IPL ઓકશનમાં જેને કોઈએ ના ખરીદ્યો તેને અચાનક T20 વર્લ્ડ કપ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો

2026 માં T20 વર્લ્ડ કપ યોજવાનો છે, જેમાં ભારત સહિત ટોપની ટીમો ભાગ લેશે. તમામ ટીમોએ વર્લ્ડ કપ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે. જોકે વર્લ્ડ કપ માટેની રણનીતિમાં એક ટીમે અચાનક તેનો કેપ્ટન જ બદલી નાખ્યો છે. ખાસ વાત એ છે કે જેને IPL ઓકશનમાં કોઈએ ના ખરીદ્યો તેને T20 વર્લ્ડ કપ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

IPL ઓકશનમાં જેને કોઈએ ના ખરીદ્યો તેને અચાનક T20 વર્લ્ડ કપ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો
Dasun Shanaka
Image Credit source: PTI
| Updated on: Dec 19, 2025 | 7:27 PM

T20 વર્લ્ડ કપ 2026 ને 50 દિવસથી પણ ઓછો સમય બાકી છે, પરંતુ કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો પહેલાથી જ થઈ રહ્યા છે. પહેલીવાર વર્લ્ડ કપમાં ભાગ લઈ રહેલા ઈટાલીએ તેના કેપ્ટન જો બર્ન્સને ડ્રોપ કરીને નવા કેપ્ટનની નિમણૂક કરી છે. ભૂતપૂર્વ ચેમ્પિયન શ્રીલંકાએ પણ એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા અચાનક ટીમના કેપ્ટનને બદલી નાખ્યો છે. લગભગ અઢી વર્ષ પહેલા શ્રીલંકાના કેપ્ટનશીપમાંથી દૂર કરાયેલા સ્ટાર ઓલરાઉન્ડર દાસુન શનાકાને ટીમના કેપ્ટન તરીકે ફરીથી નિયુક્ત કરવામાં આવ્યો છે.

દાસુન શાનાકા શ્રીલંકાનો કેપ્ટન બન્યો

2026નો T20 વર્લ્ડ કપ ભારત અને શ્રીલંકામાં 7 ફેબ્રુઆરીથી શરૂ થશે. જોકે, તેના થોડા સમય પહેલા જ શ્રીલંકા ક્રિકેટે પોતાના કેપ્ટનને બદલવાનો નિર્ણય લીધો છે. 19 ડિસેમ્બરે, બોર્ડે વર્લ્ડ કપ માટે 25 સંભવિત ખેલાડીઓની યાદી જાહેર કરી હતી અને અનુભવી ઓલરાઉન્ડર દાસુન શનાકાને કેપ્ટન બનાવવામાં આવ્યા હતા. શનાકા ચારિથ અસલંકાના સ્થાને છે, જેમને શ્રીલંકા બોર્ડ દ્વારા અચાનક હટાવી દેવામાં આવ્યો છે. શનાકાએ તાજેતરમાં IPL મીની ઓકશનમાં પણ ભાગ લીધો હતો, જ્યાં તેને કોઈ ટીમે ખરીદ્યો ના હતો.

ચરિથ અસલંકાનાને કેપ્ટન પદેથી હટાવાયો

શ્રીલંકાના મુખ્ય પસંદગીકાર તરીકે પાછા ફરેલા પ્રમોદય વિક્રમસિંઘેએ આ નિર્ણયનું કારણ ચરિથ અસલંકાના ખરાબ ફોર્મને ગણાવ્યું અને કહ્યું કે ત્રણ વર્લ્ડ કપમાં શનાકાના અનુભવને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે અસલંકા ટીમનો ભાગ રહેશે અને આશા વ્યક્ત કરી કે તે ટૂંક સમયમાં ફોર્મમાં પાછો ફરશે અને કેપ્ટનશિપના દબાણથી મુક્ત થઈને મજબૂત પ્રદર્શન કરશે. અસલંકાને 2024 માં કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો અને તાજેતરમાં પાકિસ્તાન પ્રવાસ પર ટીમનું નેતૃત્વ કર્યું હતું.

 

કેપ્ટન બદલવાનું સારું કારણ શું?

જોકે, અસલંકાના હાથમાંથી ટીમની કેપ્ટનશીપ જશે એ લગભગ નિશ્ચિત હતું, અને તેનું વાસ્તવિક કારણ પાકિસ્તાન પ્રવાસ દરમિયાન ટીમ છોડવાનો તેનો અચાનક નિર્ણય હતો. નવેમ્બરમાં, પાકિસ્તાનમાં ODI શ્રેણી દરમિયાન ઇસ્લામાબાદમાં આત્મઘાતી હુમલો થયો હતો, ત્યારબાદ અસલંકાના નેતૃત્વમાં શ્રીલંકાના ખેલાડીઓએ સ્વદેશ પાછા ફરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જોકે, શ્રીલંકન બોર્ડે ખેલાડીઓને કડક ચેતવણી આપી હતી કે તેઓ ત્યાં જ રહે અને શ્રેણી પૂર્ણ કરે. આ પછી, અસલંકાને ત્રણ દેશોની T20 શ્રેણીમાંથી બહાર કરવામાં આવ્યો હતો, અને શનાકાને કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાનો કોચ નહીં પણ મેનેજર છે, કપિલ દેવે આવું કેમ કહ્યું?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો