મોહમ્મદ રિઝવાને (Mohammad Rizwan) ભારતની ધરતી પર આવતાની સાથે જ ધૂમ મચાવી રહ્યો છે. પાકિસ્તાનના આ વિકેટકીપર બેટ્સમેને વર્લ્ડ કપની વોર્મ-અપ મેચમાં શાનદાર સદી ફટકારી હતી. ન્યૂઝીલેન્ડ સામે રિઝવાને 92 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. તમને જણાવી દઈએ કે રિઝવાન પહેલી વખત ભારત આવ્યો છે અને તેને આવતાની સાથે જ સદી ફટકારી છે જે તેના માટે ખાસ છે. રિઝવાનનું ફોર્મ ખૂબ જ ખરાબ ચાલી રહ્યું હતું. એશિયા કપમાં તે કંઈ ખાસ કમાલ કરી શક્યો ન હતો. આવામાં વર્લ્ડ કપ 2023ની શરૂઆત પહેલા પોતાના બેટથી સદી ફટકારવી તે તેના અને પાકિસ્તાની ટીમ માટે રાહતના સમાચાર છે.
રિઝવાન જ્યારે ક્રિઝ પર ઉતર્યો ત્યારે પાકિસ્તાન મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું. ઇમાદ વસીમ અને અબ્દુલ્લા શફીક ઓછા રનમાં આઉટ થઈ ગયા હતા. પરંતુ આ પછી રિઝવાને કેપ્ટન બાબર આઝમ સાથે ઈનિંગ સંભાળી અને ત્રીજી વિકેટ માટે 114 રનની ભાગીદારી કરીને ન્યૂઝીલેન્ડને જડબાતોડ જવાબ આપ્યો. હંમેશાની જેમ રિઝવાને પહેલા સેટ થવામાં સમય લીધો અને પછી તેના સ્વીપ શોટ્સની મદદથી કિવી સ્પિનરોનો સામનો કર્યો હતો.
તમને જણાવી દઈએ કે બાબર અને રિઝવાને પાર્ટનરશિપના પહેલા પચાસ રન માત્ર 59 બોલમાં ઉમેર્યા હતા અને તેમની પાર્ટનરશિપ 97 બોલમાં 100 રનને આંકડાને પાર કરી ગઈ હતી. બાબરે પણ આ પાર્ટનરશિપમાં શાનદાર શોટ રમ્યા હતા. બાબરે 80 રનની શાનદાર ઈનિંગ રમી હતી. બાબર સદી ફટકારવામાં ચૂકી ગયો હતો પરંતુ રિઝવાને સદી ફટકારી હતી. રિઝવાન સદી ફટકાર્યા બાદ રિટાયર્ડ હર્ટ થયો હતો. તમને જણાવી દઈએ કે વોર્મ-અપ મેચમાં રિઝવાને અન્ય બેટ્સમેનોને તક આપવા માટે પોતાને રિટાયર જાહેર કર્યો હતો.
રિઝવાન અને બાબરે રાબેતા મુજબ રન બનાવ્યા છે પરંતુ પાકિસ્તાનનું સૌથી મોટું ટેન્શન હજુ પણ છે. પાકિસ્તાની ઓપનિંગ જોડી લાંબા સમયથી ચાલી રહી નથી. ફખર ઝમાન પણ સતત ફ્લોપ રહ્યો હતો તેથી અબ્દુલ્લા શફીકને અજમાવવામાં આવ્યો હતો પરંતુ તે પણ વોર્મ-અપ મેચમાં ફ્લોપ રહ્યો હતો. ઈમામ ઉલ હક પણ હંમેશાની જેમ ક્વોલિટી બોલિંગનો શિકાર થતો જોવા મળ્યો હતો. જો સ્થિતિ આવી જ રહી તો વર્લ્ડ કપ દરમિયાન બાબર અને રિઝવાન બંને પર વધુ દબાણ રહેશે, જે પાકિસ્તાન માટે સારા સમાચાર નથી.
આ પણ વાંચો: World Cup 2023 : અનુભવી સ્પિનર અશ્વિનના ટીમમાં સમાવેશ બાદ ભારતની વધી તાકાત