પાકિસ્તાન (Pakistan) ક્રિકેટ ટીમની જાહેરાત થાય અને તે પછી કોઈ હંગામો ન થાય, એવું હાલના સમયમાં જોવા મળતું નથી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (PCB) થોડા દિવસો પહેલા પૂર્વ કેપ્ટન ઈન્ઝમામ ઉલ હક (PCB)ને નવા મુખ્ય પસંદગીકાર તરીકે નિયુક્ત કર્યા હતા. ઈન્ઝમામે 30 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા એશિયા કપ (Asia Cup 2023) માટે ટીમની જાહેરાત કરી દીધી છે અને ત્યાર બાદ પાકિસ્તાન ક્રિકેટમાં હલચલ મચી ગઈ છે.
શહનાબાઝ દહાનીને આ ટીમમાં સ્થાન મળ્યું નથી. આ ખેલાડીને આ વાત પસંદ ન આવી અને તેણે સિલેક્ટર્સ અને પત્રકારો પર સવાલો ઉઠાવ્યા. આ બધું પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન રાશિદ લતીફના ટ્વિટથી શરૂ થયું. આ ટ્વીટ જોઈને દહાની નારાજ થઈ ગયો અને તેણે ટ્વીટર પર પણ પોતાનો ગુસ્સો ઠાલવ્યો અને હવે પીસીબી (PCB) તેના પર કડક કાર્યવાહી કરશે.
ઈન્ઝમામની આગેવાની હેઠળની વરિષ્ઠ પસંદગી સમિતિએ શાન મસૂદ અને ઈહસાનુલ્લાહને ટીમમાંથી બહાર કર્યા છે. આ સાથે જ ઈમાદ વસીમને પણ ટીમમાં સ્થાન મળ્યું નથી. ફહીમ અશરફ બે વર્ષ બાદ પાકિસ્તાની ટીમમાં પરત ફર્યો છે. તે છેલ્લે 2021માં ટીમમાં રમ્યો હતો.
Pakistani Pacers List A stats. #AsiaCup2023 pic.twitter.com/kDacUgWoMW
— Rashid Latif | 🇵🇰 (@iRashidLatif68) August 10, 2023
આ દરમિયાન પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન રાશિદ લતીફે એક ટ્વિટ કર્યું છે. જેમાં તેણે પાકિસ્તાનના ફાસ્ટ બોલરોના લિસ્ટ-Aના આંકડાઓ જણાવ્યા હતા. તેમાં શાહીન શાહ આફ્રિદી, નસીમ શાહ જેવા બોલરોના નામ છે પરંતુ દહાનીનું નામ તેમાં નહોતું. આના પર દહાની ગુસ્સે થઈ ગયો હતો.
લતીફના ટ્વીટ પર ટિપ્પણી કરતા દહાનીએ તેના આંકડા પોસ્ટ કર્યા અને લખ્યું કે શું તમને એવું લાગે છે કે દહાની પાકિસ્તાનનો ફાસ્ટ બોલર નથી. આના પર લતીફે પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી. પરંતુ પછી દહાનીએ બીજું ટ્વિટ કર્યું અને લખ્યું કે કોઈપણ પત્રકાર અને ક્રિકેટ વિશ્લેષકમાં પસંદગીકારને આંકડા બતાવવાની અને પ્રશ્નો પૂછવાની હિંમત નથી.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને દહાનીનું આ વલણ પસંદ પડ્યું નથી. સોશિયલ મીડિયા પર એવા અહેવાલો છે કે તેણે દહાનીના ટ્વીટ પર સખત વાંધો ઉઠાવ્યો છે અને તેની સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. એવા અહેવાલો છે કે PCBની કાનૂની ટીમ આ અંગે નિર્ણય લેશે કે તેની સામે શું કાર્યવાહી કરવી.