IPL 2023ની ફાઈનલ બાદ વધુ એક ફાઈનલ મુકાબલામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 7 જૂનથી લંડનના ઓવલમાં યોજાનાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઇનલમાં પણ હવામાન વિભાગ દ્વારા વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જે બાદ ફાઈનલ મેચના આયોજકોની ચિંતામાં વધારો થયો છે, સાથે જ મોટી ટુર્નામેન્ટમાં ICCના આયોજનને લઈને પણ ફેન્સના મનમાં અનેક સવાલ ઊભા થયા છે.
AccuWeather અનુસાર, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની અંતિમ મેચમાં ચોથા દિવસે વરસાદ પડી શકે છે. અહીં લંડનમાં મેચના ચોથા દિવસે વરસાદની 60 ટકા શક્યતા છે. રિપોર્ટનું માનીએ તો ચોથા દિવસને બાદ કરતાં બાકીના દિવસોમાં વરસાદની લગભગ કોઈ શક્યતા નથી. પહેલા અને બીજા દિવસે માત્ર 1 ટકા વરસાદની સંભાવના છે જ્યારે ત્રીજા દિવસે 4 ટકા વરસાદની શક્યતા છે. બીજી તરફ, પાંચમા દિવસે 1 ટકા અને રિઝર્વ ડે પર 7 ટકા વરસાદની સંભાવના છે.
📍 The Oval, London
Prep mode 🔛 for #TeamIndia 👌 👌#WTC23 pic.twitter.com/SHEHCkzKAi
— BCCI (@BCCI) June 4, 2023
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની પહેલી આવૃતિની ફાઈનલમાં પણ વરસાદ વિલન બન્યો હતો. WTC 2021 ફાઈનલ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં પણ વરસાદે રમત બગાડી હતી. ત્યારબાદ રિઝર્વ ડે સહિત કુલ ચાર દિવસની જ રમત શક્ય બની હતી, વરસાદના કારણે પહેલા બે દિવસ એક પણ બોલ ફેંકાયો ન હતો. વરસાદ બાદ શરૂ થયેલ મુકાબલામાં ટીમ ઈન્ડિયાને ન્યૂઝીલેન્ડ સામે 8 વિકેટે હારનો સામનો પણ કરવો પડ્યો હતો.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ 2023ની ફાઈનલનું આયોજન 7 થી 11 જૂન દરમિયાન કરવામાં આવ્યું છે અને 12 જૂનને રિઝર્વ ડે તરીકે રાખવામાં આવ્યો છે. જો ચોથા દિવસે વરસાદ પડે છે તો ફાઈનલ મેચનો નિર્ણય રિઝર્વ ડે પર થઈ શકશે. જો ફાઈનલ મેચ વરસાદને કારણે ડ્રો થશે તો બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે. ICCના નિયમો અનુસાર, જો ચેમ્પિયનશિપ અથવા ટૂર્નામેન્ટની ફાઈનલ મેચમાં વરસાદ પડે છે તો બંને ટીમોને સંયુક્ત વિજેતા માનવામાં આવે છે.