વર્લ્ડ કપ 2023 (World Cup 2023) માં રવિવારે ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામેની મેચથી ટીમ ઈન્ડિયા પોતાના અભિયાનની શરૂઆત કરશે. ટીમ ઈન્ડિયા (Team India) હાલમાં જ સમાપ્ત થયેલી વનડે સીરિઝમાં ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવી જોરદાર ફોર્મમાં છે. છતાં ભારતના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma)નું ટેન્શન ઓછું થયું નથી.
આ સિરીઝમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડી ન હતા ત્યારે ટીમ ઈન્ડિયાએ આ અદ્ભુત કામ કર્યું હતું. બંનેને પ્રથમ બે મેચમાં આરામ આપવામાં આવ્યો હતો. કેએલ રાહુલ ટીમનો કેપ્ટન હતો. જોકે, હવે નવી ટૂર્નામેન્ટ છે અને ટીમ ઈન્ડિયા જીતના જોશ સાથે મેદાનમાં ઉતરશે. આ મેચ માટે કેપ્ટન રોહિત શર્માનું સૌથી મોટું ટેન્શન એ રહેશે કે તેણે પ્લેઈંગ 11માં કયા ખેલાડીઓને સામેલ કરવા જોઈએ અને કોને બહાર રાખવા જોઈએ.
જો રોહિત ત્રણ સ્પિનરો અને બે ઝડપી બોલરોના કોમ્બિનેશન સાથે આ મેચમાં પ્રવેશ કરે છે તો અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમીને બહાર બેસવું પડી શકે છે. સ્પિનરોમાં આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવ રમી શકે છે. જ્યારે મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહ ટીમના બે ઝડપી બોલર બની શકે છે. અશ્વિનનું રમવું નિશ્ચિત માનવામાં આવે છે, કારણ કે તેણે શુક્રવારે જોરશોરથી પ્રેક્ટિસ કરી હતી. તેણે નેટ્સમાં પણ બેટિંગ કરી હતી. આ સિવાય ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથ સામે પણ તેનો રેકોર્ડ શાનદાર રહ્યો છે.
આ મેચ પહેલા કુલદીપ રોહિતનું ટેન્શન વધારતો હશે. વાસ્તવમાં, જો કુલદીપ મેદાન પર આવે છે તો રોહિતની અપેક્ષાઓ પર ખરું ઉતરવું પડશે. જો શમી જેવા ફાસ્ટ બોલરની જગ્યાએ કુલદીપને ટીમમાં જગ્યા મળશે, તો આવી સ્થિતિમાં જો કુલદીપનું પ્રદર્શન સારું નહીં રહે તો રોહિતની ટીમ સિલેક્શન પર સવાલો ઉભા થશે. સવાલ પૂછવામાં આવશે કે તમે શમી જેવા અનુભવી બોલરને ટીમની બહાર કેમ રાખ્યો? સાથે જ જો કુલદીપ યાદવને ટીમમાં સામેલ નહીં કરવામાં આવે તો પણ રોહિત સામે સવાલો ઉઠશે. કારણ કે કુલદીપે તાજેતરની મેચોમાં જોરદાર પ્રદર્શન કર્યું છે. એશિયા કપમાં 9 વિકેટ ઝડપી કુલદીપ મેન ઓફ ધ સિરીઝ બન્યો હતો.
આ પણ વાંચો : Breaking News : એશિયન ગેમ્સ 2023 : ભારતે મેડલની સદી ફટકારી, કબડ્ડી-તીરંદાજીમાં જીત્યો ગોલ્ડ
રોહિતના મનમાં માત્ર બોલરો વિશે જ નહીં પરંતુ બેટ્સમેનોને લઈને પણ અનેક પ્રકારના સવાલો આવતા હશે. શ્રેયસ અય્યર કે સૂર્યકમાર યાદવ વચ્ચે કોને તક આપવી જોઈએ? શ્રેયસ અય્યરે ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં સદી ફટકારી હતી. ઈજા બાદ તેણે જોરદાર વાપસી કરી છે. આવી સ્થિતિમાં રોહિત તેને બહાર બેસાડવું મુશ્કેલ છે. હવે સૌથી મોટો સવાલ સૂર્યકુમાર યાદવને લઈને છે. સૂર્યકુમારે ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં બે અડધી સદી ફટકારી હતી. ટીમ ઈન્ડિયાની જીતમાં તેની ઈનિંગ્સનો મહત્વનો ફાળો હતો.
સૂર્યકુમાર યાદવે બે અલગ-અલગ સેશનમાં બેટિંગની પ્રેક્ટિસ કરી અને આ દરમિયાન તેણે T20 સ્ટાઈલમાં નિર્ભયતાથી બેટિંગ કરી. આ દરમિયાન ભારતીય કેપ્ટન રોહિત શર્મા નેટમાં પ્રેક્ટિસ કરી રહેલા ખેલાડીઓ પર ચાંપતી નજર રાખી રહ્યો હતો. સૂર્યકુમારે નેટ સેશનમાં તેના T20 ફોર્મેટના શોટ્સ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટ કીપર), વિરાટ કોહલી, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર/સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, કુલદીપ યાદવ/મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ.