
IPL 2023 ની પ્રથમ ક્વોલિફાયર મેચ ચેપોકમાં મંગળવારે રમાઈ હતી. ચેન્નાઈ સુપર કિંગ્સે 15 રનથી ગુજરાત ટાઈટન્સ સામે જીત મેળવીને ફાઈનલમાં સ્થાન મેળવ્યુ છે. બુધવારે એલિમિનેટર રમાનારી છે, પાંચ વારની ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સની ટક્કર લખનૌ સુપર જાયન્ટ્સ સામે થનારી છે. મુંબઈ સંઘર્ષ કરીને પ્લેઓફમાં પહોંચ્યુ છે, હવે આજે લખનૌ સામે જીત મેળવીને અમદાવાદ મોદી સ્ટેડિયમ પહોંચવાનો ઈરાદો રાખશે.
ચેપોકમાં બુધવારે જીતનારી ટીમ શુક્રવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્લ સામે ટકરાશે. અમદાવાદમાં શુક્રવારે રાત્રે એ ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે, ફાઈનલ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ કોની વચ્ચે રમાશે. જોકે આજે 24 મે થનારી ટક્કરથી ચેન્નાઈ સામે કઈ બે ટીમમાંથી એક ફાઈનલ માટે ઉતરી શકે છે એ નક્કી થઈ જશે. એલિમિનેટરમાં હારનારનારી ટીમ સિઝનથી એટલે કે ફાઈનલની રેસમાંથી બહાર થઈ જશે.
રોહિત શર્માની આગેવાની ધરાવતી મુંબઈ ઈન્ડિયન્સ ટીમ લખનૌ સુપર જાયન્ટ્સ સામે ચોથી વાર ટકરાવા જઈ રહી છે. બંને ટીમો પ્લેઓફમાં પ્રથમ વાર એક બીજા સામે IPL માં ઉતરી રહી છે. જોકે આ પહેલા બંને વચ્ચે થયેલી તમામ ત્રણેય ટક્કરમાં મુંબઈને નિરાશા જ મળી છે, એટલે કે જીત લખનૌની જ થઈ છે. આમ રોહિત શર્મા માટે આજે લખનૌ મોટો પડકાર બની શકે છે. ફાઈનલના માર્ગે આગળ વધવા માટે કેએલ રાહુલની ગેરહાજરીમાં કૃણાલ પંડ્યાની આગેવાની ધરાવતી ટીમની સામે જીત મેળવવા મજબૂત રણનિતી સાથે મેદાને ઉતરવુ પડશે.
તો બીજી તરફ રાહતની વાત એ છે કે, તિલક વર્મા ફિટ થઈ ચૂક્યો છે. તે ટીમમાં પરત ફરી શકે છે. આમ રોહિત શર્મા તેને અંતિમ ઈલેવનમાં સ્થાન આપી શકે છે. તિલક વર્માને નેહલ વઢેરાના સ્થાને સમાવેશ કરવામાં આવી શકે છે. જોકે મુંબઈની ટીમ વિનિંગ ઈલેવનમાં ફેરફાર કરે એવી શક્યતાઓ ઓછી છે.
પ્રથમ ક્વોલિફાયર જોયા પછી, તમને ચેન્નાઈના હવામાનનો ખ્યાલ આવી ગયો હશે કે તે કેટલું ગરમ છે. પરંતુ શું પીચ પર પણ આ જ ગરમી જોવા મળશે? કદાચ ના. કારણ કે આ મેચ એ જ પીચ પર રમાવાની સંભાવના છે કે જેના પર મુંબઈ અને ચેન્નાઈ વચ્ચે લો સ્કોરિંગ મેચ રમાઈ હતી.
Published On - 10:24 am, Wed, 24 May 23