ભારત-બાંગ્લાદેશ સિરીઝ પહેલા મોટો હંગામો, આ ખેલાડીને ટીમમાંથી બહાર કરવાની ઉઠી માંગ

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ આવતા મહિને ભારતના પ્રવાસે આવવાની છે. બંને ટીમો વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણી રમાશે. આ બધા વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. એક ખેલાડીને ટીમમાંથી બહાર કરવા માટે લીગલ નોટિસ મોકલવામાં આવી છે.

ભારત-બાંગ્લાદેશ સિરીઝ પહેલા મોટો હંગામો, આ ખેલાડીને ટીમમાંથી બહાર કરવાની ઉઠી માંગ
Shakib Al Hasan
| Updated on: Aug 24, 2024 | 10:08 PM

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આગામી મહિનાથી 2 મેચની ટેસ્ટ શ્રેણી શરૂ થવા જઈ રહી છે. આ પહેલા બાંગ્લાદેશની ટીમ પાકિસ્તાનના પ્રવાસે છે, જ્યાં બંને ટીમો વચ્ચે 2 મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. આ શ્રેણીની પ્રથમ મેચમાં બાંગ્લાદેશ તરફથી શાનદાર રમત જોવા મળી હતી. પરંતુ આ દરમિયાન બાંગ્લાદેશ ટીમ સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવ્યા છે. અહેવાલો અનુસાર બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને એક ખેલાડીને ટીમમાંથી હટાવવા માટે લીગલ નોટિસ મોકલવામાં આવી છે.

શાકિબને ટીમમાંથી બહાર કરવાની માંગ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ને કાનૂની નોટિસ મોકલવામાં આવી છે, જેમાં પૂર્વ કેપ્ટન શાકિબ અલ હસનને રાષ્ટ્રીય ટીમમાંથી તાત્કાલિક હટાવવાની માંગ કરવામાં આવી છે. નોટિસમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના નિયમોને આધારે કહેવામાં આવ્યું છે કે શાકિબને ઈન્ટરનેશનલ ક્રિકેટનો ભાગ ન બનવો જોઈએ, કારણ કે તે ક્રિમિનલ કેસનો સામનો કરી રહ્યો છે.

શાકિબ અલ હસન વિરુદ્ધ FIR

તાજેતરમાં જ શાકિબ અલ હસન પર હત્યામાં સામેલ હોવાનો આરોપ લાગ્યો છે. હકીકતમાં, બાંગ્લાદેશમાં તાજેતરમાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીના વિરુદ્ધ આંદોલનમાં 400 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ દરમિયાન 5 ફાયરિંગમાં 5 વિદ્યાર્થીઓના મોત થયા હતા. આમાંથી એક વિદ્યાર્થીના પિતાએ ઢાકામાં FIR નોંધાવી છે. જેમાં શાકિબ સહિત 147 લોકો પર વિદ્યાર્થીની હત્યાનો આરોપ છે. તમને જણાવી દઈએ કે, શાકિબ તે સમયે શેખ હસીનાની સરકારમાં મંત્રી હતો.

 

BCBને કાનૂની નોટિસ મોકલવામાં આવી

એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે બાંગ્લાદેશ સુપ્રીમ કોર્ટના વકીલ બેરિસ્ટર શાજીબ મહમૂદ આલમે BCBને કાનૂની નોટિસ મોકલી છે અને શાકિબને રાષ્ટ્રીય ટીમમાંથી તાત્કાલિક હટાવવાની માંગ કરી છે. કાનૂની નોટિસમાં ICCના નિયમોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન ક્રિમિનલ કેસનો સામનો કરી રહ્યા છે. જોકે, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પ્રમુખ ફારૂક અહેમદે કહ્યું છે કે શાકિબ અલ હસનના ભવિષ્ય અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. ફારુકે શનિવારે શેર-એ-બાંગ્લા નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં પોતાના બોર્ડના કેટલાક નિર્દેશકો સાથે લાંબી બેઠક કરી અને કહ્યું કે તેઓ 30 ઓગસ્ટે રાવલપિંડીમાં પાકિસ્તાન સામેની બીજી ટેસ્ટ પહેલા શાકિબ અંગે નિર્ણય લેશે.

આ પણ વાંચો: રિષભ પંતની જગ્યાએ આ ખેલાડી બન્યો દિલ્હીનો કેપ્ટન, પોતાના દમ પર અપાવી આસાન જીત

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 10:07 pm, Sat, 24 August 24