Cricket : આ બોલરે T20 મેચમાં 8 વિકેટ લઈને ‘વર્લ્ડ રેકોર્ડ’ બનાવ્યો, કોણ છે આ ‘બોલર’?

ભૂટાનના બોલરે ટી20 ઇન્ટરનેશનલમાં ઇતિહાસ રચ્યો છે. વાત એમ છે કે, તે ટી20 મેચમાં આઠ વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો છે. આ પહેલા ફક્ત બે બોલરોએ સાત-સાત વિકેટ લીધી છે.

Cricket : આ બોલરે T20 મેચમાં 8 વિકેટ લઈને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, કોણ છે આ બોલર?
Image Credit source: Cricket Bhutan
| Updated on: Dec 29, 2025 | 8:54 PM

ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ફક્ત બે બોલરોએ એક જ મેચમાં સાત વિકેટ લીધી છે પરંતુ સોનમ યેશે ટી20 મેચમાં આઠ વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો છે. ભૂટાનના બોલર સોનમે મ્યાનમાર સામે આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે.

કઈ ટીમ સામે આ ‘વર્લ્ડ રેકોર્ડ’ બનાવ્યો?

ભૂટાનના બોલર સોનમ યેશેએ T20 મેચમાં 8 વિકેટ લઈને ઇતિહાસ રચ્યો છે. તે ડાબા હાથનો સ્પિનર ​​છે, જેણે મ્યાનમારના ટોચના ક્રમની કમર તોડી નાખી. આ મેચમાં યેશેએ 4 ઓવરના સ્પેલમાં ફક્ત 7 રન આપ્યા અને 8 વિકેટ લીધી.


સોનમ યેશેની શાનદાર બોલિંગના કારણે ભૂટાને પાંચમી T20Iમાં મ્યાનમારને 81 રનથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા ભૂટાને 126 રન બનાવ્યા. 127 રનના લક્ષ્યનો પીછો કરતા મ્યાનમાર ટીમ 45 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. સોનમ યેશેએ 10માંથી 8 વિકેટ લીધી.

સોનમ યેશેની ઉંમર કેટલી?

3 ડિસેમ્બર, 2003ના રોજ જન્મેલો સોનમ યેશેએ 3 ડિસેમ્બરે પોતાનો 22મો જન્મદિવસ ઉજવ્યો હતો. તેણે ભૂટાન માટે 35 ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં 38 વિકેટ લીધી છે. સોનમે 26 ડિસેમ્બરે મ્યાનમાર સામેની T20 મેચમાં આઠ વિકેટનો આ રેકોર્ડ હાંસલ કર્યો હતો. સોનમ યેશેએ શ્રેણીમાં કુલ 13 વિકેટ લીધી.

આ પહેલા કોના-કોના નામે રેકોર્ડ હતો?

મલેશિયાના સયાઝરુલ ઇદ્રુસ અને બહેરીનના અલી દાઉદે એક ટી20I માં 7-7 વિકેટ લીધી છે. ભારતના ટી20I માં સૌથી વધુ વિકેટ લેનારા બોલરો દીપક ચહર અને યુઝવેન્દ્ર ચહલ છે.

ચહરે 10 નવેમ્બર, 2019 ના રોજ નાગપુરમાં બાંગ્લાદેશ સામે 3.2 ઓવરમાં 7 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. ચહલે 1 ફેબ્રુઆરી, 2017 ના રોજ બેંગલુરુમાં ઈંગ્લેન્ડ સામે 4 ઓવરમાં 25 રન આપીને 6 વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચો: 6,6,6… એમ કરીને કુલ 45 છગ્ગા! અભિષેક શર્માની ફટકાબાજીથી બોલરો ધ્રૂજી ઉઠયા, શું ભારતીય ઓપનર T20 વર્લ્ડ કપમાં પણ આ ફોર્મ સાથે જ મેદાનમાં ઉતરશે?