
શિખર ધવન છેલ્લા કેટલાક મહિનાઓથી તેની ગર્લફ્રેન્ડ સોફી શાઈન સાથે રિલેશનશિપને લઈને સતત ચર્ચામાં છે. તાજેતરમાં જ બંનેએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા પોતાના સંબંધોની સત્તાવાર જાહેરાત કરી હતી. સોફીએ ધવન સાથેનો ફોટો પોસ્ટ કર્યો હતો અને તેને પોતાનો ‘પ્રેમી’ કહ્યો હતો. આ સાથે એ વાતની પુષ્ટિ થઈ ગઈ કે સોફી ધવનની નવી ગર્લફ્રેન્ડ છે. નવી ગર્લફ્રેન્ડ મળ્યા પછી, તેણે હવે કરોડોનું વૈભવી ઘર પણ ખરીદ્યું છે.
રિયલ એસ્ટેટ ડેટા એનાલિટિક્સ ફર્મ CRE મેટ્રિક્સ અનુસાર, ધવને 4 ફેબ્રુઆરી, 2025ના રોજ આ સોદો કર્યો હતો. ફર્મના રિપોર્ટ અનુસાર, આ એપાર્ટમેન્ટ 6040 ચોરસ ફૂટમાં ફેલાયેલું છે, અને તેની કિંમત લગભગ 65.61 કરોડ રૂપિયા છે. જ્યારે આના પર સ્ટેમ્પ ડ્યુટી તરીકે 3.28 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. આનો અર્થ એ થયો કે ધવનને આ એપાર્ટમેન્ટ માટે લગભગ 69 કરોડ રૂપિયા ચૂકવવા પડ્યા. ગયા વર્ષે ઓગસ્ટમાં, DLFએ હરિયાણાના ગુરુગ્રામમાં DLF ફેઝ 5 ખાતે 17 એકરનો સુપર લક્ઝરી હાઉસિંગ પ્રોજેક્ટ ‘ધ દહલિયાસ’ શરૂ કર્યો હતો. તેમાં 420 એપાર્ટમેન્ટ અને પેન્ટહાઉસનો સમાવેશ થાય છે.
શિખર અને સોફી વર્ષ 2025ની શરૂઆતમાં દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફી મેચ દરમિયાન સાથે જોવા મળ્યા હતા. આ પછી બંને ઘણી વખત સાથે જોવા મળ્યા હતા. ધવન અને સોફી એક લગ્નમાં અને એક મીડિયા કોન્ક્લેવમાં પણ સાથે જોવા મળ્યા હતા, જ્યાં ધવને સંકેત આપ્યો હતો કે તેને ફરીથી પ્રેમ મળી ગયો છે. પછી મે 2025માં, બંનેએ સોશિયલ મીડિયા પર એકબીજાને ડેટ કરવાનું સ્વીકાર્યું. આ સંબંધની જાણ થતા જ હવે નવા ઘરના સમાચાર સામે આવ્યા છે.
સોફી શાઈન મૂળ આયર્લેન્ડની છે. અહેવાલો અનુસાર, સોફીએ કેસલરોય કોલેજમાંથી અભ્યાસ કર્યો છે. તેણીએ લિમેરિક ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી માર્કેટિંગ અને મેનેજમેન્ટમાં ડિગ્રી મેળવી છે અને પ્રોડક્ટ કન્સલ્ટન્ટ તરીકે કામ કરે છે. તે હાલમાં અબુ ધાબી સ્થિત નોર્ધન ટ્રસ્ટ કોર્પોરેશનમાં વાઈસ પ્રેસિડન્ટ તરીકે કામ કરે છે.
ધવનના પહેલા લગ્ન આયેશા મુખર્જી સાથે થયા હતા. 11 વર્ષના લગ્નજીવન પછી, ઓક્ટોબર 2023માં બંનેના છૂટાછેડા થઈ ગયા. દિલ્હીની એક કોર્ટે ધવનને છૂટાછેડા આપતી વખતે કહ્યું હતું કે તે તેની ભૂતપૂર્વ પત્નીને કારણે માનસિક તકલીફનો સામનો કરી રહ્યો હતો. ધવને ખુલાસો કર્યો હતો કે તેને વર્ષોથી તેના દીકરા જોરાવરથી દૂર રાખવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: IPL 2025 દરમિયાન એમએસ ધોનીએ 5 રૂપિયાનું આ ફળ ખાધું, તેને કોઈ ઈજા થઈ નહીં
Published On - 7:00 pm, Wed, 21 May 25