સંયુક્ત આરબ અમીરાત (UAE) અને ઓમાન (Oman) માં આ મહિનાની 17 મી તારીખથી ટી20 વર્લ્ડ કપ (T20 World Cup) શરૂ થઈ રહ્યો છે. જોકે આ વર્લ્ડ કપ ભારતમાં રમાવાનો હતો, પરંતુ કોવિડના કારણે તેને ભારતની બહાર આયોજીત કરવાનુ નક્કી કરવામાં આવ્યું હતુ. કારણ કે ભારતમાં કોવિડની સ્થિતિ થોડા મહિના પહેલા ભયંકર હતી. જેને કારણે આયોજન યુએઈ અને ઓમાનનમાં ખસેડવામાં આવ્યુ હતુ. તેમ છતાં કોવિડ (Covid19) નો ખતરો સમાપ્ત થયો નથી અને ICC તેનાથી બચવા માટે તમામ પ્રયાસો કરી રહી છે.
આઈસીસીના વચગાળાના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) જ્યોફ અલ્લાર્ડીસે આ અંગે પુષ્ટિ કરી છે. કે જો કોઈ ટીમને કોવિડ-19 કેસ હોવાનું જણાય છે, તો કોઈપણ મેચનો નિર્ણય આઈસીસી દ્વારા રચાયેલી સમિતિ કરશે. આ સાથે, તેમણે સ્પષ્ટ કર્યું કે દ્વિપક્ષીય મેચોથી વિપરીત, કોઈ પણ સભ્ય દેશ આ બાબતે નિર્ણય કરી શકે નહીં.
આઈસીસી પહેલાથી જ તબીબી નિષ્ણાતોની એક સમિતિની રચના કરી ચૂકી છે. જેમાં BCCI (ભારતીય ક્રિકેટ બોર્ડ) ના ડો.અભિજિત સાલ્વીનો સમાવેશ થાય છે. કારણ કે તે સમજી શકાય છે, કે બાયો-બબલ હોવા છતાં, કેટલાક પોઝિટિવ કેસો સામે આવી શકે છે. અલ્લાર્ડીસે કહ્યું, મને લાગે છે કે અમે સભ્યો સાથેના અમારા સંવાદમાં ખૂબ જ સ્પષ્ટ રહ્યા છીએ. જો ટુર્નામેન્ટ દરમ્યાન કોઈ પોઝિટિવ કેસ આવે છે, તો અમે તેની કાળજી લેવા માટે એક સમિતિ બનાવી છે.
અલ્લાર્ડીસે કહ્યું કે સમિતિને મેચો અંગે નિર્ણય લેવાનો અધિકાર આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, મેચો અંગે કોઈ પણ નિર્ણય તે સમિતિ પોતે જ લેશે અને તે સભ્ય દેશો દ્વારા નક્કી કરવામાં આવશે નહીં. જેમ કે તેઓ દ્વિપક્ષીય ક્રિકેટમાં કરી શકે છે.
અલ્લાર્ડીસે એમ પણ કહ્યું કે ટી 20 વર્લ્ડ કપ દરમ્યાન દરેક ટીમને બે ડીઆરએસ રેફરલ આપવામાં આવશે. તેમણે ‘વર્ચ્યુઅલ કોન્ફરન્સ કોલ’ દરમિયાન કહ્યું, અમે છેલ્લા 12 મહિનામાં ટી20 આંતરરાષ્ટ્રીય માટે અપનાવવામાં આવેલી રમતની શરતો સાથે ચાલુ રાખીશું. જેમાં દરેક ટીમને બે રિવ્યૂ આપવામાં આવ્યા છે. તેથી આ ટુર્નામેન્ટને અલગ ગણવાને બદલે અમે તે જ નિયમો પર ચાલુ રાખીશું જેની સાથે અમે છેલ્લા 12 કે 18 મહિનાથી રમી રહ્યા છીએ.
વચગાળાના સીઈઓએ સંકેત આપ્યો હતો કે, તટસ્થ અમ્પાયર પણ ટૂંક સમયમાં પાછા આવી શકે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે પરિસ્થિતિ અનુકૂળ બનતા જ ક્રિકેટ સંસ્થા તટસ્થ અમ્પાયરોનો ઉપયોગ શરૂ કરશે. કોવિડ-19 પછી, આઇસીસી દ્વારા મુસાફરી અને ‘લોજિસ્ટિકલ’ મુદ્દાઓને કારણે ઘરેલુ અમ્પાયરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો.
તેઓએ કહ્યુ, મને લાગે છે કે અમે આ ટુર્નામેન્ટ (આઈસીસી મેન્સ ટી 20 વર્લ્ડકપ) માં કામ કરવા માટે, અમારી એલિટ પેનલ અમ્પાયરો અને રેફરીઓને લાવવા માટે સક્ષમ છીએ. યુએઈ એક એવો દેશ છે, જે મુસાફરી પર વધારે પ્રતિબંધો લાદતો નથી. અલ્લાર્ડીસે કહ્યું કે જુદા જુદા દેશોમાં અલગ અલગ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. જે તેને મુશ્કેલ બનાવી રહ્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે ઘરેલુ અમ્પાયરોએ છેલ્લા 18 મહિનામાં શાનદાર કામ કર્યું છે.