ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નાગપુરમાં પ્રથમ ટેસ્ટ મેચ શરૂ થયાને માત્ર બે દિવસ થયા છે. આજે ઓસ્ટ્ર્લિયાની બીજી ઈનીંગ માત્ર 91 રનમાં જ સમેટાઈ ગઈ હતી. અશ્વિને 5 વિકેટ ઝડપી હતી. ત્યારબાદ સીરીઝની બાકીની મેચો પર નજર રાખવામાં આવશે. આ બધા વચ્ચે સૌથી મહત્વના સમાચાર એ છે કે, સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચના સ્થળમાં ફેરફાર થઈ શકે છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચનું સ્થળ ધર્મશાલા નક્કી કરવામાં આવ્યું હતુ જેમાં હવે ફેરફાર થઈ શકે છે.
એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સ્ટેડિયમની તૈયારીઓના અભાવે આ નિર્ણય લેવામાં આવી શકે છે. નાગપુર ટેસ્ટ બાદ બંને ટીમોનો કાફલો નવી દિલ્હી પહોંચશે, જ્યાં અરુણ જેટલી સ્ટેડિયમમાં બીજી ટેસ્ટ મેચ રમાવાની છે. આ મેચ 17 જાન્યુઆરીથી રમાવાની છે, જ્યારે ત્રીજી ટેસ્ટમાં લગભગ એક સપ્તાહનો આરામ છે. સિરીઝની ત્રીજી મેચ હિમાચલ પ્રદેશના ધર્મશાલાના એચપીસીએ સ્ટેડિયમમાં રમાનાર છે જ્યારે 9 માર્ચથી છેલ્લી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે.
હવે એવું લાગી રહ્યું છે કે ધર્મશાલામાંથી ટેસ્ટ મેચ છીનવાઈ શકે છે. એચપીસીએ સ્ટેડિયમમાં છેલ્લા કેટલાક મહિનાઓથી સમારકામ ચાલી રહ્યું હતું, જે અંતર્ગત મેદાનમાં નવું ઘાસ ઉગાડવામાં આવ્યું હતું અને પાણીના નિકાલની નવી વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. પરંતુ હવે એવું લાગે છે કે આ કામ પૂર્ણ થયું નથી અને ટેસ્ટ મેચ પહેલા તેની સંપૂર્ણ તૈયારી અંગે શંકા છે. ESPNcricinfoના અહેવાલ મુજબ, BCCIના અધિકારીઓએ 3 ફેબ્રુઆરીએ સ્ટેડિયમની મુલાકાત લીધી હતી, જેમાં સ્ટેડિયમ હજુ સુધી મેચની યજમાની માટે સંપૂર્ણ રીતે તૈયાર લાગી શક્યું નહોતું.
એવું કહેવામાં આવ્યું છે કે મેદાનના કેટલાક ભાગોમાં, ઘાસ હજુ યોગ્ય રીતે જોવા મળ્યું નથી, આવી સ્થિતિમાં, BCCI અધિકારીઓએ નિર્ણય લીધો છે કે આ અઠવાડિયાના અંતમાં સ્ટેડિયમનું ફરી એકવાર નિરીક્ષણ કરવામાં આવશે, ત્યારબાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે.
બોર્ડે વિશાખાપટ્ટનમ, પુણે, ઈન્દોર અને રાજકોટને બેકઅપ વેન્યુ તરીકે રાખ્યા છે અને એકવાર નિર્ણય લેવામાં આવે તે પછી તેની જાહેરાત કરવામાં આવશે. ધર્મશાલામાં હિમાલયની સુંદર ખીણોની સામે બનેલા સ્ટેડિયમમાં અત્યાર સુધી માત્ર એક જ ટેસ્ટ મેચ રમાઈ છે અને તે પણ 2017માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે.