અમદાવાદમાં આવેલા વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં આજે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપનો જંગ જામશે.બે દાયકા પછી વર્લ્ડકપની ફાઈનલમાં ભારત-ઓસ્ટ્રેલિયા સામ સામે છે, 1983 અને 2011 પછી ત્રીજીવખત ભારતને જીતવાની તક મળી છે. કેપ્ટન રોહિત સહિત ભારતીય ટીમના 10 ખેલાડીઓ પ્રથમ વખત વર્લ્ડકપની ફાઈનલમાં રમવાના છે.
વર્તમાન વિશ્વકપમાં ભારત એક પણ મેચ હાર્યુ નથી, ત્યારે ભારતના ક્રિકેટપ્રેમીઓ ઇચ્છી રહ્યા છે કે ઓસ્ટ્રેલિયા સામેની ફાઇનલ પણ ભારત જીતીને નવો કિર્તીમાન બનાવે. 5 વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાનો મુકાબલો બે વખતની ચેમ્પિયન ટીમ ભારત સામે થવાનો છે. ઓસ્ટ્રેલિયા ભલે પાંચ વખત ચેમ્પિયન બની ચૂકી હોય, પરંતુ વર્તમાનમાં ભારતીય ટીમ સુપર ફોર્મમાં જોવા મળી રહી છે. ટીમ ઈન્ડિયા વર્તમાન વિશ્વકપમાં એકપણ મેચ ન હારીને અપરાજિત છે.
બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ શરૂઆતના પ્રથમ બે મુકાબલા હાર્યા બાદ તમામ મેચ જીતીને ફાઇનલમાં જગ્યા બનાવી છે. ભારતને 20 વર્ષ બાદ બદલો લેવાનો મોકો મળ્યો છે. 2003ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવીને ભારતને વિશ્વ ચેમ્પિયન બનતા અટકાવ્યું હતુ, ત્યારે આ હારનો બદલો ભારત લઇને વિશ્વ ચેમ્પિયન બને તેમ ભારતીય ફેન્સ ઇચ્છી રહ્યા છે.
અમદાવાદ શહેરમાં ફાઇનલ મુકાબલાને લઇને લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. NSG, NDRF, પેરા મિલિટરી સહિત 10 હજાર જવાનો બંદોબસ્તમાં ગોઠવાયા છે. બાયોલોજીકલ, રેડિયોલોજીકલ, ન્યુક્લિયર થ્રેટ રોકવા NDRFની ટીમ પણ તહેનાત છે. શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ વિભાગમાં ચાંપતી નજર રાખી રહ્યુ છે. 4 IG, 23 DCP, 39 ACP, 92 PI સહિત અધિકારીઓને સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે.
બીજી તરફ અમદાવાદમાં ફાઇનલ મેચને લઇને શહેર પોલીસે જાહેરનામુ બહાર પાડ્યુ છે. મેચને પગલે અમદાવાદમાં ‘નો ફ્લાય ઝોન’ની જાહેરાત કરવામાં આવી છે. VIP, VVIP અને મહાનુભવોના જમાવડાને પગલે નિર્ણય લેવામાં આવ્યો છે. સુરક્ષા વ્યવસ્થા માટે આ ખાસ જાહેરાત કરવામાં આવી છે.
મેચ જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પીએમ,કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ હાજર રહેશે. અભિનેતા રજનીકાંત સહિત ફિલ્મી અને ક્રિકેટ જગતની હસ્તીઓ પણ મેચ જોવા હાજર રહેશે.દર્શકોને સવારે 10.30 વાગ્યાથી સ્ટેડિયમમાં પ્રવેશ મળવાનું શરુ થઇ જશે.
ફાઇનલ મેચ જોવા અમદાવાદના આંગણે સેલિબ્રિટીનો જમાવડો જોવા મળશે.ત્યારે મેચ પહેલા એરપોર્ટ પર 50થી વધુ ચાર્ટડ પ્લેનનું આગમન થશે. દર 8 મિનિટે એક ચાર્ટડ પ્લેનની મુવમેન્ટ જોવા મળશે. ચાર્ટડ પ્લેનની મુવમેન્ટને પગલે શિડ્યુલ ફ્લાઇટો મોડી પડી શકે છે.
Published On - 10:09 am, Sun, 19 November 23