
જ્યારે ખરાબ સમય ચાલી રહ્યો હોય ત્યારે સારામાં સારા ખેલાડીઓ પણ ફ્લોપ સાબિત થતાં હોય છે. એક વર્ષ પહેલા સુધી વિરાટ કોહલી પોતાના ખરાબ તબક્કામાં દરેક સંભવિત રીતે વિકેટ ગુમાવી રહ્યો હતો. આવું જ કંઈક મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા સાથે થઈ રહ્યું છે, જેના બેટમાંથી રન નથી બની રહ્યા. તેમજ સતત બીજી મેચમાં તે ખાતુ ખોલાવ્યા વગર જ આઉટ થઈ ગયો અને શર્મનાક રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.
આ પણ વાચો: IPL 2023 MI vs CSK: રોહિત શર્મા 0 પર આઉટ થતા ટ્વિટર પર મીમ્સનો વરસાદ
મુંબઈ ઈન્ડિયન્સ 6 મે શનિવારે ચેપોક સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે પ્રથમ બેટિંગ કરવા ઉતર્યું અને બધાને ચોંકાવી દેતા, મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ પોતે ઓપનિંગ છોડીને કેમરોન ગ્રીનને મેદાનમાં ઉતાર્યો. રોહિત સતત નિષ્ફળ રહ્યો હતો અને તેથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ આ નિર્ણય પણ કામમાં ન આવ્યો અને બંને બેટ્સમેન જલ્દી આઉટ થઈ ગયા હતા.
ગ્રીનના આઉટ થયા પછી બધાને ફરી એકવાર ત્રીજા નંબરે આવેલા રોહિત પાસેથી લાંબી ઈનિંગની આશા હતી, પરંતુ આ આશાઓ પર પાણી ફરી વળ્યું. પંજાબ કિંગ્સ સામેની છેલ્લી મેચમાં રોહિત પ્રથમ ઓવરમાં ત્રણ બોલમાં જ શૂન્ય પર આઉટ થયો હતો. ચેન્નાઈ સામે પણ આવું જ થયું. મેચની ત્રીજી ઓવરમાં રોહિત માત્ર ત્રણ જ બોલ રમ્યા બાદ ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો હતો.
આ સાથે IPLમાં સૌથી વધુ વખત 0 પર આઉટ થવાનો અનિચ્છનીય રેકોર્ડ તેના નામે નોંધાયો હતો. આટલું જ નહીં તે IPLમાં સૌથી વધુ વખત 0 પરઆઉટ થનાર કેપ્ટન પણ બની ગયો છે. રોહિત કેપ્ટન તરીકે 11મી વખત શૂન્ય પર આઉટ થયો હતો. તેણે ગૌતમ ગંભીર (10)ને પાછળ છોડી દીધો હતો.
સતત 2 ઈનિંગ્સમાં 6 બોલ રમ્યા બાદ તે એક પણ રન બનાવી શક્યો નથી. પંજાબ સામે તે ત્રીજા બોલ પર મોટો શોટ રમવા ગયો અને ડીપ કવર પર કેચ આઉટ થયો. ચેન્નાઈ સામે તે જે રીતે આઉટ થયો તે આજ રીતે આઉટ થયો હતો. ચહરના બોલ પર રોહિત વિકેટની પાછળ સ્કૂપ શોટ રમવા ગયો, પરંતુ બોલ તેના બેટ, ગ્લોવ્સ અને પછી હેલ્મેટ સાથે અથડાયો અને પોઈન્ટ ફિલ્ડરના હાથમાં કેચ આઉટ થયો.
મુંબઈના કેપ્ટન માટે આ સિઝન બિલકુલ સારી રહી નથી. અત્યાર સુધી 10 ઈનિંગ્સમાં તેના બેટમાંથી માત્ર 184 રન જ આવ્યા છે. તેની એવરેજ માત્ર 18.4 છે અને સ્ટ્રાઈક રેટ પણ 126 છે. રોહિતના બેટમાંથી માત્ર એક અડધી સદી આવી છે. આ 10 ઈનિંગ્સમાં રોહિત 8 વખત પાવરપ્લેની અંદર આઉટ થયો છે. તેણે પાવરપ્લેમાં 127ના સ્ટ્રાઈક રેટ સાથે માત્ર 138 રન બનાવ્યા છે.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…