ભારતીય વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત (Rishabh Pant) નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) માં રિહેબ પર છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં, તેની કારને અકસ્માત થયો હતો, જેમાં તે બચી ગયો હતો, પરંતુ તે ખરાબ રીતે ઘાયલ થયો હતો. તેણે સર્જરી પણ કરાવવી પડી હતી. હવે તે રિકવરીના માર્ગ પર છે અને તેની રિકવરીથી બધાને આશ્ચર્ય થયું છે.
જે બે મહિના પહેલા ક્રેચના સહારે ચાલતો હતો તે હવે નેટમાં વિકેટકીપિંગ કરવા લાગ્યો છે. તે મેદાનમાં પરત ફરવા માટે કેટલો તૈયાર છે તેના વિશે વધુ એક અપડેટ સામે આવી રહ્યું છે અને તેની અપડેટ જાણ્યા બાદ લોકો તેને અભિનંદન પણ આપી રહ્યા છે.
વાસ્તવમાં કેટલાક લોકોને એવું પણ લાગતું હતું કે રિષભ હાઈ સ્પીડ બોલનો સામનો કરી શકશે નહીં, પરંતુ તે નેટ્સમાં 140kphની સ્પીડ સામે ઉભો રહ્યો અને તે પછી તેણે જે કર્યું તે જોઈને ટ્રેનર તેના વખાણ કરી રહ્યા છે. પંત NCAમાં 140 કિમી પ્રતિ કલાકની ડિલિવરીનો સામનો કરી રહ્યો છે. તે બોલને ખૂબ સારી રીતે ફટકારી રહ્યો છે.
પંતે ગયા મહિનાથી જ થ્રોડાઉનનો સામનો કરવાનું શરૂ કર્યું હતું, પરંતુ છેલ્લા 2 અઠવાડિયાથી બોલની સ્પીડ વધારી દેવામાં આવી છે. પંતને ઝડપી બોલનો સામનો કરવામાં મુશ્કેલી નથી પડતી અને તે નાની મોટી હલનચલનથી કોઈ તકલીફ નથી થઈ રહી. તેણે વિકેટકીપિંગ પણ શરૂ કરી દીધું હતું.
રેવસ્પોર્ટ્ઝના અહેવાલ અનુસાર, NCAના એક સૂત્રનું કહેવું છે કે પંતનું આગામી લક્ષ્ય ઝડપી બોડી મુવમેન્ટ પર છે. તે જે રીતે તેની રિકવરી કરી રહ્યો છે તેનાથી બધા જ ખુશ છે. અકસ્માતમાં પંતના માથા પર ઘણા કટ થયા હતા, તેના પગમાં ફ્રેક્ચર થયું હતું, કાંડા, પગની ઘૂંટી અને અંગૂઠામાં ગંભીર ઈજા થઈ હતી. તેની પીઠ પર ઘણી ઇજાઓ હતી.