખેલાડીઓ પોતાની રાષ્ટ્રીય ટીમો માટે જાન લગાવીને ક્રિકેટ રમી રહી છે. તેઓનો જબરદસ્ત પ્રદર્શન તેમને ધનાઢ્ય બનાવશે. 24 ખેલાડીઓએ 50 લાખ રુપિયાની બેઝ પ્રાઈસ રાખી છે. જેમાં 10 ખેલાડીઓ ભારતીય છે.
WPL માં આ 5 ખેલાડીઓ પર થશે ધનવર્ષા
- સ્મૃતિ મંધાનાઃ આ ખેલાડીની ડિમાન્ડ વધારે રહે એ સ્વભાવિક છે. વર્તમાન સ્ટાર ક્રિકેટરોમાં તેની ગણના થાય છે. પાંચેય ટીમો તેને ખરીદવા માટે યોજના બનાવી ચુક્યુ હશે. આમ મંધાના પાછળ ઓક્શનમાં સ્પર્ધા જામી શકે છે. કેપ્ટનશિપના ગુણ ધરાવતી આ ખેલાડી મહિલા લીગમાં કેપ્ટન તરીકે જોવામાં આવી રહી છે. સાથે જ મહિલા બિગ બેશ લીગ અને વુમન્સ હંડ્રેડમાં પણ રમવાનો અનુભવ ધરાવે છે. મહિલા હંડ્રેડ લીગમાં તેનો સ્ટ્રાઈક રેટ 150 થી વધારેનો હતો.
- શેફાલી વર્માઃ હાલમાં જ અંડર 19 વિશ્વકપમાં ભારતીય ટીમને વિશ્વ ચેમ્પિયન બનાવ્યુ છે. વિશ્વ ચેમ્પિયન કેપ્ટનને લીગમાં કેપ્ટનશિપ મળે તો નવાઈ નહીં. આ યુવા ખેલાડી વિસ્ફોટક બેટર છે અને તે પાવર પ્લેમાં ઝડપથી રન નિકાળે છે. તે ઓફ સ્પિન બોલિંગ કરે છે. યુવા ખેલાડી જે ટીમ સાથે જોડાઈને સફળ રહી એ ટીમનો તે લાંબો સમય હિસ્સો રહી શકે છે.
- એલિસા હિલીઃ ઓસ્ટ્રેલિયન વિકેટકીપર બેટર હિલી મહિલા ક્રિકેટમાં સ્ટાર ક્રિકેટર છે. તે ઝડપથી રન બનાવવામાં જાણિતી છે. હિલી વિશાળ છગ્ગાઓ ફટકારવા માટે પણ જાણિતી છે. મહિલા ટી20 વિશ્વકપ 2020ની ફાઈનલમાં ગિલીએ જ ભારતની સામે વધારે મુશ્કેલી સર્જી હતી. તેણે તોફાની 75 રન ભારત સામે 39 બોલમાં નોંધાવ્યા હતા. હિલી કેપ્ટનશિપના ગુણ ધરાવે છે.
- મારીજાને કૈપઃ દક્ષિણ આફ્રિકાની ઓલરાઉન્ડર મારીજાને મહિલા પ્રીમિયર લીગમાં ખૂબ પૈસા મેળવી શકે છે. બોલથી તરખાટ અને બેટથી ધમાલ મચાવી શકે એવી ઓલરાઉન્ડર મેચ વિનર ખેલાડી છે. મહિલા ટી20 ક્રિકેટમાં તેના નામે 68 વિકેટ નોંધાયેલી છે. સાથે જ તેના નામે આ ફોર્મેટમાં 1131 રન નોંધાયેલા છે. વિમેન્સ હંડ્રેડમાં તે બે વાર જીત મેળવી ચુકી છે. બિગ બેશ લીગમાં આ ખેલાડીએ પર્થ સ્કોચર્સને ચેમ્પિયન બનાવ્યુ હતુ.
- એમેલી કરઃ ઈંગ્લીશ ઓલરાઉન્ડર મહિલા વનડે ક્રિકેટમાં બેવડુ શતક નોંધાવી ચુકી છે. તોફાની બેટર હોવા ઉપરાંત તે લેગ સ્પિનર છે. આમ ઓલ રાઉન્ડ દેખાવ કરતા આ ખેલાડીએ અત્યાર સુધીમાં 55 વિકેટ અને 565 રન નોંધાવ્યા છે. આ ખેલાડી પર પાંચેય ટીમોની નજર હશે.