નિશસ્ત્ર લોકો પર ગોળીબાર કરવામાં આવી રહ્યો છે, શેરીઓમાં બોમ્બ વિસ્ફોટ કરવામાં આવી રહ્યા છે. નિર્દોષ લોકોના મોત થઈ રહ્યા છે અને આ બધા દુઃખ અને દર્દ વચ્ચે અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ (Afghanistan Cricket Team) કંઈક કરવા માંગે છે. વિશ્વમાં નામ કમાવા માંગે છે. અફઘાનિસ્તાન પર તાલિબાનો (Taliban) ના કબજા બાદ પ્રથમ વખત ત્યાંની ક્રિકેટ ટીમ મેદાનમાં ઉતરવા જઈ રહી છે. ટી20 વર્લ્ડ કપ (T20 World Cup 2021) માટે ટીમના ખેલાડીઓ UAEપહોંચી ગયા છે. કેપ્ટન મોહમ્મદ નબી (Mohammad Nabi) ને વિશ્વાસ છે કે તે સારું પ્રદર્શન કરશે અને ટીમને આગળ લઈ જશે.
તમને જણાવી દઈએ કે નબીને 10 ઓક્ટોબરે અફઘાનિસ્તાન ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. કારણ કે સ્ટાર ઓલરાઉન્ડર રાશિદ ખાને કેપ્ટન બનવાનો ઇનકાર કર્યો હતો. આ માટે તેણે કહ્યું કે ટીમ પસંદ કરતા પહેલા તેનો અભિપ્રાય લેવામાં આવ્યો નથી. 36 વર્ષીય નબી 2013 થી 2015 વચ્ચે ટીમનો કેપ્ટન પણ રહી ચૂક્યો છે.
રવિવારે શરૂ થનાર ટી20 વર્લ્ડકપ પહેલા તેણે મીડિયા સમક્ષ કોન્ફરન્સ કોલમાં કહ્યું હતું કે, ‘કેપ્ટનશિપ ખૂબ જ મુશ્કેલ જવાબદારી છે. હું મારા શ્રેષ્ઠ પ્રયાસ કરીશ કે ટીમ ટૂર્નામેન્ટમાં સારું રમે. હું કેપ્ટન તરીકે રમવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. અફઘાનિસ્તાનની ટીમની પ્રથમ મેચ 25 ઓક્ટોબરે પહેલા તબક્કાની ક્વોલીફાયર ટીમ સામે રમવાનુ છે. તે ને ગ્રુપ બેમાં ભારત, પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ અને એક ક્વોલિફાયર સાથે રાખવામાં આવ્યા છે.
અફઘાનિસ્તાનમાં તાલિબાનો સત્તા પર આવ્યા હોવા છતાં ટીમે ટી20 વર્લ્ડ કપમાં સ્થાન મેળવ્યું છે. અમેરિકન દળોને પાછો ખેંચી લીધા પછી, અફઘાનિસ્તાનમાં ખૂબજ લોહી વહ્યુ અને હિંસા થઈ. નબી એ આ મુદ્દે બોલવાનો ઇનકાર કર્યો અને માત્ર વિઝા સમસ્યાઓનો ઉલ્લેખ કર્યો.
તેણે કહ્યું, ટીમ છેલ્લા દોઢેક મહિનાથી તૈયારી કરી રહી છે. વિઝા બાબતમાં કેટલીક સમસ્યાઓ હતી, જેના કારણે ખેલાડીઓ યુએઈમાં વહેલા ન આવી શક્યા. તેઓ કતારમાં પ્રેક્ટિસ કરી રહ્યા હતા. આપને જણાવી દઈએ કે પૂર્વ ઝિમ્બાબ્વે ક્રિકેટર અને ઈંગ્લેન્ડના કોચ એન્ડી ફ્લાવર અફઘાનિસ્તાન માટે બેટિંગ સલાહકાર હશે, જ્યારે દક્ષિણ આફ્રિકાના લાન્સ ક્લુસનર મુખ્ય કોચ અને ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઝડપી બોલર શોન ટેટ બોલિંગ કોચ હશે.
મોહમ્મદ નબી (કેપ્ટન), હઝરતુલ્લાહ ઝઝઈ, ઉસ્માન ગની, મોહમ્મદ શહઝાદ, રહેમાનુલ્લાહ ગુરબાઝ, હશમતુલ્લાહ શાહિદી, અસગર અફઘાન, ગુલબદીન નાયબ, નજીબુલ્લાહ ઝાદરાન, કરીમ જન્નત, રશીદ ખાન, મુજીબ ઉર રહેમાન, હમીદ હસન , ફરીદ અહેમદ અને નવીન-ઉલ-હક.
Published On - 6:25 pm, Fri, 15 October 21