
પ્રથમ ત્રણ મેચમાં ભારે રસાકસી બાદ ભારત અને ઓસ્ટ્રેલિયા ફરી એકવાર સામ-સામે ટકરાશે. શુક્રવાર 1 ડિસેમ્બરે T20 સિરીઝની ચોથી મેચમાં બંનેની ટક્કર થશે. ટીમ ઈન્ડિયા ચોથી મેચમાં સીરીઝ પર કબજો કરવાના ઈરાદા સાથે ઉતરશે. જો કે, આ મેચમાં તેણે પ્લેઈંગ ઈલેવનને લઈને કેટલાક આકરા નિર્ણયો લેવા પડશે.
શ્રેયસ અય્યર આ મેચથી ટીમ ઈન્ડિયામાં પુનરાગમન કરી રહ્યો છે અને આવી સ્થિતિમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવે એવા ખેલાડીને હટાવવો પડશે જેની સાથે તે સતત રમી રહ્યો છે અને જેની પ્રશંસા પણ થઈ રહી છે. કપ્તાન રોહિત શર્મા પણ આ ખેલાડીની પ્રશંસા કરી ચૂક્યો છે છતાં આ એક ખેલાડીનું પ્લેઈંગ 11 માંથી પત્તું કપાશે.
પાંચ મેચોની આ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાએ શરૂઆતની બંને મેચ જીતી, બાદમાં ગુવાહાટીમાં ત્રીજી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ગ્લેન મેક્સવેલની સદીના આધારે વિજય નોંધાવીને જોરદાર વાપસી કરી હતી. હવે બંને ટીમો શુક્રવારે રાયપુરના વીર નારાયણ સિંહ સ્ટેડિયમમાં ટકરાશે. પહેલાથી જ મજબૂત ટીમ ઈન્ડિયાની તાકાત વધશે કારણ કે વર્લ્ડ કપમાં શાનદાર ફોર્મમાં રહેલો શ્રેયસ અય્યર છેલ્લી બે મેચ માટે ટીમ સાથે જોડાઈ ગયો છે.
પોતાના પહેલા જ વિશ્વ કપમાં 500 થી વધુ રન બનાવનાર શ્રેયસ આ શ્રેણી માટે ટીમનો વાઈસ કેપ્ટન પણ છે. આવી સ્થિતિમાં તેનું સ્થાન નિશ્ચિત છે. આવી સ્થિતિમાં સવાલ એ છે કે પ્લેઈંગ 11 માંથી કોને બહાર કરવામાં આવશે? દેખીતી રીતે, શ્રેયસ માટે જગ્યા બનાવવા માટે એક બેટ્સમેનને દૂર કરવો પડશે અને છેલ્લી 3 મેચમાં ખેલાડીઓની ભૂમિકાને જોતા તિલક વર્માએ બલિદાન આપવું પડશે એવું લાગી રહ્યું છે.
તિલકને આ શ્રેણીમાં વધુ રમવાની તક મળી નથી. પ્રથમ T20 સિવાય, તેને બીજી અને ત્રીજી મેચમાં માત્ર થોડા જ બોલ રમવા મળ્યા હતા. તેમ છતાં શ્રેયસ અય્યરની વાપસીની સ્થિતિમાં તિલકને જગ્યા ખાલી કરવી પડી શકે છે કારણ કે ટીમ યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડની ઓપનિંગ જોડીને તોડવાની ભૂલ નહીં કરે. ઈશાન કિશને સતત 2 અડધી સદી ફટકારી છે અને તે ટીમનો વિકેટકીપર પણ છે, જ્યારે રિંકુ સિંહ ફિનિશરની ભૂમિકામાં કમાલ કરી રહ્યો છે.
તિલક વર્માએ રોહિત શર્મા સહિત ઘણા દિગ્ગજોને તેના પ્રદર્શનથી પ્રભાવિત કર્યા છે છતાં તેણે સિનિયર ખેલાડી માટે બલિદાન આપવું પડશે. તિલકને બહાર કરવા સિવાય ટીમ ઈન્ડિયા પાસે વધુ એક વિકલ્પ પણ છે. આ ફોર્મેટમાં કેપ્ટન સૂર્યા મજબૂત બેટિંગ કરી રહ્યો છે અને આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા તેને આરામ આપી શકે છે અને શ્રેયસને પ્લેઈંગ 11 માં સામેલ કરી શકે છે. આનાથી શ્રેયસને તેની પસંદગીના નંબર ચાર પર બેટિંગ કરવાની તક પણ મળશે.
યશસ્વી જયસ્વાલ, ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન (વિકેટ કીપર), સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિંકુ સિંહ, તિલક વર્મા, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, આવેશ ખાન, પ્રસિદ્ધ કૃષ્ણા.
આ પણ વાંચો: IPL ઓક્શનમાં 10 ગણા વધુ ખેલાડીઓ પોતાનું નસીબ અજમાવશે, રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ 30 નવેમ્બર
Published On - 6:59 am, Fri, 1 December 23