ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે T20 સિરીઝ રમાઈ રહી છે. પાંચ મેચની બીજી મેચ આજે શનિવારે ત્રિનિદાદમાં રમાનારી છે. પ્રથમ મેચમાં ભારતીય ટીમ માત્ર 4 રનના નજીવા અંતરથી હાર સહન કરી હતી. ભારતીય બેટરો પીચ પર પગ નહીં જમાવી રાખવાને લઈ અંતમાં હારનો સામનો કરવો પડ્યો હતો. સિરીઝમાં ભારતીય ટીમનુ સુકાન સંભાળી રહેલા હાર્દિક પંડ્યાએ મેચમાં હાર બાદ કબૂલ્યુ હતુ કે, વિકેટો સમયાંતરે ગુમાવવાને લઈ મેચ ગુમાવવી પડી હતી. ભારતીય ટીમ હાલમાં આગામી ટૂર્નામેન્ટને લઈ તૈયારીઓ કરી રહી છે, ત્યારે આ પ્રકારની રમત અનેક સવાલો ખામી સુધારવા માટે કરે છે.
જોકે હવે બીજી મેચમાં અંતિમ ઈલેવનનુ સમીકરણ કેવુ હશે એના વિશે ચર્ચાઓ ખૂબ થઈ રહી છે. એશિયા કપ અને વિશ્વકપને લઈ તૈયારીઓ હાલમાં ટીમ ઈન્ડિયા કરી રહી છે. આ માટે વર્તમાનમાં પ્રયોગ પણ કરવામાં આવી રહ્યા છે. આવામાં આગામી મહત્વની ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમની અંતિમ 15 માં હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજા સાથે ત્રીજો ઓલરાઉન્ડર ખેલાડી કોણ હશે એ પણ એક સવાલ થઈ રહ્યો છે. શાર્દૂલ ઠાકુર અને અક્ષર પટેલ એમ બે મજબૂત દાવેદારો ત્રીજા ઓલરાઉન્ડરના સ્થાન માટે છે.
હાર્દિક પંડ્યા મીડિયમ પેસ બોલિંગ કરે છે અને ઉપયોગી બેટિંગ કરે છે. આવી જ રીતે રવિન્દ્ર જાડેજા લેફ્ટ આર્મ સ્પિન કરવા સાથે રન નિકાળવા માટે ઉપયોગી બેટિંગ કરે છે. હવે સવાલ ત્રીજા ઓલરાઉન્ડરનો છે. અક્ષર પટેલ અને શાર્દૂલ ઠાકુર બેમાંથી એકને જ અંતિમ 15ની ટીમમાં સામેલ થવાનો મોકો મળી શકે એમ છે.
અક્ષર પટેલ પણ ઉપયોગી બેટિંગ કરે છે અને સાથે જ લેફ્ટ આર્મ સ્પિન બોલિંગ કરે છે. તે ડાબોડી બેટર છે. જ્યારે શાર્દૂલ ઠાકુર નિચલા ક્રમે બેટિંગ કરવા ઉપરાંત હાર્દિકની જેમ મીડિયમ પેસર બોલિંગ કરે છે.
સ્પિન બોલિંગ કરતા અક્ષર પટેલના આંકડાઓ જોવામાં આવે તો, તે અત્યાર સુધીમાં 52 વનડે મેચ રમી ચુક્યો છે. જેમાં તેણે 58 વિકેટ ઝડપી છે. ઈકોનોમી રેટ 4.51 છે અને 32 ઈનીંગમાં 102 ની સ્ટ્રાઈક રેટથી 413 રન 2 અડધી સહિત નોંધાવ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં 41 T20 મેચ રમ્યો છે અને 37 વિકેટ ઝડપી છે. તેનો ઈકોનોમી રેટ 7.53નો રહ્યો છે. જ્યારે 26 ઈનીંગમાં 301 રન નોંધાવ્યા છે. આ દરમિયાન એક અડધી સદી નોંધાવી છે.
શાર્દૂલ ઠાકુરની વાત કરવામાં આવે તો 38 વનડે મેચમાં 58 વિકેટ ઝડપી છે, જ્યારે T20માં 25 મેચ રમીને 33 વિકેટ ઝડપી છે. જોકે T20માં ઈકોનોમી 9.15 છે અને વનડેમાં 6.16 ની રહી છે. બેટિંગમાં વનડેમાં 23 ઈનીંગ રમીને 315 રન નોંધાવ્યા છે. જેમાં એક અડધી સામેલ છે. જ્યારે T20માં 6 ઈનીંગમાં 69 રન નોંધાવ્યા છે. આમ વિકેટની રીતે જોવામાં આવે તો અક્ષર કરતા ઓછી મેચમાં શાર્દૂલે વિકેટ ઝડપી છે.
ભારતીય ટીમ ત્રણ સ્પિનરો સાથે જ આમ પણ ઉતરે એવી સંભાવાના વધારે છે. જાડેજા ઉપરાંત યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવ આ જોડી પણ અંતિમ ઈલેવનમાં સામેલ હશે. આમ આવી સ્થિતિમાં વધુ એક સ્પિનરને બદલે મીડિયમ પેસરને ઉતારે એવી શક્યતાઓ વધારે જોવાઈ રહી છે. કારણ કે ટીમમાં ચોથો સ્પિનર ઉતારવામાં આવે એવી સંભાવનાઓ ઓછી છે. આમ ભારતીય ટીમના અંતિમ 15 માં અક્ષર પટેલ કરતા શાર્દૂલ ઠાકુરનો દાવો આગામી એશિયા કપ અને વિશ્વ કપ માટે વધારે લાગી રહ્યો છે.
Published On - 9:29 am, Sat, 5 August 23