
જ્યારથી રોહિત શર્મા કેપ્ટન બન્યો છે ત્યારથી ટીમ ઈન્ડિયામાં એક અલગ જ ઉર્જા જોવા મળી રહી છે. તમામ ખેલાડીઓ ખૂબ જ શાનદાર દેખાઈ રહ્યા છે. મેચ દરમિયાન પણ ખેલાડીઓ મજાક કરતા રહે છે. કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) પોતે મેચમાં પોતાના સાથી ખેલાડીઓને એવી વાતો કહે છે જે ચર્ચા બની જાય છે. આવું જ કંઈક વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ T20 મેચ દરમિયાન થયું (India Vs West Indies, 1st T20I). રોહિત શર્માએ ફરી એકવાર લાઈવ મેચ દરમિયાન લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલને ટ્રોલ કર્યો છે. રોહિત શર્માએ યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) ને દાંત નહી બતાવવા કહ્યું હતુ. રોહિત શર્માનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને ફેન્સ તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. હવે સવાલ એ છે કે કેપ્ટને યુઝવેન્દ્રને આવું કેમ કહ્યું?
યુઝવેન્દ્ર ચહલ વેસ્ટ ઈન્ડિઝની ઈનિંગની 15મી ઓવર કરી રહ્યો હતો. પહેલા જ બોલ પર ચહલે પોલાર્ડને તેની સ્પિનથી પરેશાન કરી નાખ્યો હતો. પોલાર્ડને રન મળતા તે નોન-સ્ટ્રાઈકર છેડા પર આવે છે. જ્યાં યુઝવેન્દ્ર ચહલ તેને જોઈને હસવા લાગ્યો હતો. આ પછી સ્લિપમાં ઉભેલા કેપ્ટન રોહિત શર્માએ યુઝવેન્દ્ર ચહલને ઝડપથી બોલિંગ કરવા અને દાંત ન બતાવવા કહ્યું. સ્ટમ્પ માઈક પર રોહિતની આ વાત સાંભળી અને હવે આ જ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો છે.
રોહિત શર્માએ વનડે સીરીઝ દરમિયાન પણ કંઈક આવું જ કર્યું હતું. અમદાવાદમાં રમાયેલી બીજી ODIમાં રોહિત શર્મા ફિલ્ડ સેટ કરી રહ્યો હતો અને યુઝવેન્દ્ર ચહલ ધીમે ધીમે પોતાની ફિલ્ડ પોઝીશન પર જઈ રહ્યો હતો, ત્યારબાદ રોહિત શર્માએ યુઝવેન્દ્ર ચહલને કહ્યું, ‘તને શું થયું, કેમ બરાબર નથી ચાલી રહ્યો, ચલ ઉધર ભાગ.’ રોહિત શર્માનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણી જીત્યા બાદ ભારતીય ટીમે ટી20 શ્રેણીમાં પણ જીત સાથે શરૂઆત કરી હતી. કોલકાતામાં પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરમાં 157 રન બનાવ્યા હતા જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 7 બોલ પહેલા લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ભારતની જીતમાં કેપ્ટન રોહિત શર્માએ માત્ર 19 બોલમાં 40 રન ફટકાર્યા હતા. ઈશાન કિશને પણ 35 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવે 18 બોલમાં અણનમ 34 રનની ઇનિંગ રમી હતી. વેંકટેશ અય્યરે પણ 13 બોલમાં અણનમ 24 રન બનાવ્યા હતા. T20 શ્રેણીની આગામી મેચ શુક્રવારે રમાશે.
Published On - 7:05 pm, Thu, 17 February 22