વિરાટ કોહલી (Virat Kohli) હવે ભારતીય ટીમ (Indian Cricket Team) માં માત્ર સિનિયર ખેલાડી છે. તેણે હવે વ્હાઇટ બોલ ફોર્મેટની ટીમ બાદ રેડ બોલ ટીમની કેપ્ટનશીપ પણ છોડી દીધી છે. તેણે શનિવારે એક પોષ્ટ સોશિયલ મીડિયા પર શેર કરીને કેપ્ટનશીપ છોડી દીધી છે. તેનો આ નિર્ણય ચોંકાવનારો હતો. કારણ કે તેના રાજીનામા ધરવાના એક દિવસ અગાઉ જ ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ સિરીઝ હારી હતી. જોકે ચાહકો અને ક્રિકેટ દિગ્ગજો માટે ભલે આ ચોંકાવનારો નિર્ણય હતો, પરંતુ કોહલીએ આ માટે તમામ તૈયારીઓને પહેલાથી જ આટોપી લીધી હતી. આ અંગેની કેટલી વિગતો પણ હવે સામે આવવા લાગી છે.
વિરાટ કોહલીના અચાનકના રાજીનામા બાદથી જ ચોંકાવનારી આ ઘટનાનુ પોસ્ટ મોર્ટમ કરવામાં આવી રહ્યુ છે. જેમાં અનેક તર્ક લગાવાઇ રહ્યા છે. તો તાજેતરના વિવાદોને લઇને પણ વિચારવામાં આવી રહ્યુ છે અને તે અંગેના સવાલો પણ પેદા થઇ રહ્યા છે. આ દરમિયાન વાત એ પણ સામે આવી છે કે, કોહલીએ સૌથી પહેલા પોતાના નિર્ણય અંગે હેડ કોચ રાહુલ દ્રવિડને જાણકારી આપી હતી.
ટેસ્ટ ટીમના શનિવાર સુધીના કેપ્ટન કોહલીએ મુખ્ય કોચ બાદ બીસીસીઆઇના સેક્રેટરી જય શાહને પોતાના નિર્ણય અંગેની જાણકારી આપી હતી. અને ત્યાર બાદ તેણે સોશિયલ મીડિયા દ્વારા પોતાના ચાહકો અને ક્રિકેટની દુનિયાને પોતાની વાત જણાવી હતી. જે તેણે સંભવિત રીતે અગાઉથી જ લખીને તૈયાર રાખી હતી અને જે નિવેદનને તેમે પોસ્ટ સ્વરુપ શેર કરી હતી.
ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા સામેની સિરીઝની અંતિમ બંને ટેસ્ટ મેચમાં હાર મેળવી હતી. જેમાં અંતિમ અને નિર્ણાયક કેપટાઉન ટેસ્ટ મેચ બાદ કોહલીએ દ્રવિડ સાથે મુલાકાત કરી હતી. મુખ્ય કોચ અને ટેસ્ટ કેપ્ટને લાંબો સમય સુધી ચર્ચા થઇ હતી. જોકે સુત્રોનુ માનવામાં આવે તો આ મુલાકાતમાં ટેસ્ટ સિરીઝની હારને લઇને કોઇજ ચર્ચા કરવામાં આવી નહોતી. પરંતુ કોહલીએ કોચને જણાવી દીધુ હતુ કે તેનો હવે શુ નિર્ણય છે. જોકે આ પહેલા તેણે ટીમ ઇન્ડિયાના સિનીયર કે અન્ય કોઇ ખેલાડીને ચર્ચા કરી નહોતી.
મુખ્ય કોચ બાદ હવે કોહલીએ આ અંગે બોર્ડના જવાબદારને વાત કરવી જરુરી હતી. તેણે પોતાના નિર્ણય અંગે શનિવારે બપોરના અરસા દરમિયાન બીસીસીઆઇ સચિવને કોલ કરીને તેમને આ અંગે જાણકારી આપી હતી. બીસીસીઆઇ સેક્રેટરી જય શાહે કોહલીના નિર્ણયને સ્વિકાર કરી લીધો હતો. આમ ટીમ ના મુખ્ય કોચ અને બાદમાં બોર્ડના જવાબદાર વ્યક્તિને જાણકારી આપ્યા બાદ કોહલીએ કેપ્ટનશીપ છોડવાની વિધીવત જાહેરાત કરી દીધી હતી.
Published On - 11:22 pm, Sat, 15 January 22