ડેબ્યૂ મેચ પહેલા જ ઘાયલ થયો સ્ટાર ભારતીય ખેલાડી, આખી સિઝનમાંથી થયો બહાર

ઈજાના કારણે અશ્વિન બિગ બેશ લીગમાંથી બહાર થઈ ગયો છે. અશ્વિને આ વર્ષની શરૂઆતમાં બિગ બેશ લીગમાં જોડાવા માટે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી. જો કે ઈજાને કારણે હવે તે બિગ બેશ લીગમાં પોતાની ડેબ્યૂ સિઝનમાંથી જ બહાર થઈ ગયો છે.

ડેબ્યૂ મેચ પહેલા જ ઘાયલ થયો સ્ટાર ભારતીય ખેલાડી, આખી સિઝનમાંથી થયો બહાર
R Ashwin
Image Credit source: X
| Updated on: Nov 04, 2025 | 5:57 PM

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર આર અશ્વિન બિગ બેશ લીગમાંથી બહાર થઈ ગયો છે. અશ્વિન 2025-26 સિઝનમાં બિગ બેશ લીગમાં ડેબ્યૂ કરવાનો હતો. જોકે, ભૂતપૂર્વ ભારતીય ઓફ-સ્પિનરને તેની પહેલી મેચ રમી શકે તે પહેલા જ ઓસ્ટ્રેલિયન T20 લીગમાંથી ખસી જવાની ફરજ પડી છે. ઈજાને કારણે અશ્વિન BBLમાંથી બહાર થઈ ગયો છે. તેને 2025-26 સિઝન માટે સિડની થંડરે કરારબદ્ધ કર્યો હતો.

અશ્વિનને ઘૂંટણમાં ઈજા થઈ

ઘૂંટણની ઈજાને કારણે અશ્વિન લીગમાંથી બહાર થઈ ગયો છે. તેને ચેન્નાઈમાં આ ઈજા થઈ હતી. અગાઉ, સિડની થંડર સાથે કરાર કર્યા પછી તે બિગ બેશ લીગ 2025-26 ની આખી સીઝન રમવાની અપેક્ષા રાખતો હતો. અશ્વિન ઓસ્ટ્રેલિયાની T20 લીગમાં રમનાર પ્રથમ ભારતીય પુરુષ ક્રિકેટર બનવા માટે તૈયાર હતો. જોકે, તેની ઈજાએ તે તકની રાહ લંબાવી છે.

 

બિગ બેશ લીગમાં નહીં રમે અશ્વિન

અશ્વિને ઈન્સ્ટાગ્રામ દ્વારા પોતાની ઈજાની જાહેરાત કરી હતી. પોતાની BBL ટીમ સિડની થંડરને લખેલા લેટરમાં, તેણે સમજાવ્યું કે ચેન્નાઈમાં લીગની તૈયારી કરતી વખતે તેને ઘૂંટણમાં ઈજા થઈ હતી. આ ઈજાને કારણે તેના માટે BBLમાં રમવું મુશ્કેલ બન્યું છે. અશ્વિને ઉમેર્યું કે તે બિગ બેશ લીગમાં રમવા માટે ખૂબ જ ઉત્સાહિત હતો.

 

ઘરેથી સિડની થંડરનો ઉત્સાહ વધારશે

અશ્વિને કહ્યું કે તે હાલમાં રિહેબિલિટેશનમાંથી પસાર થશે અને ઈજામાંથી સ્વસ્થ થવા માટે કામ કરશે. અશ્વિને ઉમેર્યું કે ભલે તે BBLમાં ટીમ સાથે ન હોય, પરંતુ તે દરેક મેચ જોશે અને સિડની થંડરની પુરુષ અને મહિલા બંને ટીમોને ચીયર કરશે અને ખેલાડીઓનો ઉત્સાહ વધારશે.

સ્વસ્થ થઈ જાય તો ટીમમાં જોડાશે

અશ્વિને એમ પણ કહ્યું કે જો તે રિહેબિલિટેશનમાંથી સ્વસ્થ થઈ જાય અને તેના ડોક્ટર દ્વારા મુસાફરી કરવાની મંજૂરી મળી જાય, તો તે લીગના અંતિમ તબક્કા દરમિયાન ટીમમાં જોડાવાનો પ્રયાસ કરશે. જોકે, તે હાલમાં આ અંગે કોઈ વચન આપી શકતો નથી.

આ પણ વાંચો: Asia Cup Trophy Controversy : મોહસીન નકવી ICC મીટિંગમાંથી ગાયબ ? BCCI થી ડરી ગયું પાકિસ્તાન

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો