પાકિસ્તાનની હાલત હાલમાં શરમજનક છે. ઈંગ્લેન્ડની ટીમે તેની હાલત ખરાબ કરી દીધી છે. પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે હાલમાં ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. સિરીઝની પ્રથમ બંને ટેસ્ટ મેચને ઈંગ્લીશ ટીમે જીતી લઈને શ્રેણી પોતાને નામ કરી લીધી છે. પાકિસ્તાન ઘર આંગણે સળંગ ત્રીજી ટેસ્ટ મેચ ગુમાવી ચુક્યુ છે. આ દરમિયાન પાકિસ્તાનમાં ઈંગ્લેન્ડના યુવા ક્રિકેટર હેરી બ્રૂકે ખૂબ ચર્ચા મેળવી છે. ઈંગ્લીશ ટીમના કેપ્ટન બેન સ્ટોક્સે પણ તેનામાં ભારતીય સ્ટાર ખેલાડી વિરાટ કોહલીની ઝલક દેખાઈ રહી હોવાનુ કહી દીધુ હતુ. સ્ટોક્સે કહ્યુ હતુ તે, બ્રુકમાં એક ખાસ વાત નજર આવી રહી છે, જે વિરાટ કોહલી જેવા ગણ્યા ગાંઠ્યા ખેલાડીઓમાં નજર આવે છે.
પાકિસ્તાન સામેની શ્રેણી ઈંગ્લેન્ડે સળંગ બે ટેસ્ટ જીતીને પોતાને નામ કરી લીધી છે. મુલતાન ટેસ્ટને 26 રનથી જીતી લીધા બાદ બેન સ્ટોક્સે બ્રુકના ખુબ વખાણ કર્યા હતા. બ્રુકે પાકિસ્તાન સામે મુલતાન ટેસ્ટમાં બીજી ઈનીંગમાં શાનદાર સદી નોંધાવી હતી. સ્ટોક્સે કહ્યુ હતુ કે, પ્રતિભાથી ભરેલા આ યુવા બેટ્સમેનની ટેકનિક ખૂબ જ સરળ છે અને તે દરેક ફોર્મેટમાં સફળ થઈ શકે છે.
ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીનું ઉદાહરણ આપતા સ્ટોક્સે કહ્યું કે બ્રુકમાં પણ આવું જ કંઈક કરવાની ક્ષમતા છે. સ્ટોક્સે મુલતાનમાં કહ્યું, તે (બ્રુક) એવા કેટલાક ખેલાડીઓમાંથી એક છે જેને તમે દરેક ફોર્મેટમાં જુઓ છો અને તમે તેને દરેક જગ્યાએ સફળ થતા જોઈ શકો છો. આ એક મોટો દાવો છે, પરંતુ વિરાટ કોહલી એવા લોકોમાંથી એક છે જ્યાં તેની ટેકનિક ખૂબ જ સરળ છે અને દરેક જગ્યાએ કામ કરે છે. તે (બ્રુક) વિપક્ષી ટીમો પર જે પ્રકારનું દબાણ લાવે છે, તે અમારી ઓળખ છે.
— K (@Kia_pvt) December 12, 2022
ઈંગ્લેન્ડમાં ઘરેલુ ક્રિકેટમાં ખૂબ શાનદાર પ્રદર્શન કરનાર બ્રુકે ચાલુ સાલે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ છે. તે ટૂંકા સમયમાં જ પોતાનુ નામ જાણિતુ કરવામાં સફળ રહ્યો છે. બ્રુક ડેબ્યૂ કરવા સાથે જ ચર્ચાઓમાં રહ્યો છે. તેણે પાકિસ્તાન સુપર લીગમાં પણ હિસ્સો લઈને સારો દેખાવ કર્યો છે. સંયોગથી એક વર્ષથી ઓછા સમયના કરિયરમાં તેને ઓળખ અપાવવાનુ કાર્ય પણ પાકિસ્તાને જ કર્યુ છે. પહેલા ટી20 શ્રેણી માટે પાકિસ્તાન પ્રવાસ ખેડ્યો હતો, એ વખતે 7 ઈનીંગમાં 238 રન નોંધાવ્યા હતા. જે સમયે તેની સરેરાશ 79ની રહી હતી અને સ્ટ્રાઈક રેટ 163 નો રહ્યો હતો.
બીજી તરફ, પાકિસ્તાન આવતા પહેલા માત્ર એક જ ટેસ્ટ રમનાર બ્રુકે 2 મેચની 4 ઇનિંગ્સમાં 73.80ની શાનદાર એવરેજથી 369 રન બનાવ્યા છે અને 99ના સ્ટ્રાઇક રેટથી આ રન બનાવ્યા છે. તેણે 4 માંથી બે ઇનિંગ્સમાં સદી ફટકારી છે, જ્યારે એક ઇનિંગ્સમાં 87 રન બનાવ્યા છે. રાવલપિંડી ટેસ્ટના પ્રથમ દાવમાં બ્રુકે માત્ર 80 બોલમાં પોતાની પ્રથમ સદી ફટકારી હતી. તે જ સમયે, મુલ્તાન ટેસ્ટની બીજી ઇનિંગમાં, તેણે ઝડપી 109 રન બનાવ્યા અને મેચ જીતવાના 355 રનના લક્ષ્યને જાળવી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.
Published On - 11:20 pm, Mon, 12 December 22