ચેન્નાઈ ટેસ્ટમાં સ્મૃતિ મંધાનાની શાનદાર સદી, 12 દિવસમાં ત્રીજી વખત કર્યું આ કારનામું

ભારત અને દક્ષિણ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે ચેન્નાઈમાં ચાલી રહેલ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાની વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાનાએ કમાલ બેટિંગ કરતા શાનદાર સદી ફટકારી હતી. જે તેની ટેસ્ટ કારકિર્દીની બીજી અને ભારતમાં પહેલી ટેસ્ટ સદી છે. ખાસ વાત એ છે કે મંધાનાએ 12 દિવસમાં ત્રીજી વખત સદી ફટકારી કમાલ કર્યો છે.

ચેન્નાઈ ટેસ્ટમાં સ્મૃતિ મંધાનાની શાનદાર સદી, 12 દિવસમાં ત્રીજી વખત કર્યું આ કારનામું
Smriti Mandhana
| Updated on: Jun 28, 2024 | 7:04 PM

T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટક્કર થવાની વાત છે, પરંતુ આ બંને દેશોની મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે ચેન્નાઈમાં મેચ પણ ચાલી રહી છે. ભારત અને દક્ષિણ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે ટેસ્ટ મેચ ચાલી રહી છે, જેમાં સ્મૃતિ મંધાનાએ સદી ફટકારી છે. મંધાનાએ દક્ષિણ આફ્રિકા સામે 122 બોલમાં 19 ચોગ્ગાની મદદથી પોતાની સદી પૂરી કરી હતી. આ તેની ટેસ્ટ કારકિર્દીની બીજી સદી હતી.

ભારતમાં મંધાનાની પ્રથમ ટેસ્ટ સદી

સ્મૃતિ મંધાનાએ સપ્ટેમ્બર 2021માં ઓસ્ટ્રેલિયા સામે તેની પ્રથમ ટેસ્ટ સદી ફટકારી હતી. તે સદી મંધાનાએ ઓસ્ટ્રેલિયાની ધરતી પર ફટકારી હતી. સાઉથ આફ્રિકા સામે ફટકારેલી સદી ટેસ્ટમાં ભારતીય ધરતી પર મંધાનાના બેટથી ફટકારેલી પ્રથમ સદી છે. સ્મૃતિ મંધાનાએ દક્ષિણ આફ્રિકા સામે ચેન્નાઈ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં આ સદી ફટકારી છે.

સ્મૃતિ મંધાના-શેફાલી વર્મા વચ્ચે 292 રનની ભાગીદારી

ચેન્નાઈ ટેસ્ટમાં પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમ માટે સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ ઈનિંગની શરૂઆત કરી હતી. બંને ખેલાડીઓ શરૂઆતથી જ જોરદાર ટચમાં જોવા મળી હતી. બંનેએ રમવાનું ચાલુ રાખ્યું અને તેમની વચ્ચેની ભાગીદારી વધુ મજબૂત બની. સ્મૃતિ મંધાનાએ શેફાલી વર્મા સાથે મળીને ચેન્નાઈ ટેસ્ટમાં રેકોર્ડ 292 રનની ભાગીદારી કરી હતી.

 

સ્મૃતિ મંધાનાની 12 દિવસમાં ત્રીજી સદી

ચેન્નાઈ ટેસ્ટમાં સ્મૃતિ મંધાનાની સદી છેલ્લા 12 દિવસમાં દક્ષિણ આફ્રિકા સામેની તેની ત્રીજી સદી છે. આ પહેલા, તેણીએ 16 અને 19 જૂને દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણીમાં બે બેક ટુ બેક સદી ફટકારી હતી. અને હવે 28 જૂને તેણે ટેસ્ટ ક્રિકેટમાં પણ આવું જ કર્યું છે.

આ પણ વાંચો: સ્મૃતિ મંધાના-શેફાલી વર્માએ રચ્યો ઈતિહાસ, તોડ્યો પાકિસ્તાનનો 20 વર્ષ જૂનો રેકોર્ડ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો