
ટી-20 વર્લ્ડ કપમાં એકથી એક રોમાંચક મેચ જોવા મળી રહી છે. આજે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર પાકિસ્તાનની ક્રિકેટ ટીમ સાથે કઈ એવુ થયુ જેની આશા કોઈને ન હતી. ટી-20 વર્લ્ડ કપના સુપર 12 રાઉન્ડમાં સાઉથ આફ્રિકાની વિરુદ્ઘ પાકિસ્તાનનો ટોપ ઓર્ડર અસફળ રહ્યો હતો. પાકિસ્તાનની ટીમના મિડલ ઓર્ડરના સહારે તેઓ સારા સ્કોર સુધી પહોંચી શકયા હતા. ઈફ્તિખાર અહમદ અને શાદાબ ખાનની તાબડતોડ ફિફટી બાદ સાઉથ આફ્રિકની ટીમે હેટ્રિક લઈને મેચમાં વાપસી કરી હતી.
ઈફ્તિખાર અહમદ અને શાદાબ ખાનની તાબરતોડ બેંટિગને કારણે લાગી રહ્યુ હતુ કે પાકિસ્તાનની ટીમ 200 રન બનાવી દેશે પણ 19મી ઓવરના અંતમાં અને 20મી ઓવરની શરુઆતમાં સાઉથ આફ્રિકાએ જોરદાર વાપસી કરી હતી. પાકિસ્તાનની 3 વિકેટ લઈને સાઉથ આફ્રિકા એ હેટ્રિક લીધી હતી. તેનો વીડિયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ટીમની હેટ્રિકની શરુઆત 19મી ઓવરના પાંચમા બોલથી શરૂ થઈ હતી. શાદાબ ખાન, બોલર નોરખિયાના બોલ પર આઉટ થયો હતો. તેના શોર્ટ બોલ પર શાદાબે મિડવિકેટ પર શોટ રમ્યો, પરંતુ ત્યાં ઉભેલા ટ્રિસ્ટન સ્ટબ્સે બોલને કેચ કર્યો. શાદાબ બાદ મોહમ્મદ વસીમ બીજા જ બોલ પર આઉટ થયો હતો. આ વખતે બાવુમાએ મિડ-ઓફમાં નોરખિયાનો કેચ લીધો હતો. આ પછી રબાડાએ 20મી ઓવરના પહેલા બોલ પર ઈફ્તિખાર અહેમદને આઉટ કર્યો હતો. ઇફ્તિખારે લોંગ ઓન પર શોટ રમ્યો અને બોલ લગભગ સિક્સર માટે જતો રહ્યો હતો, પરંતુ બાઉન્ડ્રી લાઇન પર ઊભેલા રિલે રુસોએ અદ્ભુત કેચ લઈને ટીમની હેટ્રિક પૂરી કરી.
ઇફ્તિખાર અહેમદ અને શાદાબ ખાને સિડનીમાં શાનદાર બેટિંગ કરી હતી. બંનેએ પાકિસ્તાનની ટીમને મુશ્કેલીમાંથી ન માત્ર બચાવી, પરંતુ તેને 185 રનના સર્વશ્રેષ્ઠ સ્કોર સુધી પહોંચાડી. ઈફ્તિખાર અને શાદાબે 36 બોલમાં 82 રનની ભાગીદારી કરી હતી. શાદાબ ખાને 20 બોલમાં અડધી સદી ફટકારી હતી, જ્યારે ઈફ્તિખારે પણ 33 બોલમાં અડધી સદી ફટકારી હતી. આજની મેચમાં પાકિસ્તાનની ટીમે સાઉથ આફ્રિકા વિરુદ્ધ 33 રનથી શાનદાર જીત મેળવી છે.