IPL 2023 ના લીગ તબક્કાનો રવિવારે અંતિમ દિવસ છે. પ્લેઓફની રેસનો રોમાંચ પણ અંતિમ દિવસ અને અંતિમ મેચ સુધી જળવાયેલો રહેશે. રવિવારે ડબલ હેડર દિવસમાં પ્રથમ મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે વાનખેડે સ્ટેડિયમમાં રમાનારી છે. અહીં હૈદરાબાદ પોતાની અંતિમ લીગ મેચની ઔૅપચારીકતા પૂરી કરશે, પરંતુ મુંબઈ ઈન્ડિયન્સના શ્વાસ પ્લેઓફમાં પહોંચવાને લઈ અટકેલા છે. હૈદરાબાદ સામે મુંબઈએ મોટી જીત મેળવવી જરુરી છે, જે તેને પ્લેઓફના અંતિમ સ્થાન પર પહોંચાડી શકે છે.
વાનખેડેમાં રોહિત શર્માએ કોઈ પણ હિસાબે આજની મેચ જીતવી જરુરી છે. આ જીત મોટી હોવી પણ ખૂબ જ જરુરી છે. પ્લેઓફનો માર્ગ મુંબઈ માટે આસાન નથી પરંતુ તેની સામે રહેલા પડકાર અશક્ય પણ નથી. પરંતુ હાર સીધા જ બહાર કરી શકે છે. આમ હૈદરાબાદ સામે હોમ ગ્રાઉન્ડમાં જીતનો દાવ ખેલવો પડશે.
જો રવિવારે ડબલ હેડર મેચમાં પહેલા મુંબઈ અને બીજી મેચમાં બેંગ્લોર સામે ગુજરાત જીતી જાય તો રોહિત શર્મા માટે મોટી વાત બની જાય એમ છે. IPL 2023 ના પોઈન્ટ્સ ટેબલમાં નજર કરીએ તો. મુંબઈ ઈન્ડિયન્સે 7 મેચમાં જીત મેળવીને 14 પોઈન્ટ્સ મેળવ્યા છે. જે 16 સુધી રવિવારે પહોંચી શકે છે. પરંતુ RCB રવિવારે બીજી મેચમાં ગુજરાત સામે હારી જાય અને એ પહેલા હૈદરાબાદ સામે મુંબઈ જીતે તો પ્લેઓફની એન્ટ્રી રોહિત માટે આસાન બની જાય એમ છે.
પ્લેઓફમાં પહોંચવાનો બીજો માર્ગ પણ છે, જે થોડો કઠીન છે. બેંગ્લોર અને મુંબઈ બંને રવિવારે જીતે છે તો, રન રેટ એન્ટ્રી કરાવશે. આ માટે મુંબઈએ વિશાળ અંતરથી જીત મેળવવી જરુરી છે. બેંગ્લોર હાલમાં નેટ રન રેટમાં આગળ છે. આમ મોટી જીત મુંબઈને માટે ટિકિટ અપાવી શકે છે. પરંતુ આ માટે ઉદાહરણથી સમજીએ તો બેંગ્લોરની જીત 1 રનથી થાય તો મુંબઈએ 79 રનથી જીત મેળવેલી હોવી જોઈએ.
Published On - 8:34 am, Sun, 21 May 23