ODI વર્લ્ડ કપમાં હવે વધુ સમય બાકી નથી. આ ટૂર્નામેન્ટ ભારતમાં આ વર્ષે 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી રમવાની છે. આ વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયા ઘણા પ્રયોગો કરી રહી છે. તાજેતરમાં વેસ્ટ ઈન્ડિઝમાં રમાયેલી ODI શ્રેણીમાં પણ આ જોવા મળ્યું હતું. રોહિત શર્મા (Rohit Sharma) અને વિરાટ કોહલી (Virat Kohli) ને છેલ્લી બે ODIમાં આરામ આપવામાં આવ્યો હતો. હાલમાં ટીમ ઈન્ડિયા પાંચ મેચની T20 સીરિઝ રમી રહી છે અને રોહિત અને કોહલી આ સીરિઝમાં પણ રમી રહ્યા નથી. રોહિતે વર્લ્ડ કપ પહેલા અનુભવી ખેલાડીઓને આરામ આપવાના નિર્ણય પર વાત કરી છે
જ્યારે રોહિતને ટીમના મહત્વના ખેલાડીઓને આરામ આપવા અંગે પૂછવામાં આવ્યું તો તેણે આ અંગે ખુલીને વાત કરી. રોહિતે જણાવ્યું કે તે T20માં કેમ આરામ કરી રહ્યો છે. તમને જણાવી દઈએ કે ભારતીય ટીમ હાલમાં વેસ્ટ ઈન્ડિઝમાં 5 મેચોની T20 સીરિઝ રમી રહી છે, જેમાં પ્રથમ બે મેચમાં હાર બાદ ત્રીજી મેચમાં ભારતને જીત મળી હતી.
Rohit Sharma said, “(Ravindra) Jadeja is also not playing T20, you did not ask about him? I understand about the focus (on himself and Virat).” pic.twitter.com/3QvWN0U3sX
— CricketGully (@thecricketgully) August 11, 2023
સિનિયર ખેલાડીઓને આરામ આપવા પર રોહિતે કહ્યું કે ગયા વર્ષે પણ ટીમ ઈન્ડિયાએ આવું જ કર્યું હતું, જ્યારે T20 વર્લ્ડ કપ રમવાનો હતો ત્યારે સિનિયર ખેલાડીઓએ ODI ક્રિકેટ રમી ન હતી. રોહિતે કહ્યું કે તે આ વખતે પણ તે જ કરી રહ્યો છે અને તેથી જ તે T20 નથી રમી રહ્યો કારણ કે ODI વર્લ્ડ કપ છે. રોહિતે કહ્યું કે આ નિર્ણય બે વર્ષ પહેલા લેવામાં આવ્યો હતો. તમે બધું રમી શકતા નથી. ત્યારબાદ રોહિતે રવિન્દ્ર જાડેજાનું નામ લીધું અને કહ્યું કે જાડેજા પણ T20 નથી રમી રહ્યો, તેના વિશે કેમ સવાલો પૂછવામાં નથી આવતા અને શા માટે તમામ સવાલ મારા અને કોહલીને જ કરવામાં આવે છે.
રોહિતની કેપ્ટન્સીમાં ભારતે ગયા વર્ષે T20 વર્લ્ડ કપ રમ્યો હતો, જેમાં તેને સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારથી રોહિત અને કોહલીએ ભારત માટે T20 મેચ રમી નથી. આ દરમિયાન હાર્દિક પંડ્યાએ T20માં ટીમની કમાન સંભાળી છે. ગયા વર્ષે T20 વર્લ્ડ કપ બાદ એવા સમાચાર આવ્યા હતા કે BCCI રોહિત અને કોહલીને T20માં કાયમી આરામ આપીને પંડ્યાની કપ્તાની હેઠળ નવી ટીમ તૈયાર કરવા માંગે છે, જેનું લક્ષ્ય 2024માં યોજાનારા T20 વર્લ્ડ કપ છે. રોહિત અને કોહલીની T20 કારકિર્દી અંગે આ બંનેએ કે BCCIએ કંઈ સ્પષ્ટ કર્યું નથી.