
સુનીલ ગાવસ્કર (Sunil Gavaskar) નું નામ ભારતના સૌથી દિગ્ગજ બેટ્સમેનોમાં સામેલ છે. તે 70 અને 80 ના દાયકામાં ભારતીય બેટિંગનો આધાર હતો. પરંતુ આજથી 47 વર્ષ પહેલા તેણે ODI વર્લ્ડ કપના મંચ પર એક એવી ઇનિંગ રમી હતી જેમાં તેણે ચાહકોને ટેસ્ટ મેચ જોવાનો અહેસાસ કરાવ્યો હતો. ગાવસ્કરની તે ઈનિંગ એટલી ધીમી હતી કે તેને જોઈને ક્રિકેટ ચાહકોની ધીરજ તૂટી ગઇ હતી. તેણે 7 જૂન 1975ના રોજ ઈંગ્લેન્ડ સામે વર્લ્ડ કપની પ્રથમ મેચમાં તે ધીમી ઈનિંગની સ્ક્રિપ્ટ લખી હતી. તે સમયે વન-ડે ક્રિકેટ મેચ 50 ઓવરની નહીં પણ 60 ઓવરની રમાતી હતી. ભારત એ મેચ ઈંગ્લેન્ડ સામે હારી ગયું હતું. ભારતની હારમાં સુનીલ ગાવસ્કરની ધીમી બેટિંગ ચર્ચામાં રહી હતી.
પ્રથમ વન-ડે વર્લ્ડ કપ 1975માં રમાયો હતો. તે વર્લ્ડ કપમાં ભારતની પહેલી મેચ ઈંગ્લેન્ડ સામે હતી. આ મેચ 7 જૂનના રોજ રમાઇ હતી. જેમાં સુનીલ ગાવસ્કર ભારતીય ઇનિંગની શરૂઆત કરવા મેદાનમાં આવ્યા હતા. પરંતુ તે જે રીતે રમ્યા તેના સાથી ખેલાડીઓ કે ક્રિકેટ ચાહકોને તેની પાસેથી આવી ઇનિંગ રમવાની અપેક્ષા ન હતી. પરિણામ એવું બન્યું કે ચાહકોનો ગુસ્સોનો ભોગ બન્યા સુનિલ ગાવસ્કર.
સુનીલ ગાવસ્કરે ઈંગ્લેન્ડ સામેની મેચમાં 174 બોલનો સામનો કરીને માત્ર 36 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેની બેટિંગ એવરેજ 21 એટલે કે 20.69 ની આસપાસ રહી હતી. વન-ડે ક્રિકેટમાં ગાવસ્કરની તે ઇનિંગ્સમાં માત્ર એક જ ચોગ્ગો સામેલ હતો. જે ટેસ્ટ મેચનો અહેસાસ કરાવે છે.
હવે જ્યારે સુનિલ ગાવસ્કર ઓપનર તરીકે ધીમી ઇનિંગ રમતા હતા ત્યારે તેની અસર ટીમ ઈન્ડિયાના સ્કોર પર પણ પડી હતી. ભારતીય ટીમે તેની ધીમી ઈનિંગના કારણે 60 ઓવરમાં 3 વિકેટે માત્ર 132 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડે તે મેચ 202 રનના વિશાળ અંતરથી જીતી લીધી હતી.
તે મેચમાં ઈંગ્લેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરી હતી. લોર્ડ્સમાં રમાયેલી મેચમાં ઈંગ્લેન્ડે 60 ઓવરમાં કુલ 334 રન બનાવ્યા હતા. જે તે સમયેનો સર્વોચ્ચ સ્કોર હતો. ઈંગ્લેન્ડ તરફથી ડેનિસ એમિસે 137 રન અને કીથ ફ્લેચરે 68 રન બનાવ્યા હતા. આ સાથે જ ક્રિસ ઓલ્ડે 51 રનની તોફાની ઇનિંગ રમી હતી.
335 રનના ટાર્ગેટનો પીછો કરતા સુનીલ ગાવસ્કર એ મેચમાં એટલી ધીમી ઇનિંગ રમી કે ચાહકોની ધીરજ તૂટી ગઇ હતી. ચાહકોએ વિરોધ પણ કર્યો હતો અને મેદાન પર ઉતરી ગયા હતા અને બાદમાં પોતાનો વિરોધ વ્યક્ત કરવા સુનિલ ગાવસ્કર પાસે પહોંચી ગયા હતા.
ગાવસ્કરની ઈનિંગ્સથી ચાહકો તો નારાજ હતા જ પણ તેઓ પોતે પણ ખુશ ન હતા. ઘણા વર્ષો બાદ એક ઈન્ટરવ્યુમાં ગાવસ્કરે પોતાની ઈનિંગ્સ વિશે કહ્યું હતું કે, “મેં તે ઈનિંગ દરમિયાન ઘણી વખત આઉટ થવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આઉટ થઈ શક્યો ન હતો. મેં આઉટ થવા માટે ઘણી વખત મારી વિકેટ ખોલીને પણ રમતો હતો, પણ આઉટ થતો જ ન હતો.“
Published On - 10:00 am, Tue, 7 June 22