
જસપ્રીત બુમરાહને 15 ઓગસ્ટથી શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીમાંથી બાકાત રાખ્યા બાદ, સેન્ટર ઓફ એક્સેલન્સ અને BCCI ની નેશનલ સિલેકશન કમિટી વચ્ચે સંકલનનો ગંભીર અભાવ છતી થયો છે. અહેવાલો અનુસાર, પસંદગીકારોને ખાતરી આપવામાં આવી હતી કે બુમરાહ શ્રીલંકા સામે ઓછામાં ઓછી એક ટેસ્ટ મેચ માટે ઉપલબ્ધ રહેશે. જોકે પાછળથી ખબર પડી કે તેની ઈજા વધુ ગંભીર હતી. આ પરિસ્થિતિને લઈને, CoE અધિકારીઓ અને અજીત અગરકર વચ્ચે વર્ચ્યુઅલ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
નીતિન પટેલના પદ પરથી રાજીનામું આપ્યા પછી, BCCIમાં સ્પોર્ટ્સ સાયન્સનો કોઈ સત્તાવાર હેડ નથી અને હાલમાં વચગાળાના હેડ ધનંજય કૌશિક બેંગલુરુ સ્થિત આ હાઈ પર્ફોમન્સ સેન્ટરની કમાન સંભાળી રહ્યા છે. ખેલાડીઓના રિહેબિલિટેશન અને રીટર્ન ટુ પ્લે પ્રોટોકોલ અંગે અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. હર્ષિત રાણાના કિસ્સામાં આ સવાલ પણ ઉઠી રહ્યો છે કે તેનું વધુ વજન હોવા છતાં સ્પોર્ટ્સ સાયન્સની ટીમે તેને કેવી રીતે ફિટ જાહેર કર્યો. આ પછી તેની હેમસ્ટ્રિંગની ઈજા ફરી સામે આવી.
સવાલ એ પણ છે કે યુવા ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર વારંવાર હેમસ્ટ્રિંગની સમસ્યાનો સામનો કરી રહ્યો છે. શું સ્પોર્ટ્સ સાયન્સ ટીમે તેની વારંવારની સમસ્યાની કોઈ નોંધ લીધી હતી? શું નીતીશ રેડ્ડીએ પોતાની બોલિંગની ઝડપ વધારવા માટે ફ્રીલાન્સ ફાસ્ટ બોલિંગ કોચ સ્ટીફન જોન્સ પાસેથી તાલીમ લેવા માટે NOC મેળવ્યું હતું? સ્પીડમાં અચાનક વધારો થવાને કારણે તેના હેમસ્ટ્રિંગને અસર થઈ હતી? બીજી તરફ, પગની ઈજાથી પીડિત સાઈ સુદર્શન નેટ્સમાં 75 મિનિટ સુધી બેટિંગ કરી રહ્યો છે, પરંતુ પસંદગીકારોને ડર છે કે છેલ્લી ક્ષણે તેને પણ અનફિટ જાહેર કરવામાં આવી શકે છે.
ખેલાડીઓની વધતી જતી ઇજાઓને કારણે ભારતીય ટીમના મુખ્ય ફિઝિયો કમલેશ જૈનની ભૂમિકા હવે તપાસ હેઠળ છે. છેલ્લા પાંચ વર્ષથી ટીમ ઇન્ડિયા સાથે સંકળાયેલા જૈન ખેલાડીઓમાં ખૂબ લોકપ્રિય છે, પરંતુ ટીમમાં ઇજાઓના વધતા જતા કેસોને જોતાં, તેમની કામગીરી પર પ્રશ્નો ઉભા થયા છે.
ઈંગ્લેન્ડ પ્રવાસ બાદ BCCIની ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક હજુ યોજાઈ નથી. હેડ કોચ ગૌતમ ગંભીર, ચીફ સિલેક્ટર અજીત અગરકર, CoE ના હેડ ઓફ ક્રિકેટ VVS લક્ષ્મણ અને BCCI સચિવ દેવજીત સૈકિયા આ સમીક્ષા બેઠકમાં ભાગ લેશે. જ્યાં આ મુદ્દો ઉઠાવવામાં આવે તેવી અપેક્ષા છે. સ્પોર્ટ્સ સાયન્સ ટીમ સિવાય ફિઝિયો કમલેશ જૈન અંગે પણ મોટો નિર્ણય લેવામાં આવી શકે છે.