વિરાટ કોહલી (Virat Kohli) ની ગણતરી વિશ્વના સૌથી ફિટ ક્રિકેટર્સમાં થાય છે. તે અનેક કલાકો જીમમાં વિતાવે છે. સખત ટ્રેનીંગ કરે છે. પરંતુ, હવે તેના ફિટનેસ ગુરુ તે જે કરે છે અથવા કરતો આવી રહ્યો છે તેનાથી સંતુષ્ટ નથી. તેના મતે વિરાટ કોહલીએ હવે કંઈક નવું કરવાની જરૂર છે. વિરાટ કોહલીના ફિટનેસ ગુરુ તે છે, જેમને ભારતીય કેપ્ટને એક સમયે પોતાની ફિટનેસનો સંપૂર્ણ શ્રેય આપ્યો હતો. આ વ્યક્તિ છે શંકર બાસુ (Shanker Basu).
ટીમ ઈન્ડિયા (Team India0 ના ભૂતપૂર્વ સ્ટ્રેન્થ અને કન્ડિશનિંગ કોચ શંકર બાસુએ કહ્યું કે વિરાટ કોહલીએ હવે ટ્રેનિંગમાં કંઈક અલગ કરવું જોઈએ. તેની ટ્રેનિંગમાં કંઈ નવું દેખાતું નથી, જેની અસર તેના ફોર્મ પર પણ પડી રહી છે.
શંકર બાસુએ કહ્યું, મેં વિરાટ સાથે ટ્રેનિંગ વિશે વાત કરી છે. મેં તેને કહ્યું છે કે હવે કંઈક અલગ કરવાની જરૂર છે. 30 વર્ષની ઉંમરે જે કામ કરી શકે છે, તે જરૂરી નથી કે તાલીમની એ જ પદ્ધતિ 32 વર્ષની ઉંમરે પણ કામ કરે. સાથે જ જે 32 વર્ષની ઉંમરે કામ કરે છે, તેણે 34માં વર્ષે પણ કામ કરે. આપણે એ જ રીતે ખાવા-પિવાની તે પ્રમાણે કાળજી લેવી પડશે. વિરાટ કોહલી હવે ફિટનેસ વિશે ઘણું સમજે છે. અને, હવે તેના પર તે એકલા હાથે કામ કરવા સક્ષમ છે. ભારતીય ટીમના ભૂતપૂર્વ સ્ટ્રેન્થ અને કન્ડીશનીંગ કોચે આ વાત ચેન્નાઈમાં એક બુક લોન્ચ દરમિયાન કહી હતી.
વિરાટ કોહલીની કારકિર્દીમાં એક એવો તબક્કો હતો જ્યારે તે કમરના દુખાવાથી ખૂબ જ પરેશાન હતો. પછી શંકર બાસુએ જ તેમને આ પીડામાંથી મુક્તિ અપાવવામાં મદદ કરી. વિરાટ કોહલીએ ખુદ શંકર બસુના પુસ્તક ‘100, 200 પ્રેક્ટિકલ એપ્લિકેશન્સ ઇન સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ’માં આ વાત કહી છે.
કોહલીએ પુસ્તકમાં લખ્યું છે, 2014માં હું કમરના દુખાવાથી ખૂબ જ પરેશાન હતો. દર્દ ઠીક થવાનું નામ જ નહોતું લેતું. દરરોજ સવારે હું દુખાવો દૂર કરવા માટે 45 મિનિટ વર્કઆઉટ કરતો હતો. પરંતુ, દુખાવો સંપૂર્ણપણે દૂર થયો ન હતો અને મેચ દરમિયાન, તે મારી પીઠને ફરીથી જકડી લેતો હતો. આવી સ્થિતિમાં બાસુ સરે મને મદદ કરી. તેમણે મને વજન ઉપાડવાનું કહ્યું. મેં પણ એવું જ કર્યું. જેના કારણે મારી ફિટનેસમાં સુધારો થયો હતો.