Cricket: ટીમ ઈન્ડિયામાં ક્રિકેટ રમનારા આ 6 ખેલાડીઓ ભારતમાં નહી વિદેશમાં જન્મ્યા હતા, યાદીમાં છે મોટા નામ

ભારતીય ક્રિકેટ ટીમ તરફથી રમતા આ 6 ખેલાડીઓએ પોતાની ચમક ફેલાવી અને ઘણું નામ કમાવ્યું છે. આ યાદીમાં મોટા નામ સામેલ છે.

Cricket: ટીમ ઈન્ડિયામાં ક્રિકેટ રમનારા આ 6 ખેલાડીઓ ભારતમાં નહી વિદેશમાં જન્મ્યા હતા, યાદીમાં છે મોટા નામ
Robin Singh ભારત વતી શાનદાર પ્રદર્શન કરી ચુક્યો છે.
| Edited By: | Updated on: Jan 13, 2022 | 7:41 PM

ટીમ ઈન્ડિયા (Team India) માટે ક્રિકેટ રમનારા 6 ખેલાડીઓ એવા પણ હતા, જેઓ ભારતમાં જન્મ્યા ન હતા. પરંતુ, આ 6 ખેલાડીઓએ ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) માટે રમીને પોતાની ચમક ફેલાવી અને ઘણું નામ કમાવ્યું. આ યાદીમાં મોટા નામ સામેલ છે. આવો એક નજર કરીએ એવા 6 ખેલાડીઓ પર કે જેઓ ભારતમાં જન્મ્યા નથી, તેમ છતાં તેમને ટીમ ઈન્ડિયા તરફથી રમવાની તક મળી. રોબિન સિંહ (Robin Singh) નુ શાનદાર પ્રદર્શન આ દરમિયાન રહ્યુ છે.

1. રોબિન સિંહ

રોબિન સિંહ એક સમયે ટીમ ઈન્ડિયા માટે સ્ટાર ઓલરાઉન્ડર ક્રિકેટર રહી ચૂક્યા છે. રોબિન સિંહનો જન્મ ત્રિનિદાદના પ્રિન્સ ટાઉનમાં થયો હતો. જો તે ઈચ્છતો તો વેસ્ટ ઈન્ડિઝ માટે રમી શક્યો હોત, પરંતુ રોબિન સિંહ ભારત આવ્યા અને અહીં ક્રિકેટ રમવાનું શરૂ કર્યું અને અહીંની રાષ્ટ્રીય ટીમનો સભ્ય બની ગયો. રોબિન સિંહ બેટિંગ ઓલરાઉન્ડર હતો. તે ડાબા હાથે બેટિંગ કરતો હતો. રોબિન સિંહની ટેસ્ટ કારકિર્દી ભલે ખાસ રહી ન હોય, પરંતુ તેની વનડે કારકિર્દી સારી રહી. રોબિન સિંહે તેની ODI ક્રિકેટ કારકિર્દીમાં 136 મેચ રમી છે, જેમાં તેણે 113 ઇનિંગ્સમાં 2336 રન બનાવ્યા છે, 9 અર્ધસદી અને 1 સદી ફટકારી છે.

2. પ્રબીર કુમાર સેન

પ્રબીર કુમાર સેનનો જન્મ 31 મે 1926ના રોજ કોમિલ્લા, બાંગ્લાદેશમાં થયો હતો. પ્રબીર કુમાર સેન 1948 થી 1952 સુધી ભારત માટે રમ્યા હતા. તેણે તેની ક્રિકેટ કારકિર્દીમાં કુલ 14 ટેસ્ટ મેચ રમી હતી. તેની 14 ટેસ્ટ મેચોમાં તેણે 11.78ની એવરેજથી 165 રન બનાવ્યા છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 25 રન રહ્યો છે. તે વિકેટ કીપર બેટ્સમેન હતો. તેણે વિકેટ પાછળ 20 કેચ અને 11 સ્ટમ્પિંગ કર્યા છે. તેની ટેસ્ટ ક્રિકેટ કારકિર્દીમાં તે માત્ર 1 સિક્સર ફટકારી શક્યો હતો. 27 જાન્યુઆરી 1970ના રોજ તેમનું અવસાન થયું.

3. લાલ સિંહ

લાલ સિંહનો જન્મ 16 ડિસેમ્બર 1909ના રોજ મલેશિયાના કુવલમપુરમાં થયો હતો. 19 નવેમ્બર 1985ના રોજ કુવલમપુરમાં તેમનું અવસાન થયું. તેણે ભારત માટે એક ટેસ્ટ મેચ રમી જેમાં તેણે 22ની એવરેજથી 44 રન બનાવ્યા. લાલ સિંહે આ મેચ 1932માં ઈંગ્લેન્ડ સામે રમી હતી. આ મેચ પણ ભારતીય ક્રિકેટ ઈતિહાસની પ્રથમ મેચ હતી. આ મેચમાં ભારતીય ટીમને 158 રનના માર્જીનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

4. સલીમ દુર્રાની

સલીમ દુર્રાનીનો જન્મ કાબુલના પઠાણ પરિવારમાં થયો હતો અને તેનો ઉછેર જામનગરમાં થયો હતો. તેઓ પ્રથમ ભારતીય ક્રિકેટર હતા જેમણે ફિલ્મોમાં વ્યાપક ભૂમિકા ભજવી હતી. તે બોલિવૂડ ફિલ્મ ‘ચરિત્ર’માં પરવીન બાબીની સામે હીરો તરીકે જોવા મળ્યો હતો. આ ફિલ્મ દરમિયાન ચર્ચા શરૂ થઈ હતી કે બંને વચ્ચે કંઈક અલગ જ ચાલી રહ્યું છે અને બંને વચ્ચે અફેરની ચર્ચાઓ પણ સાંભળવા મળી હતી. દુર્રાનીએ 1960 થી 1973 દરમિયાન ટીમ ઈન્ડિયા માટે ક્રિકેટ રમી, જે દરમિયાન તેણે 29 ટેસ્ટમાં 25.04ની એવરેજથી 1,202 રન બનાવ્યા અને 75 વિકેટ લીધી. આ સિવાય તેણે 170 ફર્સ્ટ ક્લાસ મેચમાં 484 વિકેટ લીધી હતી અને 33.37ની એવરેજથી 8,545 રન બનાવ્યા હતા. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેના નામે 14 સદી પણ છે.

5. અશોક ગંડોત્રા

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અશોક ગંડોત્રાનો જન્મ 1948માં બ્રાઝિલમાં થયો હતો. જોકે, બાદમાં તેઓ ભારતમાં સ્થાયી થયા હતા. તેણે બંગાળ અને દિલ્હી માટે કુલ 54 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે. 1969માં, તેણે ન્યૂઝીલેન્ડ સામે ભારત તરફથી ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તે ભારત માટે માત્ર બે ટેસ્ટ જ રમી શક્યો હતો, તેણે આ બે ટેસ્ટમાં 54 રન બનાવ્યા હતા.

6. અબ્દુલ હફીઝ કારદાર

અબ્દુલ હફીઝ કારદારનો જન્મ 17 જાન્યુઆરી 1925ના રોજ લાહોરમાં થયો હતો. તે ડાબોડી બેટ્સમેન અને ડાબોડી સ્પિનર ​​હતો. તેણે ભારત માટે પોતાની પ્રથમ મેચ ઈંગ્લેન્ડ સામે રમી હતી. તેણે ભારતીય ટીમ માટે કુલ ત્રણ મેચ રમી હતી, પરંતુ જ્યારે પાકિસ્તાન ભારતથી અલગ થયું ત્યારે તે પાકિસ્તાનનો ભાગ બની ગયો હતો અને તેણે પાકિસ્તાન માટે ક્રિકેટ રમી હતી. તે પછી તેણે પાકિસ્તાન માટે કુલ 23 ટેસ્ટ મેચ રમી. તેને પાકિસ્તાન ટીમની કેપ્ટનશિપ પણ મળી હતી. અબ્દુલ હફીઝ કારદારે કુલ 26 ટેસ્ટ મેચ રમી જેમાં તેણે 927 રન બનાવ્યા.

 

આ પણ વાંચોઃ Ravindrasinh Jadeja: ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પર સવાર થયુ પુષ્પાનુ ‘ભૂત’, અલ્લુ અર્જૂનના અવતારમાં જોવા મળ્યો, વાયરલ થઇ તસ્વીર

 

આ પણ વાંચોઃ IPL 2022: આગામી સિઝનના સ્થળ પસંદગી માટે BCCI એ નવો ‘પ્લાન’ ઘડ્યો, UAE નહી આ બે દેશોના નામ છે આગળ