હજુ પણ બદલાઈ શકે છે ‘ટીમ ઈન્ડિયા’ ! શું 2026 T20 વર્લ્ડ કપમાંથી આ 3 ખેલાડીઓ બહાર થશે?

T20 વર્લ્ડ કપ 2026 ને હવે બે અઠવાડિયાથી પણ ઓછો સમય બાકી છે. ટુર્નામેન્ટની પ્રથમ મેચ 7 ફેબ્રુઆરીએ રમાશે અને ફાઈનલ 8 માર્ચના રોજ યોજાશે.

હજુ પણ બદલાઈ શકે છે ટીમ ઈન્ડિયા ! શું 2026 T20 વર્લ્ડ કપમાંથી આ 3 ખેલાડીઓ બહાર થશે?
Image Credit source: PTI
| Updated on: Jan 28, 2026 | 8:52 PM

ભારત, ઈંગ્લેન્ડ, પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા સહિતની મોટાભાગની ટીમોએ પોતાનો સ્ક્વોડ (ટીમ) જાહેર કરી દીધો છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની માર્ગદર્શિકા મુજબ, તમામ ટીમ 31 જાન્યુઆરી સુધી પોતાની સ્ક્વોડમાં જરૂરી ફેરફારો કરી શકે છે.

ઉદાહરણ તરીકે, દક્ષિણ આફ્રિકાએ ઈજાગ્રસ્ત ટોની ડી જોરજી અને ડોનોવન ફરેરાના સ્થાને ટ્રિસ્ટન સ્ટબ્સ તેમજ રાયન રિકલ્ટનને તક આપી છે. એવામાં હાલમાં, ટીમ ઈન્ડિયાના કેટલાક ખેલાડીઓ ખરાબ ફોર્મનો સામનો કરી રહ્યા છે અને વધુ સારી પ્લેઈંગ ઈલેવન કોમ્બિનેશન તૈયાર કરવા માટે પસંદગી સમિતિ 31 જાન્યુઆરી પહેલા ભારતીય ટીમમાં ફેરફાર કરી શકે છે.

કોણ બહાર થઈ શકે છે?

ટીમમાં સૌથી પહેલું નામ વોશિંગ્ટન સુંદરનું હોઈ શકે છે, જે ન્યુઝીલેન્ડ સામે વડોદરા વનડે મેચ દરમિયાન બોલિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ તેને ટી20 સિરીઝ પણ મિસ કરવી પડી છે. સુંદર ટી20 વર્લ્ડ કપ સ્ક્વોડનો ભાગ તો છે પરંતુ હજુ સુધી પૂરેપૂરો ફિટ થઈ શક્યો નથી.

રિપોર્ટ્સ અનુસાર, તેને હજુ સંપૂર્ણ ફિટ થવામાં ઓછામાં ઓછો 2 અઠવાડિયાનો સમય લાગી શકે છે. જો તે ફિટ થઈ જાય, તો પણ તેની ‘ગેમ ફિટનેસ’ પર સવાલ ઊભો રહેશે. આવી સ્થિતિમાં સંભાવના છે કે, સુંદરને વર્લ્ડ કપ સ્ક્વોડમાંથી બહાર કરવામાં આવી શકે છે.

તિલક વર્મા ઇજાગ્રસ્ત

તિલક વર્મા પણ અત્યારે પૂરેપૂરો ફિટ નથી. વિજય હઝારે ટ્રોફીમાં હૈદરાબાદ તરફથી રમતી વખતે તેને ઈજા થઈ હતી.  BCCIએ નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે, તિલક પહેલા કરતા સારો છે અને ઝડપથી રિકવર થઈ રહ્યો છે પરંતુ તેને સંપૂર્ણ ફિટ થવામાં થોડો વધુ સમય લાગી શકે છે. આવી સ્થિતિમાં, તેનું પણ વર્લ્ડ કપ સ્ક્વોડમાંથી બહાર થવાનું જોખમ હજુ પૂરેપૂરું ટળ્યું નથી. જો તિલક વર્મા ફિટ થઈ જશે, તો ઇન-ફોર્મ બેટ્સમેન ઇશાન કિશનને બહાર બેસવું પડી શકે છે.

સંજૂ સેમસન પણ બહાર થઈ શકે છે

સંજૂ સેમસન પણ સવાલોના ઘેરામાં છે, જે ન્યુઝીલેન્ડ સામેની ટી20 શ્રેણીમાં ઓપનર તરીકે ત્રણ ઇનિંગ્સમાં માત્ર 16 રન જ બનાવી શક્યો છે. એવામાં જો સેમસન ન્યુઝીલેન્ડ સામેની બાકીની 2 મેચમાં પણ સારું પ્રદર્શન નહીં કરી શકે, તો ઇશાન કિશનને ઓપનર બેટ્સમેનના વિકલ્પ તરીકે જોવામાં કંઈ ખોટું નથી.

આ પણ વાંચો: ODI ક્રિકેટમાં રૂટનો જાદૂ ! ગાંગુલી-રોહિતને પાછળ છોડીને હાંસલ કરી મહત્વની સિદ્ધિ, હવે રેકોર્ડ બૂકમાં લખાશે ‘નામ’