ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં આવતીકાલે 13 નવેમ્બરના રોજ પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાશે. આ મેચને લઈને આખી દુનિયાના ક્રિકેટ ચાહકોમાં ભારે આતુરતા જોવા મળી રહી છે, પરંતુ આ બધા વચ્ચે ચિંતા ભેરેલા સમાચાર સામે આવી રહ્યા છે. પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે વર્લ્ડ કપની ફાઈનલ મેચ ઓસ્ટ્રેલિયાના મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાવાની છે. આ મેચમાં વરસાદ પડવાની સંભાવના છે. એવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે ફાઈનલ મેચ રિઝર્વ ડે એ રમાઈ શકે છે, પણ જો તે સમયે પણ વરસાદ કે અન્ય સમસ્યા આવશે તો બન્ને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે.
મીડિયા રિપોર્ટ અનુસાર, હવામાન વિભાગ દ્વારા શુક્રવારે નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે રવિવારે વરસાદ પડવાની સંભાવના 95 ટકા છે. આ વરસાદ 15 થી 25 MM સુધી પડી શકે છે. તેની સાથે સાથે ઝડપી હવાઓ પણ ફૂંકાવવાની સંભાવના છે. આ સમાચારને કારણે ક્રિકેટ પ્રેમીઓમાં નિરાશાનો માહોલ જોવા મળી રહ્યો છે.
આઈસીસી ટૂર્નામેન્ટસમાં નોકઆઉટ મેચ માટે રિઝર્વ ડેની વ્યવસ્થા કરવામાં આવે છે. આ વખતે વર્લ્ડ કપની ફાઈનલ મેચ માટે રિઝર્વ ડે સોમવારે છે. પણ મીડિયા રિપોર્ટ અનુસાર આ દિવસે પણ વરસાદ પડવાની સંભાવના 95 ટકા છે. આ વરસાદ 5થી 10 MM સુધી પડવાની સંભાવના છે.
જો વરસાદ અટકી જાય તો સમય અનુસાર ઓવર ઘટાડીને પણ મેચ રમાડવામાં આવે છે. નોકઆઉટ મેચોમાં દરેક ઈનિંગમાં 10 ઓવર જરુરી છે અને ગ્રુપ સ્ટેજમાં 5 ઓવર પ્રતિ ઈનિંગ હોય છે. રવિવારે ફાઈનલ મેચમાં જરુરત પડવા પર મેચની ઓવર ઘટાડવામાં પણ આવશે. એટલે કે રિઝર્વ ડેનો ઉપયોગ ન કરીને મેચ રવિવારે જ પૂર્ણ કરી દેવામાં આવશે. પણ જો તેમાં પણ વરસાદ પડશે તો મેચ સોમવારે તે જ સ્કોરથી ફરી શરુ થશે. આવી ઘટના 2013 ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચમાં પણ થયુ હતુ. જેમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચમાં ઓવર ઘટાડીને મેચ રમાડવામાં આવી હતી.
જો 2 દિવસોમાં ઓછામાં ઓછી ઓવરમાં પણ મેચ પૂરી ન કરાવી શકાય, તો આ બન્ને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે. 2002-03 ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને શ્રીલંકાને આ જ રીતે સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. વર્ષ 2019માં ઈંગ્લેન્ડમાં રમાયેલા વર્લ્ડ કપમાં વરસાદને કારણે ભારત અને ન્યૂઝીલેન્ડની મેચ 2 દિવસ ચાલી હતી. આ ટી20 વર્લ્ડ કપમાં વરસાદને કારણે ઘણી ગ્રુુપ સ્ટેજની મેચ રદ્દ કરવી પડી હતી. જેને કારણે ઘણી ટીમોને પોઈન્ટ મેળવવમાં મુશ્કેલી પડી હતી. વરસાદને કારણે મેચ રદ્દ થતા, ગ્રુપ સ્ટેજમાં બન્ને ટીમોને 1-1 પોઈન્ટ આપવામાં આવે છે.
Published On - 5:37 pm, Sat, 12 November 22