12 ઓક્ટોબર, ગુરુવારે લખનૌમાં વર્લ્ડ કપ 2023 (World Cup 2023) ના લીગ સ્ટેજની મેચમાં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામ-સામે હતા. દક્ષિણ આફ્રિકા (South Africa) એ તેની પ્રથમ મેચમાં શ્રીલંકાને આસાનીથી હરાવ્યું હતું, જ્યારે ઓસ્ટ્રેલિયા એ પ્રથમ મેચમાં ભારત સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયા (Australia) માટે આ મેચ જીતવી જરૂરી હતી. બોલરોએ પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો પરંતુ ફિલ્ડરોએ તેમને સંપૂર્ણપણે નિરાશ કર્યા હતા.
આ મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમે પ્રથમ વિકેટ માટે 108 રનની જબરદસ્ત ભાગીદારી કરી હતી. દક્ષિણ આફ્રિકાના સુકાની ટેમ્બા બાવુમા અને ક્વિન્ટન ડી કોકે ઘણા રન બનાવ્યા પરંતુ ઓસ્ટ્રેલિયન ફિલ્ડરોએ પણ આમાં સંપૂર્ણ યોગદાન આપ્યું. ખાસ કરીને બાવુમાને એક કરતા વધુ વખત લાઇફ સપોર્ટ મળ્યો. એડમ ઝમ્પાએ 10મી ઓવરમાં સૌથી પહેલા કેચ છોડ્યો હતો. ત્યારબાદ 13મી ઓવરમાં વિકેટકીપર જોશ ઈંગ્લીશ પણ કેચ લેવામાં નિષ્ફળ રહ્યો હતો. આ પછી પણ ઓસ્ટ્રેલિયાની ફિલ્ડિંગમાં સુધારો થયો ન હતો અને શોન એબોટે પણ 16મી ઓવરમાં એક કેચ છોડ્યો હતો.
આ પણ વાંચો : World Cup 2023 : લખનૌમાં દક્ષિણ આફ્રિકાએ તબાહી મચાવી, ઓસ્ટ્રેલિયાને ચોથી વખત હરાવ્યું
આ મેચનો ચોથો કેચ ડેવિડ વોર્નરે ડ્રોપ કર્યો હતો. જો કે આ 49મી ઓવરમાં પેટ કમિન્સના બોલ પર મિશેલ સ્ટાર્કે ડેવિડ મિલરનો કેચ છોડ્યો અને બે બોલ બાદ માર્કસ સ્ટોઈનિસે પણ માર્કો જેન્સનનો કેચ છોડ્યો, જે મેચમાં સૌથી સરળ કેચ હતો. આટલા કેચ છોડ્યા બાદ ટીમ જીતની આશા કેવી રીતે રાખી શકે અને એવું જ થયું. ઓસ્ટ્રેલિયાને સતત બીજી મેચમાં હારનો સામનો કરવા પડ્યો. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ ભારત સામેની મેચમાં પણ આવી જ ભૂલ કરી હતી. ત્યારે મિચેલ માર્શે વિરાટ કોહલીનો 12 રન પર આસાન કેચ છોડ્યો હતો જે બાદ કોહલી 85 રન બનાવી ટીમને જીત તરફ લઈ ગયો હતો.