બે દેશો વચ્ચે રમાતી દ્વિપક્ષીય શ્રેણીમાં સૌથી વધુ ચર્ચિત અને લોકપ્રિય સીરિઝ જો કોઈ છે તો તે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી ‘એશિઝ‘ ટેસ્ટ સીરિઝ છે. આ સીરિઝ પર દુનિયાભરના ક્રિકેટ ફેન્સની નજર હોય છે. બે દેશો વચ્ચે રમાતી આ સૌથી જૂની શ્રેણી છે. 141 વર્ષ પહેલા વર્ષ 1882માં એશિઝ ટેસ્ટ સીરિઝની શરૂઆત થઈ હતી. ત્યારે ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે આવી હતી.
વર્ષ 1882માં એશિઝ સીરિઝની પહેલી ટેસ્ટ મેચ ઈંગ્લેન્ડના ઓવલ મેદાન પર રમાઈ હતી. જેમાં મહેમાન ટીમ ઓસ્ટ્રેલિયાએ યજમાન ટીમ ઈંગ્લેન્ડને તેમના ઘરમાં હરાવી હતી. ઈંગ્લેન્ડને ટેસ્ટ ક્રિકેટમાં પહેલી વાર હારનો સામનો કરવા પડ્યો હતો.
વર્ષ 1882થી લઈ અત્યારસુધી 72 એશિઝ સીરિઝ રમાઈ ચૂકી છે. દરેક સીરિઝમાં મોટાભાગે પાંચ ટેસ્ટ મેચો રમાઈ છે. આમાંથી ઓસ્ટ્રેલિયા 34 જ્યારે ઈંગ્લેન્ડ 32 વાર એશિઝ સીરિઝ જીતવામાં સફળ રહ્યું છે. જ્યારે છ સીરિઝ ડ્રો રહી છે.
29મી ઓગસ્ટ 1882ના રોજ ઓવલ ખાતે ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા સામે હાર્યા બાદ ‘એશિઝ’ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારે લંડનથી પ્રકાશિત થતાં અખબાર ધ સ્પોર્ટિંગ ટાઇમ્સે એક લેખ પ્રકાશિત કર્યો હતો. જેમાં પત્રકાર રેનિગાલ્ડ શિર્લે બ્રૂક્સે લખ્યુ હતું કે, ‘ઇંગ્લેન્ડ ક્રિકેટનું મોત થઈ ગયુ છે અને બૉડીની અંતિમવિધિ કરાયા બાદ હવે બાકી રહેલી રાખને (એશિઝ) ઓસ્ટ્રેલિયન પોતાના ઘરે લઇ ગયા છે.’
On this date in 1882, the Ashes were born. pic.twitter.com/1LGaoKLHfu
— History Storytime (@historytime99) August 29, 2021
આ પણ વાંચો : Steve Smith 100th test : સ્ટીવ સ્મિથની શાનદાર ઇનિંગ, જેણે સ્મિથની કારકિર્દીને બદલી નાખી
આ સીરિઝના 4 મહિના બાદ ડિસેમ્બર 1882માં ઈંગ્લેન્ડની ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગઈ હતી. ઓસ્ટ્રેલિયા જતાં પહેલા ઇંગ્લેન્ડના કેપ્ટન ઇવો બ્લિંગે કહ્યું હતું કે, ‘ઓગસ્ટમાં ઓસ્ટ્રેલિયા લઇ જવામાં આવેલી રાખ અમે પાછા લેવા જઇ રહ્યા છીએ.’ આ નિવેદન બાદ ઇંગ્લિશ મીડિયાએ આ સીરિઝને ‘એશિઝ’ ગણાવી હતી. ત્યારથી આ ટેસ્ટ સીરિઝને એશિઝ કહેવામાં આવવા લાગી. ડિસેમ્બર 1882માં ઇંગ્લેન્ડની ટીમ ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવી એશિઝ ટ્રોફી પરત લઇને પાછી ઈંગ્લેન્ડ આવી હતી.