ન્યૂઝીલેન્ડ ક્રિકેટે (NZC) એક નિવેદન દ્વારા કહ્યું કે તેણે સુરક્ષાના કારણોસર આ નિર્ણય લીધો છે. બોર્ડે તેના નિવેદનમાં કહ્યું કે તે ન્યૂઝીલેન્ડ સરકાર અને ન્યુઝીલેન્ડ ક્રિકેટના સુરક્ષા સલાહકારોની સલાહ બાદ પાકિસ્તાન પ્રવાસ રદ કરી રહ્યું છે.
આ પ્રવાસમાં ન્યૂઝીલેન્ડ ત્રણ વનડે અને પાંચ મેચની T20 શ્રેણી રમવાની હતી, પરંતુ આ પ્રવાસમાં એક પણ મેચ રમાશે નહીં. ન્યુઝીલેન્ડના આ નિર્ણય પર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના નવા અધ્યક્ષ અને પૂર્વ કેપ્ટન રમીઝ રાજા (Ramiz Raja) નારાજ થઈ ગયા છે. રાજાએ ન્યૂઝીલેન્ડને ICCમાં લઈ જવાની ધમકી પણ આપી છે.
મુશ્કેલી ત્યારે શરૂ થઈ જ્યારે મર્યાદિત ઓવરોની શ્રેણીની પ્રથમ વનડે શુક્રવારે રાવલપિંડી સ્ટેડિયમમાં સમયસર શરૂ ન થઈ અને બંને ટીમો તેમના હોટલના રૂમમાં રહી. આ પછી ન્યુઝીલેન્ડ ક્રિકેટ ચીફ એક્ઝિક્યુટિવ ડેવિડ વ્હાઈટે એક નિવેદન બહાર પાડ્યું હતું કે તેમને જે સલાહ મળી રહી હતી તે જોતા પ્રવાસ ચાલુ રાખવો શક્ય નથી. તેમણે કહ્યું મને લાગે છે કે તે PCB માટે એક ફટકો હશે જે અદ્ભુત યજમાન રહ્યું છે. પરંતુ ખેલાડીઓની સુરક્ષા સર્વોપરી છે અને અમે માનીએ છીએ કે આ તેના માટે જવાબદાર વિકલ્પ છે.
કિવિ બોર્ડના આ નિર્ણય બાદ રાજાનો ગુસ્સો ફાટી નીકળ્યો. તેણે ન્યૂઝીલેન્ડને આઈસીસીમાં લઈ જવાની ધમકી આપી છે. રાજાએ ટ્વીટ કર્યું તે ખૂબ જ ખરાબ દિવસ રહ્યો છે. મને અમારા ખેલાડીઓ અને ચાહકો માટે ખરાબ લાગે છે. સુરક્ષા અંગે એકપક્ષીય નિર્ણય લેવો અને પ્રવાસમાંથી પાછો ખેંચી લેવો, તે પણ માહિતી શેર કર્યા વિના, ખૂબ નિરાશાજનક છે. ન્યુઝીલેન્ડ કઈ દુનિયામાં રહે છે? અમે ICCમાં ન્યૂઝીલેન્ડને મળીશું.
Crazy day it has been! Feel so sorry for the fans and our players. Walking out of the tour by taking a unilateral approach on a security threat is very frustrating. Especially when it’s not shared!! Which world is NZ living in??NZ will hear us at ICC.
— Ramiz Raja (@iramizraja) September 17, 2021
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તેના વતી એક નિવેદનમાં કહ્યું છે કે તેણે ન્યૂઝીલેન્ડ માટે વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરી છે. દેશના વડાપ્રધાન ઈમરાન ખાને ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા આર્ડર્ન સાથે પણ વાત કરી હતી. PCBએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને પાકિસ્તાન સરકાર તમામ મુલાકાતી ટીમો માટે વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરે છે.
અમે ન્યૂઝીલેન્ડ ક્રિકેટને પણ આ અંગે ખાતરી આપી હતી. પાકિસ્તાનના વડાપ્રધાન (ઈમરાન ખાને) વ્યક્તિગત રીતે ન્યુઝીલેન્ડના વડાપ્રધાન (જેસિન્ડા આર્ડર્ન) સાથે વાત કરી. તેમને કહ્યું કે અમારી પાસે વિશ્વની શ્રેષ્ઠ ગુપ્તચર વ્યવસ્થા છે અને મુલાકાતી ટીમને કોઈપણ પ્રકારનો સુરક્ષા ખતરો નથી.