સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024 હાલમાં ભારતીય સ્થાનિક ક્રિકેટમાં રમાઈ રહી છે. 38 ટીમો વચ્ચે રમાઈ રહેલી આ ટુર્નામેન્ટમાં ઘણા મોટા ખેલાડીઓ રમી રહ્યા છે. ચાહકોને આ ટૂર્નામેન્ટમાં ઘણી હાઈ સ્કોરિંગ મેચ જોવા મળી રહી છે. પરંતુ અરુણાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીર વચ્ચે રમાયેલી મેચમાં તેનાથી વિપરીત જોવા મળ્યું હતું. આ મેચમાં બંને ટીમો એકસાથે 20 ઓવર પણ રમી શકી ન હતી, જે દરમિયાન સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની સૌથી મોટી જીતનો રેકોર્ડ પણ તૂટી ગયો હતો.
અરુણાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરની ટીમો વચ્ચેની આ મેચ શરદ પવાર ક્રિકેટ એકેડમી BKC, મુંબઈમાં રમાઈ હતી. આ મેચમાં જમ્મુ-કાશ્મીરની ટીમે 10 વિકેટે જીત મેળવી હતી. આ મેચમાં અરુણાચલ પ્રદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો જે સંપૂર્ણપણે ખોટો સાબિત થયો હતો. આ દરમિયાન અરુણાચલ પ્રદેશની ટીમ માત્ર 9.1 ઓવર જ રમી શકી અને 32 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. તમને જણાવી દઈએ કે, આ ઈનિંગ દરમિયાન અરુણાચલ પ્રદેશની ટીમનો કોઈ પણ બેટ્સમેન ડબલ ફિગરને સ્પર્શી શક્યો નહોતો. આ ઈનિંગમાં અભિષેક પૂજારીએ સૌથી વધુ 5 અણનમ રન બનાવ્યા હતા. જ્યારે જમ્મુ-કાશ્મીર તરફથી આબિદ મુશ્તાકે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી.
આ મેચમાં અરુણાચલ પ્રદેશે પણ શરમજનક રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીના ઈતિહાસમાં આ બીજો સૌથી ઓછો સ્કોર છે. આ પહેલા વર્ષ 2009માં ત્રિપુરાની ટીમ ઝારખંડ સામે માત્ર 30 રનમાં પડી ગઈ હતી. એટલે કે અરુણાચલ પ્રદેશની ટીમ આ રેકોર્ડ તોડવામાંથી બચી ગઈ. આ બે ટીમો સિવાય આ ટૂર્નામેન્ટમાં અન્ય કોઈ ટીમ 40 રનથી ઓછા સ્કોર પર ઓલઆઉટ થઈ નથી.
અરુણાચલ પ્રદેશના આ ખરાબ પ્રદર્શનને કારણે જમ્મુ-કાશ્મીરને આ મેચ જીતવા માટે માત્ર 33 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જમ્મુ-કાશ્મીરે નાના ટાર્ગેટનો પીછો કરવામાં વધુ સમય ન લીધો અને માત્ર 3 ઓવરમાં જ મેચ પૂરી કરી દીધી. આ દરમિયાન યુદ્ધવીર સિંહે 11 બોલમાં અણનમ 21 રન બનાવ્યા હતા. જ્યારે કામરાન ઈકબાલ 10 રન બનાવીને અણનમ રહ્યો હતો. એટલે કે જમ્મુ અને કાશ્મીરની ટીમે 102 બોલ બાકી રહેતા આ મેચ જીતી લીધી, જે બોલની દ્રષ્ટિએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની સૌથી મોટી જીત છે. અગાઉ વર્ષ 2009માં ઝારખંડે ત્રિપુરાને 100 બોલ બાકી રાખીને હરાવ્યું હતું.
આ પણ વાંચો: Video: શોટ માર્યાના 2 સેકન્ડ બાદ બેટ્સમેન ક્લીન બોલ્ડ ! ક્રિકેટના મેદાનમાં આવું ક્યારેય નહીં જોયું હોય
Published On - 6:19 pm, Wed, 27 November 24