વારાણસી (Varanasi) માટે આજનો દિવસ ઐતિહાસિક છે. 23મી સપ્ટેમ્બરની તારીખ ખૂબ જ ખાસ છે. ત્યાંના લોકો અને ક્રિકેટ ચાહકો આ દિવસને ક્યારેય ભૂલી શકશે નહીં. તેનું કારણ છે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) એ 23 સપ્ટેમ્બરે વારાણસીના લોકોને એક મોટી ભેટ આપી છે. વારાણસીમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે અને આ ક્ષણના સાક્ષી બનવા માટે ઘણા મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેમાંથી મોટાભાગના ક્રિકેટ (Cricket) જગત સાથે સંકળાયેલા ચહેરાઓ છે.
BCCI પ્રમુખ રોજર બિન્ની સહિત 10 ક્રિકેટરો વારાણસીમાં બનાવવામાં આવનાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમના શિલાન્યાસના સાક્ષી બન્યા હતા. આ સિવાય BCCI સેક્રેટરી જય શાહ અને BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા પણ આ સમારોહમાં હાજર રહ્યા હતા. 1983માં વર્લ્ડ કપ જીતનાર ટીમના કેપ્ટન કપિલ દેવ, સુનીલ ગાવસ્કર, દિલીપ વેંગસરકર, મદન લાલ, રવિ શાસ્ત્રી અને ગુંડપ્પા વિશ્વનાથ આ પ્રસંગના સાક્ષી બન્યા હતા. 1983ની વિશ્વ વિજેતા ટીમના સભ્યો ઉપરાંત અન્ય ક્રિકેટરોને સામેલ કરવામાં આવ્યા હતા, જેમાં સચિન તેંડુલકર, કરસન ઘાવરી અને ગોપાલ શર્મા જેવા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરોનો સમાવેશ થાય છે.
મુંબઈથી ચાર દિગ્ગજ ક્રિકેટરો એકસાથે એક જ ફ્લાઇટમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમના શિલાન્યાસના સાક્ષી બનવા વારાણસી પહોંચ્યા હતા. રવિ શાસ્ત્રીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી, જે ફોટોમાં રવિ શાસ્ત્રીની સાથે સચિન તેંડુલકર, સુનીલ ગાવસ્કર અને દિલીપ વેંગસરકર વારાણસીની ફ્લાઈટમાં સાથે જોવા મળ્યા હતા. આ ચારેય ક્રિકેટરો મુંબઈના છે. તેવી જ રીતે અન્ય રાજ્યના ક્રિકેટરો પણ વારાણસી પહોંચ્યા હતા.
આ પણ વાંચો : સચિન-કપિલ દેવ-ગાવસ્કર સહિત દિગ્ગજ ક્રિકેટરોએ કાશી વિશ્વનાથ મંદિરમાં કરી પૂજા, જુઓ Video
ભગવાન શિવ થીમ પર બનવા જઈ રહેલ આ ક્રિકેટ સ્ટેડિયમ 30 એકરમાં બનવાનું છે. તેને બનાવવામાં રૂ. 450 કરોડનો ખર્ચ થશે, જેમાંથી રૂ. 330 કરોડ BCCI જ્યારે રૂ. 120 કરોડ યુપી સરકારના હશે. સ્ટેડિયમના નિર્માણ બાદ અહીં આંતરરાષ્ટ્રીય મેચો સિવાય IPLની મેચો પણ રમાશે.