ભારતના ભૂતપૂર્વ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગ (Virender Sehwag) નું માનવું છે કે વિરાટ કોહલી (Virat Kohli) તેના પરિચિત રંગમાં નથી. જેના માટે તે જાણીતો છે અને તેણે 14 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં જે ભૂલો કરી હતી તેના કરતા વધુ ભૂલો IPL ની એક સિઝનમાં કરી છે.
છેલ્લા અઢી વર્ષથી સદી ન ફટકારી શકનાર વિરાટ કોહલી પોતાના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઇ રહ્યો છે. તેણે IPL 2022 ની 16 મેચોમાં 22.73 ની એવરેજથી 341 રન બનાવ્યા છે. જેમાં 2 અડધી સદીનો સમાવેશ થાય છે. જેમાં મોટાભાગની મેચોમાં તેણે ઓપનીંગ કરી હતી.
સેહવાગે ‘ક્રિકબઝ’ને કહ્યું, ‘આ તે વિરાટ કોહલી નથી જેને આપણે જાણીએ છીએ. આ સત્રમાં માત્ર કોઇ બીજો જ વિરાટ કોહલી રમી રહ્યો છે અથવા તો તેણે એક સત્રમાં એટલી બધી ભૂલો કરી છે જેટલી તેણે તેની આખી કારકિર્દીમાં કરી નથી.
તેણે કહ્યું, ‘એવું ત્યારે થાય છે જ્યારે રન ન બને. તમે રન બનાવવાના ઘણા રસ્તાઓ શોધવાનું શરૂ કરો છો અને તે ત્યારે તમે વિકેટ ગુમાવો છો. આ સિઝનમાં વિરાટ કોહલી સાથે પણ એવું જ થયું છે.
બીજા ક્વોલિફાયરમાં વિરાટ કોહલી ફાસ્ટ બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાને ઓફ સ્ટમ્પની બહાર ફટકારીને વિકેટ પાછળ કેચ આઉટ થયો હતો. સેહવાગે કહ્યું, ‘જ્યારે તમારું ફોર્મ ખરાબ હોય છે ત્યારે તમે દરેક બોલને ફટકારવાનો પ્રયાસ કરો છો. બેટ્સમેનને લાગે છે કે બોલને માર્યા પછી આત્મવિશ્વાસ પાછો આવશે.
તેણે કહ્યું, ‘વિરાટ કોહલીએ ટ્રેન્ટ બોલ્ટની પ્રથમ ઓવરમાં ઘણા બોલ છોડ્યા, પરંતુ જ્યારે ફોર્મ ખરાબ હોય ત્યારે આવું થાય છે. તમે ઑફ-સ્ટમ્પની બહાર જતા બોલને પણ જવા દેતા નથી. આવી સ્થિતિમાં જો નસીબ ખરાબ હોય તો પાછળ ફસાઈ જવાની પૂરી શક્યતા રહે છે. સેહવાગે વધુમાં કહ્યું કે વિરાટ કોહલીએ તેના લાખો ચાહકોને નિરાશ કર્યા છે. જેઓ તેમના સ્ટાર્સ પાસેથી મોટા મંચ પર સારું પ્રદર્શન કરવાની અપેક્ષા રાખે છે.
તેણે કહ્યું, ‘તેણે બધાને નિરાશ કર્યા. અમે અપેક્ષા રાખીએ છીએ કે કોઈ મોટા ખેલાડી મોટી મેચમાં રમે. તેણે પોતાને નહીં પરંતુ તેેેણે RCB ના લાખો ચાહકોને નિરાશ કર્યા છે.