
અંડર-19 એશિયા કપ 2025ની પ્રથમ જ મેચમાં ભારતીય ટીમે UAEને 234 રનના વિશાળ અંતરથી હરાવીને ટુર્નામેન્ટની ભવ્ય શરૂઆત કરી. વૈભવ સૂર્યવંશીએ પોતાની વિસ્ફોટક સદી દ્વારા ટીમ ઈન્ડિયાને મોટા સ્કોર સુધી પહોંચાડવામાં મહત્વનું યોગદાન આપ્યું.
શુક્રવાર, 12 ડિસેમ્બરે દુબઈની ICC એકેડેમીમાં રમાયેલી મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરીને 6 વિકેટે 433 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. 14 વર્ષીય ડાબોડી ઓપનર વૈભવ સૂર્યવંશીએ સાવધાનીથી શરૂઆત કરીને પછી હાથ ખોલ્યા અને માત્ર 30 બોલમાં અડધી સદી પૂર્ણ કરી. ત્યારબાદ વૈભવે માત્ર 56 બોલમાં સદી પણ ફટકારી.
વૈભવ સૂર્યવંશીએ માત્ર 95 બોલમાં 171 રનની ચમકદાર ઇનિંગ રમી. તેની ઇનિંગમાં 14 છગ્ગા અને 9 ચોગ્ગા સામેલ હતા. તે બેવડી સદી ફટકારવાની તક ચૂકી ગયો હતો, પરંતુ ટીમને મજબૂત સ્કોર અપાવવામાં ભૂમિકા નિર્ણાયક રહી. એરોન જ્યોર્જ અને વિહાન મલ્હોત્રાએ પણ અડધી સદી ફટકારી હતી, જ્યારે અભિજ્ઞાન કુંડુ અને કનિષ્ક ચૌહાણની ઝડપી ઇનિંગ્સે સ્કોરને વધુ આગળ ધપાવ્યો.
બહુ મોટા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી UAEની ટીમે શરૂઆતથી જ વિકેટ ગુમાવી દીધી. માત્ર 53 રનમાં 6 વિકેટ પડતા ભારતનો દબદબો વધી ગયો. પૃથ્વી મધુ અને ઉદીશ સુરીએ મળીને 85 રનની ભાગીદારી કરી, પરંતુ જીતથી UAE કાફી દૂર હતું.
પછી ઉદીશ સુરીએ સાલેહ અમીન સાથે મળીને 61 રનની અણનમ ભાગીદારી કરી, છતાં UAE 50 ઓવરમાં 7 વિકેટે માત્ર 199 રન જ બનાવી શક્યું.
ભારત હવે પોતાની બીજી મેચ રવિવાર, 14 ડિસેમ્બરે પાકિસ્તાન સામે રમશે. પાકિસ્તાને પોતાની પહેલી મેચમાં મલેશિયાને 297 રનથી હરાવ્યું હતું. સમીર મિન્હાસે 177 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જ્યારે મલેશિયાની આખી ટીમ માત્ર 48 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.