મોહાલી (Mohali) માં આજે સૌરાષ્ટ્રની ટીમે હૈદરાબાદની ટીમને પછાડી દીધી હતી. આ સાથે જ સૌરાષ્ટ્ર ટીમે ત્રીજી મેચ વિજય હજારે ટ્રોફી (Vijay Hazare Trophy ) માં જીતી લીધી છે. સૌરાષ્ટ્રના કેપ્ટન જયદેવ ઉનડકટે (Jaydev Unadkat) ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગ પસંદ કરી હતી. હૈદરાબાદની ટીમ પ્રેરક માંકડની કમાલ (Prerak Mankad) ની બોલીંગ સામે 221 રનમાં જ સમેટાઇ ગઇ હતી. જેની સામે વળતા જવાબમાં સૌરાષ્ટ્રે હાર્વિક દેસાઇ (Harvik Desai) ના અણનમ શતક વડે મેચને 39 ઓવરમાં જ જીતી લીધી હતી.
સૌરાષ્ટ્ર ટીમના કેપ્ટન ઉનડકટે મોહાલીમાં હૈદરાબાદની ટીમ સામે રન ચેઝ કરવાની યોજના અમલમાં મુકી હતી. જે નિર્ણય સફળ રહ્યો હતો. હૈદરાબાદની ટીમને પહેલા તો 221 રન પર સમેટી લીધી હતી. 50 રન સુધી માત્ર 1 વિકેટ ગુમાવનાર હૈદરાબાદને માંકડના હુમલાએ ખોખરુ કરી દીધુ હતુ. 68 રનના સ્કોર પર પહોંચતા સુધીમાં ટીમે 4 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર બાદ ફરી એકવાર રવિ તેજાની બેટીંગ વડે સ્કોર બોર્ડ સંભાળવાનો પ્રયાસ કર્યો પરંતુ ફરી એકવાર બોલરોના આક્રમણ સામે વિકેટ એક બાદ એક પત્તાના મહેલની માફક પડવા લાગી હતી.
જવાબમાં હાર્વિક દેસાઇએ ઓપનિંગમાં આવી જીત અપાવવા સુધી પિચ પર બેટીંગ કરીને ટીમને ત્રીજી જીત મેળવવામાં મહાયોગદાન પુરુ પાડ્યુ હતુ. દેસાઇએ શાનદાર શતક લગાવ્યુ હતુ. તેણે 108 બોલનો સામનો કરીને 101 રન કર્યા હતા. જેમાં તેણે 13 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. આ પહેલા સૌરાષ્ટ્ર્રે ઓપનર સ્નેલ પટેલના રુપમાં શૂન્યના સ્કોર પર જ પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. જોકે ત્યાર બાદ શેલ્ડન જેક્શન (65) અને હાર્વિકે 113 રનની વિશાળ ભાગીદારી નોંધાવી જીતનો પાયો નાંખ્યો હતો. શેલ્ડને પણ ફીફટી જમાવી હતી.
હાર્વિક દેસાઇ અને પ્રેરક માંકડે બાદમાં 87 રનની ભાગીદારી રમત રમી હતી. પરંતુ પ્રેરક એક રન માટે અર્ધશતક ચૂક્યો હતો. તે 49 પર હોવા દરમ્યાન કેચ આઉટ થતા પેવેલિયન પરત ફર્યો હતો. તેણે બોલીંગમાં પણ કમાલનો દેખાવ કર્યો હતો. અર્પિત વસાવડાએ અણનમ 3 રન કર્યા હતા.
49 રનની ઇનીંગ રમનાર પ્રેરક માંકડે પહેલા બોલીંગમાં કમાલ કર્યો હતો. તેમે હૈદરાબાદની 4 મહત્વની વિકેટ ઝડપી હતી. તેની બોલીંગ સામે જ હૈદરાબાદ પરાસ્ત થઇ ચુક્યો હતો. જયદેવ ઉનડકટ, ચેતન સાકરિયા, ચિરાગ જાની, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને યુવરાજસિંહ ચુડાસ્માએ એક એક વિકેટ ઝડપી હતી. ઉનડકટે 3 ઓવર મેઇડન કરી હતી. જાડેજાએ પણ એક ઓવર મેઇડન કરીને કરકસર ભરી બોલીંગ કરી હતી.