ગુરુવારે 24 માર્ચે, એમએસ ધોની ની એક મોટી જાહેરાતે ક્રિકેટ ચાહકોનું ધ્યાન સંપૂર્ણપણે ખેંચ્યું. પૂર્વ ભારતીય કેપ્ટન ધોની (MS Dhoni Quits CSK Captaincy) એ IPL 2022 સીઝનની શરૂઆત પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપમાંથી રાજીનામું આપ્યું અને ટીમની કમાન રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ને સોંપી. દરેક જણ તેની ચર્ચા કરી રહ્યા હતા, પરંતુ આ દરમિયાન અન્ય એક દિગ્ગજ ખેલાડીએ તેની કેપ્ટનશિપને લઈને મોટું નિવેદન આપ્યું છે. ભારતથી હજારો માઈલ દૂર કેરેબિયન દેશ ગ્રેનાડામાં રહેલી ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના ટેસ્ટ કેપ્ટન જો રૂટે (Joe Root) સંકેત આપ્યા છે કે વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી ટેસ્ટ કેપ્ટન તરીકે તેની છેલ્લી ટેસ્ટ હોઈ શકે છે.
જો રૂટની કપ્તાનીમાં ઈંગ્લેન્ડની ટીમ એક વર્ષથી વધુ સમયથી સંઘર્ષ કરી રહી છે. ટીમને આ વર્ષની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર એશિઝ શ્રેણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો, ત્યારબાદ કોચ ક્રિસ સિલ્વરવુડની છુટ્ટા કરી દેવામાં આવ્યા હતા. ત્યારપછી રુટની કેપ્ટનશિપના ભવિષ્ય પર પણ સવાલો ઉઠ્યા હતા. જો કે ઈંગ્લેન્ડના વચગાળાના નિર્દેશક તરીકે આવેલા ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન એન્ડ્રુ સ્ટ્રોસે તેને વેસ્ટ ઈન્ડિઝ શ્રેણી માટે સુકાની તરીકે જાળવી રાખ્યો હતો, પરંતુ રૂટ આવનાર સમય વિશે ચોક્કસ નથી.
ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ ટેસ્ટમાં કેપ્ટનશિપ કરનાર રૂટે ગ્રેનાડામાં ત્રીજી ટેસ્ટ પહેલા એક નિવેદનમાં કહ્યું હતું કે ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના નવા કોચના આગમનથી પરિસ્થિતિ બદલાઈ શકે છે, પરંતુ તે ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમનું નેતૃત્વ કરવાનું ચાલુ રાખવા ઈચ્છશે. અંગ્રેજી મીડિયાના અહેવાલ મુજબ રૂટે કહ્યું, “મને લાગે છે કે હું ટીમને આગળ લઈ જવા માટે યોગ્ય વ્યક્તિ છું. જો મુખ્ય કોચ આવે છે અને તે અલગ દિશામાં વિચારે છે, તો તે તેનો નિર્ણય હશે. જ્યાં સુધી હું આ પદ પર છું ત્યાં સુધી હું આ ટીમને શક્ય તેટલી સારી બનાવવાનો પ્રયત્ન કરીશ.”
જો રૂટ માત્ર ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ ટેસ્ટમાં કેપ્ટનશિપ કરનાર કેપ્ટન જ નથી, પણ સૌથી સફળ કેપ્ટન પણ છે. 2017માં ટીમનું સુકાન સંભાળનાર રૂટની આગેવાની હેઠળ ઈંગ્લેન્ડે 64 ટેસ્ટ રમી છે, જેમાં ટીમે 27માં જીત મેળવી છે, જ્યારે ટીમને 25માં હારનો સામનો કરવો પડ્યો છે. જોકે, છેલ્લા 12 મહિના ઈંગ્લેન્ડ માટે બિલકુલ સારા રહ્યા નથી. ઈંગ્લેન્ડે માર્ચ 2021થી અત્યાર સુધી 13 ટેસ્ટ રમી છે, જેમાં તેણે માત્ર એક જ જીત મેળવી છે, જ્યારે 8 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.
Published On - 9:32 pm, Thu, 24 March 22