ટીમ ઈન્ડિયા ના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ના ચાહકો માટે સારા સમાચાર છે. રવિન્દ્ર જાડેજા સંપૂર્ણ રીતે ફિટ થઈ ગયો છે અને તે શ્રીલંકા સામેની આગામી શ્રેણી (Sri Lanka tour of India 2022) માં રમતા જોવા મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જાડેજા શ્રીલંકા (India Vs Sri Lanka) સામેની બે ટેસ્ટ મેચની સિરીઝ ઉપરાંત 3 મેચની T20 સિરીઝમાં પણ રમશે. જાડેજા છેલ્લે ન્યુઝીલેન્ડ વિરૂદ્ધ કાનપુર ટેસ્ટમાં રમ્યો હતો. ઇજાગ્રસ્ત જાડેજા બેંગ્લોરની નેશનલ ક્રિકેટ એકેડમીમાં હતો જ્યાં તે તેની ફિટનેસ પર કામ કરી રહ્યો હતો. હવે જાડેજા ફિટ છે અને તે લખનઉ પહોંચી ગયો છે જ્યાં શ્રીલંકા સામે ટી20 સીરીઝની પ્રથમ મેચ રમાવાની છે.
રિપોર્ટ અનુસાર આ સીરિઝમાં જાડેજાની સાથે જસપ્રીત બુમરાહ પણ વાપસી કરશે. વેસ્ટ ઈન્ડિઝ સામે ચાલી રહેલી ODI અને T20 સીરીઝ માટે બંને ખેલાડીઓની પસંદગી કરવામાં આવી ન હતી. BCCI એ જણાવ્યું હતું કે જસપ્રીત બુમરાહ, જાડેજા અને મોહમ્મદ શમીને આરામ આપવામાં આવ્યો છે. જાડેજાને ઘૂંટણમાં ઈજા થઈ હતી.
રિપોર્ટ અનુસાર, વિરાટ કોહલી શ્રીલંકા T20 સિરીઝમાં નહીં રમે. વિરાટ કોહલી શ્રેણી માટે આરામ લઈ શકે છે. જોકે, તે ટેસ્ટ શ્રેણીમાં રમવા માટે તૈયાર છે. વિરાટ કોહલી મોહાલીમાં તેની 100 મી ટેસ્ટ મેચ રમશે. જો વિરાટ પ્રથમ ટેસ્ટમાં નહીં રમે તો તેની 100 મી ટેસ્ટ બેંગ્લોરમાં રમાઈ શકે છે.
સમાચાર અનુસાર, શ્રીલંકા સામેની શ્રેણી પહેલા જ ટીમ ઈન્ડિયાના નવા ટેસ્ટ કેપ્ટનની જાહેરાત કરવામાં આવશે. એવું માનવામાં આવે છે કે રોહિત શર્મા આગામી ટેસ્ટ કેપ્ટન હશે. વિરાટ કોહલીએ પણ દક્ષિણ આફ્રિકા પ્રવાસ દરમિયાન ટેસ્ટ કેપ્ટનશીપ છોડી દીધી હતી. શ્રીલંકા સીરીઝ માટે ટીમની પસંદગી પહેલા ટેસ્ટ કેપ્ટનની પસંદગી કરવામાં આવશે અને ત્યારબાદ ટીમની સાથે નવા કેપ્ટનની જાહેરાત કરવામાં આવશે.
જણાવી દઈએ કે ભારત અને શ્રીલંકા વચ્ચે 24 ફેબ્રુઆરીથી T20 સીરિઝ શરૂ થશે. પ્રથમ મેચ લખનૌમાં રમાશે. બીજી મેચ 26 ફેબ્રુઆરીએ ધર્મશાળામાં રમાશે. 27 ફેબ્રુઆરીએ ધર્મશાળામાં જ ત્રીજી ટી-20 રમાશે. પ્રથમ ટેસ્ટ 4 માર્ચે અને બીજી ટેસ્ટ 12 માર્ચે રમાશે. પ્રથમ ટેસ્ટ મોહાલીમાં અને બીજી મેચ બેંગ્લોરમાં રમાશે.
Published On - 4:02 pm, Fri, 18 February 22