અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે ગુજરાત ટાઈટન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે IPL 2023 ની મેચ રમાઈ હતી. આ મેચ કરતા રિંકૂ સિંહના નામની ચર્ચા ખૂબ રહી હતી. આ નામે દુનિયાભરમાં ચર્ચા જગાવી દીધી છે. કોલકાતાને માટે હાર અને ગુજરાતની જીત નિશ્ચિત લાગી રહી હતી એવા સમયે જ રિંકૂ સિંહના બેટે ધમાલ મચાવી દીધી. અંતિમ ઓવરને જબરદસ્ત બનાવી દેતા સળંગ 5 છગ્ગા જમાવ્યા હતા. આ પાંચ છગ્ગા જે બોલરે સહ્યા એ યશ દયાલ કોણ છે કે જેણે આ માર સહન કર્યો.
અંતિમ ઓવરમાં કોલકાતાએ 29 રનની જરુર જીત માટે હતી. જ્યારે ગુજરાતે આ રન બચાવવાના હતા. ગુજરાતની ટીમનુ હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં સુકાન સંભાળી રહેલા રાશિદ ખાને અંતિમ ઓવરમાં બોલ યશ દયાલના હાથમાં આપ્યો હતો. ભરોસો યશ પર રાખવામાં આવ્યો હતો, પરંતુ રિંકૂએ રાશિદને જોતો રાખ્યો અને અશક્ય કામને તેણે શક્ય બનાવતા છગ્ગા ફટકારી દીધા હતા. રિંકૂએ ચમત્કાર સર્જ્યો હોય એમ કોલકાતાના ખાતામાં જીતના 2 પોઈન્ટ્સ જમા થયા હતા, જ્યારે ગુજરાતે સિઝનમાં પ્રથમ હારનો સ્વાદ ચાખ્યો હતો.
અંતિમ ઓવરમાં છગ્ગાનો માર સહીને મેચ ગૂમાવવા માટે નિમિત્ત બનનારો યશ દયાળ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજનો છે. તે મેચ બાદ ખૂબ જ નિરાશ હતો, પરંતુ તે જલ્દી વાપસી કરી લેવાની આશા છે. કારણ કે, દયાલ એક ફાઈટર ખેલાડી છે, તે નિરાશ થઈ હારનારો નથી. ગુજરાત ટીમમાં જોડાઈને આઈપીએલ રમવાનુ કારણ તેના પિતા છે.
ઉત્તરપ્રદેશથી આવતો આ ખેલાડી ગુજરાત ટાઈટન્સ ટીમમાં ગત સિઝનમાં 3.20 કરોડ રુપિયામાં જોડાયો હતો. આ રકમ તેના માટે ખૂબ જ મોટી છે. યશ 14 વર્ષની ઉંમરમાં જ અંડર 19 કેમ્પમાં પસંદ થયો હતો અને તે અંડર 23 ટૂર્નામેન્ટ સીકે નાયડૂમાં લગભગ 17 વર્ષની ઉંમરમાં જ હિસ્સો બન્યો હતો. તે વિજય હજારે ટ્રોફીમાં રમ્યો હતો. જ્યાં તેણે 7 મેચોમાં કુલ 14 શિકાર ઝડપ્યા હતા. દયાલ બોલને બંને તરફ સ્વિંગ કરાવી શકે છે.
મીડિયા રિપોર્ટસનુસાર યશ દયાલના પિતા ચંદ્રુપાલ દયાલ 80 થી 90ના દશકમાં વિજી ટ્રોફી રમી ચૂક્યા છે. તેઓ પણ ઝડપી બોલિંગ કરતા હતા. જોકે તેમને તેમના પિતા એટલે કે યશના દાદાએ સાથ નહોતો આપ્યો. યશ એ વાતે નસીબદાર રહ્યો છે કે, તેને તેના પિતાએ ખૂબ સાથ આપ્યો છે. એક દિવસ બહાર પોતાના ભાઈઓ સાથે ક્રિકેટ રમતો જોઈને પિતા 12 વર્ષની ઉંમરે જ તેને મદન મોહન માલવિય ક્રિકેટ એકડમીમાં લઈ ગયા હતા.
બાંગ્લાદેશ પ્રવાસ માટેની ભારતીય ટીમ માટે યશ દયાલને સામેલ કરવામાં આવ્યો હતો. પરંતુ અંતિમ ઈલેવનમાં તેને સ્થાન આપવામાં આવ્યુ નહોતુ. આમ યશ દયાલ માટે ટીમ ઈન્ડિયામાં ડેબ્યૂ કરવાની તક મળી શકી નહોતી. BCCI દ્વારા તેને કોલ આપવામાં આવ્યો હતો અને અમદાવાદમાં આયોજન કરવામાં આવેલ અભ્યાસ કેમ્પમાં જોડાઈ જવા માટે કહેવામાં આવ્યુ હતુ. જોકે કોરોનાએ ગરબડ કરી દીધી હતી.
છગ્ગાઓનો માર ફટકારનારો રિંકૂ સિંહ ગુજરાત ટીમના ખેલાડી યશ દયાલનો ખાસ મિત્ર છે. બંને ઘરેલુ ક્રિકેટમાં સાથે જ ક્રિકેટ રમે છે. બંને ઉત્તર પ્રદેશની ટીમમાંથી રમે છે અને સારા મિત્રો છે. જોકે રવિવારે અમદાવાદમાં રિંકૂએ યશ પર જે પ્રહાર કર્યો છે, એ કદાચ આજીવન યાદ રહી જશે. જોકે ગુજરાતની ટીમના સાથી ખેલાડીઓએ યશને ખૂબ જ સપોર્ટ કર્યો છે અને મેચ હારવા બાદ તેની સાથે ઉભા રહ્યા છે. તેના સમર્થનમાં ગુજરાતે ટ્વીટ કર્યુ હતુ અને સમર્થન આપ્યુ હતુ.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…
Published On - 10:07 am, Mon, 10 April 23