
ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કરે 2027ના ODI વર્લ્ડ કપની તૈયારીને લઈને BCCIને મહત્વની સલાહ આપી છે. ગાવસ્કરનું માનવું છે કે ભારતીય મેદાનો પર બાઉન્ડ્રીનું કદ વધારવું જોઈએ. તેમના મતે, જો ભારતીય બેટ્સમેનોને મોટી બાઉન્ડ્રી પર રમવાની આદત પડશે તો વિદેશી પરિસ્થિતિમાં પણ તેઓ વધુ સારી રીતે રમી શકશે.
ગાવસ્કરે પોતાની કોલમમાં કહ્યું કે નવી સિઝન શરૂ થાય ત્યારે ભારતીય મેદાનોની બાઉન્ડ્રી વધારવી જોઈએ. તેમના મતે, મોટાભાગના સ્ટેડિયમમાં બાઉન્ડ્રી પાછળ પૂરતી જગ્યા હોય છે, જેનો ઉપયોગ મેદાનનું કદ વધારવા માટે કરી શકાય છે. મોટી બાઉન્ડ્રીથી બેટ્સમેનોને હવામાં શોટ રમતા પહેલાં વિચારવું પડશે અને લાંબા છગ્ગા ફટકારવાની ક્ષમતા પણ વિકસશે.
ગાવસ્કરે ભારતીય બેટ્સમેનોને ODI ક્રિકેટમાં વધુ સ્માર્ટ અભિગમ અપનાવવાની સલાહ પણ આપી છે. તેમણે કહ્યું કે વર્લ્ડ કપ જેવી મોટી ટૂર્નામેન્ટમાં દરેક બોલરને નિશાન બનાવવાની જરૂર નથી. જે બોલર સામે રન બનાવવા મુશ્કેલ હોય તેની સામે સાવચેતી રાખવી જોઈએ અને જે બોલર સામે તક મળે તેની સામે ઝડપથી રન બનાવવા જોઈએ. ગાવસ્કરના મતે, કોઈપણ ટીમમાં પાંચેય બોલર સતત દબાણ બનાવે તે જરૂરી નથી.
Get the boundary sizes increased – Sunil Gavaskar urges BCCI
He said:
It’s absolutely imperative, when the new Indian season begins, to get the boundary sizes increased so that our batters get used to that before the World Cup next year. At virtually every ground, there is… pic.twitter.com/lmUPgW7qGq
— Cricket Hub (@Anurag9793) July 27, 2026
ટીમ ઈન્ડિયા તાજેતરમાં ઈંગ્લેન્ડ સામેની ત્રણ મેચની ODI શ્રેણી 1-2થી હારી હતી. આ પરાજય બાદ ભારતીય ટીમની બેટિંગ અને રણનીતિ પર પણ સવાલો ઉઠ્યા હતા. હવે ટીમ ઈન્ડિયા આગામી સમયમાં વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકા સામે ત્રણ-ત્રણ ODI રમશે. ત્યારબાદ ન્યૂઝીલેન્ડ સામે પાંચ મેચની ODI શ્રેણી પણ રમાશે.
2027ના વર્લ્ડ કપ પહેલાં ભારતીય ટીમ પાસે પોતાની તૈયારીઓને મજબૂત કરવાનો પૂરતો સમય છે. ટીમ એશિયા કપમાં પણ ભાગ લેશે અને આ દરમિયાન ખેલાડીઓને વિવિધ પરિસ્થિતિમાં રમવાની તક મળશે. ગાવસ્કરની બાઉન્ડ્રી વધારવાની સલાહનો હેતુ ભારતીય બેટ્સમેનોને દક્ષિણ આફ્રિકા જેવી મોટી બાઉન્ડ્રીવાળા મેદાનો માટે તૈયાર કરવાનો છે. હવે જોવાનું રહેશે કે BCCI આ સૂચનને અમલમાં મૂકે છે કે નહીં.