શ્રીલંકાની ક્રિકેટ ટીમ (Sri Lanka Cricket Team) ભારતના પ્રવાસે આવનાર છે. આ માટે ભારતીય ટીમ (Indian Cricket Team) ની પસંદગી ભારતીય ક્રિકેટ બોર્ડે કરી દીધી છે. રોહિત શર્મા ટેસ્ટ ક્રિકેટ ટીમનો નવો કેપ્ટન છે. જ્યારે ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણેને ટીમની બહાર રાખવામાં આવ્યા છે. આ દરમિયાન ટીમ ઇન્ડિયાના મહત્વના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) ને લઇને પણ ચર્ચાઓ અને સવાલો થઇ રહ્યા છે. જેના પર મુખ્ય પસંદગીકાર ચેતન શર્માએ હાર્દિક પંડ્યાનુ સિલેક્શન ક્યારે કરવામાં આવશે એ અંગે પણ વાત કહી છે. હાર્દિક પંડ્યા હાલમાં રણજી ટ્રોફીમાં પણ રમી રહ્યો નથી તો, ટી20 વિશ્વકપ બાદ થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દુર છે.
શનિવારે ટીમની જાહેરાત કર્યા બાદ ચેતન શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં રણજી ટ્રોફી રમવા પર વધુ ભાર મૂક્યો હતો. જોકે, હાર્દિક રણજી ટ્રોફી નથી રમી રહ્યો અને જ્યારે ચેતન શર્માને આ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે આ વિશે ખેલાડીને પૂછવું જોઈએ.
હાર્દિક વિશે ચેતન શર્માએ કહ્યું, હાર્દિક ચોક્કસપણે ભારતીય ટીમનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. તેની ઇજા પછી, હું કહીશ કે એકવાર અમને ખાતરી થશે કે તે 100 ટકા ફિટ છે અને રમવા માટે તૈયાર છે અને બોલિંગ કરી શકે છે, પછી તેના નામ પર વિચાર કરવામાં આવશે.
જ્યારે ચેતનને પૂછવામાં આવ્યું કે હાર્દિક શા માટે રણજી ટ્રોફી નથી રમી રહ્યો તો તેણે કહ્યું, તમે હાર્દિકને પૂછી શકો છો કે તે રણજી ટ્રોફી કેમ નથી રમી રહ્યો. અમે એવા લોકોને જોઈ રહ્યા છીએ જેઓ રણજી ટ્રોફી રમી રહ્યા છે અને ત્યાં સારું પ્રદર્શન કરી રહ્યા છે. સ્પર્ધા જોઈને અને છોકરાઓ કેવું પ્રદર્શન કરી રહ્યા છે તે જોઈને અમને આનંદ થશે.
હાર્દિક પંડ્યા IPL-2022 માં રમતા જોવા મળી શકે છે. આ વર્ષે તે IPL થી જ પરત ફરશે. હાર્દિકને આ વખતે IPLની નવી ટીમ ગુજરાત ટાઇટન્સના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. તે અત્યાર સુધી મુંબઈ તરફથી રમ્યો હતો. હાર્દિક ટી20 વર્લ્ડ કપમાં રમ્યો હતો પરંતુ તેની ફિટનેસ પર સવાલો ઉઠી રહ્યા હતા. તેને બોલિંગ કરવામાં મુશ્કેલી પડી રહી હતી. હવે જોવાનું એ રહેશે કે હાર્દિક બેટ અને બોલ બંને સાથે IPLમાં વાપસી કરે છે કે કેમ.
Published On - 10:09 pm, Sat, 19 February 22